૬૦ જેટલા દેશોના ઉચ્ચકક્ષાના ૧૧૮ જેટલા પ્રતિનિધિઓએ આજે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પુંસરીની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત થયેલી કામગીરી નિહાળવા પુંસરી આવેલું પ્રતિનિધિ મંડળ ગામની સ્વચ્છતા અને અન્ય પ્રવૃત્તિઓ નિહાળીને અત્યંત પ્રભાવિત થયું હતું. તેમની મુલાકત દરમ્યાન સમગ્ર ગામમાં
અનેક જગાએ સાંસ્ક્રુતિક નૃત્ય નિદર્શન પણ કરાયું હતું.
આ પ્રતિનિધિ મંડળના સભ્યો પુંસરી શાળાની મુલાકાત વેળાએ શાળાની બાળાઓ સાથે ગરબે ઘુમ્યા
હતા, સાથે સાથે તેઓએ બાળકો સાથે નૃત્ય પણ કર્યું હતું. તેમના પ્રતિભાવમાં આ સભ્યોએ જણાવ્યું હતું કે, આ
ગામની સ્વચ્છતા, શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિ, પોષણક્ષમ આહાર, આંગણવાડી, પ્રધાનમંત્રી આવાસ યોજના
અંતર્ગત બનેલા આવાસ, આરોગ્ય સેવા વગેરે પ્રશંસનીય છે. આ મુલાકાત અમારા માટે અવિસ્મરણીય રહેશે
એમ તેમણે જણાવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાનું પુંસરી એટલે દેશનું શ્રેષ્ઠ ગામ. આ ગામે વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરી
દેશ આખાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગામની પોતાની અલગ વેબસાઇટ, શૂન્ય બાકી કરવેરા, સ્વચ્છતામાં
અગ્રેસર, ડિજીટલ કામગીરી, ગામમાં મફત આંતરિક બસ વ્યવસ્થા, પીવા માટે મીનરલ વોટર, સુઘડ રસ્તા-
શેરીઓ, સી.સી. ટી.વી. કેમેરાથી સજજ સમગ્ર ગ્રામ, સિંગલ એડ્રેસ સિસ્ટમ, ડીજીટલ લાઇબ્રેરી જેવી સંખ્યા બંધ
સુવિધાઓ ધરાવતું પુંસરી ગામ આજે વિદેશી પ્રતિનિધિ મંડળ માટે અવિસ્મરણીય મુલાકાતનું કેન્દ્ર પણ બન્યું
હતું. આ મંડળના સભ્યોનું પુંસરી ગામમા પરંપરાગત સ્વાગત કરાયું હતું. શાળાના બાળકોના બનેલા બેન્ડ
તથા બાળકો દ્વારા વગડાતા ઢોલ, વાજા,અને મંજિરા સાથે કરાતા નૃત્યને આ સભ્યોએ મનભરીને માણ્યું હતું
એટલું જ નહી પરંતુ બાળકો સાથે તેઓ નૃત્યમાં પણ જોડાયા હતા. સાથે સાથે આ મંડળે આરોગ્ય કેન્દ્રની
મુલાકાત લઈ ઉપલબ્ધ આરોગ્ય સુવિધાની પણ જાણકારી મેળવી હતી.
આ પ્રતિનિધિ મંડળમાં અફ્ઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભુતાન, બોલિવિયા, કંબોડિયા, ચાડ, કોસ્ટારિકા,
ઈથોપિયા, ઘાના, ગુયેના, કેન્યા, કીરીબાકી, માલદીવ, માલ્ટા, મોંગોલિયા, મોરોક્કો, મોઝામ્બિક, મ્યાનમાર,
નેપાળ,નાઈજર, પેરુ, દક્ષિણ સૂદાન, શ્રીલંકા, સૂદાન, તાન્ઝામિયા, તઝાકિસ્તાન, થાઈલેન્ડ, તુર્કમેનિસ્તાન,
યુગાન્ડા, ઉઝબેકિસ્તાન, વિયેતનામ, ઝામ્બિયા, માલી, લાઈબેરિયા, ઈજિપ્ત, અંગલા, મડાગાસ્કર, હૈતિ,
જોર્ડન અને સીંગાપોર જેવા ૬૦ દેશોના મંત્રીશ્રીઓ અને પ્રતિનિધિઓ ઉપરાંત મિડીયા હાઉસના પ્રતિનિધિઓ
પણ જોડાયા હતા.
દેશના શ્રેષ્ઠ ગામ તરીકેનું બિરૂદ મેળવનાર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામે સમગ્ર
ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ત્યારે આ ગામની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળે ગામમાં સેનીટેશનની
વ્યવસ્થા, વ્યક્તિગત-સામૂહિક શૌચાલય, શાળામાં કાર્યરત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને પ્રજ્ઞા પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી
આવાસ યોજનાના આવાસો, સી.સી.ટી.વી, વહીવટી વ્યવસ્થા, જેવી સંખ્યાબંધ વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરિક્ષણ
કર્યું હતું.
ગ્રામવિકાસ વિભાગના કમિશનર અને સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાનું
પુંસરી ગામ દેશના શ્રેષ્ઠ ગામ તરીકે પસંદ પામેલ છે. રાજ્ય સરકારની મહત્તમ વિકાલક્ષી-કલ્યાણકારી
યોજનાઓનો અમલ પણ આ ગામમાં કરાયો છે. તેને પરિણામે આ ગામ શ્રેષ્ઠ ગામોની હરોળમાં સ્થાન પામ્યું
છે. સાથો સાથ સ્વચ્છતાના મંત્રને આત્મસાત્ કરી આ ગામ સ્વચ્છતાના પર્યાય સમાન બન્યું છે. અહીંની
પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયત ઓફિસ વિગેરે પણ નમૂનેદાર છે ત્યારે ૬૦ દેશોના પ્રતિનિધિઓ આ
ગામની મુલાકાત લે એ બાબત જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગામમાં ૧૦૦ જેટલા લાઉડ સ્પીકરોનો કન્ટ્રોલ ગ્રામ પંચાયતમાંથી થાય છે,
જેના દ્વારા ગામમાં બનતી અથવા કોઈ પણ વાત એક સાથે ગામજનોને જણાવી શકાય છે. ઘન કચરાના
નિકાલ માટે ટ્રેકટર, ટેલર જેવા સાધનો ખરીદી કરી સ્વચ્છતાની કામગીરી કરાય છે. પુંસરી ગ્રામ પંચાયતે
લોકભાગીદારીથી પ્રવેશદ્વાર, વોટરકુલર જેવા કામો કર્યા છે, ગામની ખેતીની જમીનમાં લોકોએ ટપક પદ્ધતિ
અપનાવી છે. ગામ માટે બગીચો તેમજ વાંચનાલય શરૂ કર્યુ છે. સખી મંડળો દ્વારા બહેનોએ ગ્રામહાટ બનાવી
સ્વનિર્ભર બની છે.