૬૬૦૦ બેડ સાથે ૧૪૫૦ કરોડના ખર્ચે ‘મેડી સીટી’ તૈયાર

સિવિલ હોસ્પિટલમાં ૧૧૦ એકરના કેમ્પસમાં તમામ પ્રકારના નિદાન, તપાસ, સારવાર અદ્યતન સાધન સુવિધા સાથે ઉપલબ્ધ કરાવવા રૂા. ૧૪૫૦ કરોડના ખર્ચે ‘મેડી સીટી’ બની છે. એમાં હાર્ટ, કિડની, આંખ, ડેન્ટલ, કેન્સર જેવા અનેક સ્પેશ્યાલિસ્ટ વિભાગો છે. તેમના બિલ્ડિંગ અદ્યતન સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે. આ જ કેમ્પસમાં મેડિકલ, પેરામેડિકલ કોલેજ પણ કાર્યરત છે. એક જ કેમ્પસમાં ૬૬૦૦ બેડની સંખ્યા હોય એવું અમદાવાદનું સિવિલ કેમ્પસ દેશનું પ્રથમ કેમ્પસ બનવા જઈ રહ્યું છે.

યુ.એન. મહેતા હોસ્પિટલની હાલની ૪૫૦ બેડની સંખ્યા વધીને ૧૨૫૧ થશે. કેન્સર હોસ્પિટલની બેડની સંખ્યા ૬૫૦થી વધીને ૧૦૦૦ થશે, કિડની હોસ્પિટલની બેડ સંખ્યા ૪૦૦થી વધી ૧૦૦૦ થશે, આંખની હોસ્પિટલની બેડ સંખ્યા ૨૫૦ તેમજ સિવિલ જનરલ હોસ્પિટલની બેડ સંખ્યા ૨ હજાર છે જેમાં ૧૨૦૦ બેડના વધારા સાથે બેડની સંખ્યા ૩૨૦૦ થશે. સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટમાં ૮૦ બેડ, ડેન્ટલ હોસ્પિટલમાં ૨૨ સહિતની હોસ્પિટલ સહિતની વિવિધ ૧૨ સંસ્થાઓનો સિવિલ કેમ્પસમાં સમાવેશ થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં ૨૪ અત્યાધુનિક ઓપરેશન થિયેટર છે.

જનરલ સિવિલ હોસ્પિટલમાં જ વાર્ષિક ૧૦ લાખથી વધુ દર્દી ઓપીડીમાં સારવાર લેવા આવે છે. અહીં સારવાર માટે આવનારા દર્દીઓ તથા તેમના સગાઓને રહેવા-જમવા અને કેમ્પસમાં અવર-જવર માટે સગવડ મળી રહે તે માટે ચાર મીની બસો પણ પરિવહન કરશે. સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓને વર્લ્ડ ક્લાસ લેટેસ્ટ સાધનોની મદદથી સારવાર ઉપલબ્ધ કરાવાશે.