૫૦ ખેડૂતોએ બટાટાની જૂથ ખેતી કરી

6 DECEMBER 2013
શિવપુરાકંપાના યુવાને ઊભા કરેલા ગ્રૂપમાં ત્રણ જિલ્લાના ૫૦થી ૬૦ ખેડૂતોનો સમાવેશ : ૬ હજાર વીઘામાં બટાટાની સામૂહિક ખેતી કરતા ગ્રૂપના પ્રગતિશીલ ખેડૂતો

ખેડૂતોનું ગ્રૂપ બનાવી ૬ હજાર વીઘામાંથી બટાટાની સીઝનમાં ૩.૫ કરોડથી ૪ કરોડની કમાણી કરતા કોઈ ગ્રૂપને મળવું હોય તો ગાંધીનગર તાલુકાના શિવપુરાકંપા ગામની મુલાકાત લેવી પડે. શિવપુરાકંપા ગામ સહિત પડોશી જિલ્લાના ખેડૂતોએ ભેગા મળી શરૃ કરેલી કરારી ખેતી રાજ્યના અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૃપ સાબિત થઈ છે. ખેડૂતો એકઠા થાય તો ઓછા ખર્ચે ઉત્પાદનના સારા ભાવ મેળવવાની સાથે સારી કમાણી પણ મેળવી શકે છે. શિવપુરાકંપા ગામના ગ્રેજ્યુએટ ખેડૂતે ઊભા કરેલા ખેડૂતોનું ગ્રૂપ એક સાથે જ બિયારણની ખરીદી કરવાની સાથે ખાનગી કંપની સાથે કરાર કરી બટાટાના સારા ભાવ મેળવે છે. રાજ્યમાં ચાલુ વર્ષે ખેડૂતોને બટાટાની ખેતીમાં સારા ભાવ મળ્યા છે ત્યારે આ ગ્રૂપ સાથે સંકળાયેલા ખેડૂતોએ પણ ખાનગી કંપની સાથે કરાર કરીને મણના ૧૯૪ રૃપિયાના ભાવે ૭૦થી ૮૦ હજાર કટ્ટા બટાટાનું વેચાણ કર્યું છે.
શિવપુરાકંપા ગાંધીનગર જિલ્લાના ચિલોડા ગામથી ચાર કિમી દૂર આવેલું નાનકડું ગામ છે. માત્ર ૨૭ કુટુંબની વસતી ધરાવતા ગામના લોકો છેલ્લાં ૨૦ વર્ષથી ટપક સિંચાઇ અપનાવીને ખેતી કરે છે. બધા જ ખેડૂતોએ જીજીઆરસીની સ્થાપના પણ ન થઇ હતી તે પૂર્વે ખિસ્સાની ૧૦૦ ટકા રકમ ખર્ચીને ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ ખરીદી છે, કારણ કે જે સમયે સરકારની પ્રેરણા, સાહસ કે સહાય પણ મળતી ન હતી ત્યારથી આ આધુનિક પિયત પદ્ધતિને વરેલા ખેડૂતોએે આજે પ્રગતિ કરી છે. બટાટા ખેડૂતોનો મુખ્ય પાક છે. આ ઉપરાંત કપાસ, મગફળી તથા બાગાયતી પાકોની ખેતી કરવાનો પણ લાંબો અનુભવ ધરાવે છે, પરંતુ તેમની પહેલી પસંદ બટાટાની ખેતી રહી છે. વિવિધ પ્રકારની જાતો, રોગ તથા ભાવો અંગે જાણકારી રાખીને અદ્યતન પ્રકારની ખેતી બાપદાદાઓના વખતથી કરતા આવ્યા છે. હવે યુવાપેઢી મૂલ્યવર્ધન કરીને વિવિધ પ્રકારની પ્રોડકટ બનાવતી કંપનીઓને તેનો માલ વેચીને કોન્ટ્રાક્ટ ર્ફાિમંગ પ્રકારની ખેતી કરીને નફો મેળવે છે. તેના માટે પંથકની આજુબાજુનાં ગામોના રસ ધરાવતા બટાટા ઉત્પાદક ખેડૂતોએ મળીને ફાર્મર ગ્રૂપ બનાવ્યું છે. જેમાં શિવપુરાના ખેડૂતો ઉપરાંત મૌહુરા, વાસણા ચૌધરી, ચેખલારાણી, બાલાસિનોર તાલુકાના જમિયતપુરા, સાબરકાંઠાના રણાસણ મોતીપુરા તથા દહેગામ પંથકના ખેડૂતોનો સમાવેશ થાય છે. ખેડૂતોના આ ગ્રૂપનું નેતૃત્વ શિવપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત પરાગભાઇ શાંતિભાઇ પટેલ સંભાળે છે. તેમણે દુનિયાના સાત દેશોમાં વેફરનો વ્યવસાય કરતી એક કંપની સાથે કરાર કર્યા છે. આ કંપની દર વર્ષે તેમની પાસેથી સારા ભાવ આપીને બટાટાની ખરીદી કરે છે. આ વર્ષે બટાટાનું બજાર સારું હોવાથી ૧૯૪ રૃપિયાના મણના ભાવે અંદાજે ૭૦થી ૮૦ હજાર ક્ટ્ટા બટાટાનું વેચાણ કર્યું હતું. કંપની સાથેના કરારમાં બટાટાની સાઇઝ ૪૫ એમ.એમ.થી વધારે હોવી જરૃરી છે. હા, તેમાં ૩ ટકા જેટલા બટાટા ૪૫ એમએમથી નાના હોય તો ચલાવી લેવામાં આવે છે. એનાથી વધારે હોય તો માલ રીજેેકટ થાય છે. ગ્રૂપના ખેડૂતો તેમના માલને કંપનીના સ્ટોરેજમાં મોકલાવે તે પછી માત્ર અઠવાડિયામાં જ પેમેન્ટ મળી જાય છે. બારદાન કંપની આપે છે જયારે ગોડાઉન સુધી માલ પહોંચાડવાનો વાહન વ્યહવાર ખર્ચ ખેડૂતોએ ભોગવવો પડે છે. ખેડૂતો કંપની પાસે ફેબ્રુઆરીમાં પૈસા જમા કરાવી બિયારણ બટાટાની સીઝનમાં લેતા હોય છે ત્યારે પણ કંંપની ૫૦ કિલો વજનથી બિયારણ આપતી હોવાથી ખેડૂતોને ફાયદો મળે છે.
ગત સીઝનમાં ગ્રૂપના ખેડૂતોને ૩.૫ થી ૪ કરોડનું પેમેન્ટ મળ્યું હતું. આમ બટાટાની કોન્ટ્રાકટ પદ્ધતિથી ખેતી કરવાથી શીવપુરાકંપા જ નહીં આજુ બાજુના પંથકના ખેડૂતો માટે પણ ફાયદાનો સોદો બની રહ્યો છે. સંપર્ર્કં ઃ ૯૮૨૫૫ ૨૦૮૪૭