ફૂલો એ સ્નેહ અને સદ્ભાવનાનું પ્રતીક છે. ફૂલછોડ એ બગીચાની શોભા હોવાની સાથે આર્િથક ઉપાર્જનનું મહત્ત્વનું અંગ બની ગયાં છે. દેશમાં ૨.૫૩ લાખ હેક્ટરમાં થતા વાવેતરથી ૭૬૦ લાખ ટન ફૂલોનું ઉત્પાદન થાય છે. ફૂલોની આંતરરાષ્ટ્રીય બજારમાં સારી માંગ રહે છે. દર વર્ષે ૩થી ૩.૫ કરોડ ટન એટલે કે ૩૫૦થી ૪૦૦ કરોડનાં ફૂલોની દેશમાંથી નિકાસ થાય છે. ભારતનાં ફૂલોની માંગ અમેરિકા, જર્મની, નેધરલેન્ડ જાપાન અને કેનેડા દેશમાં સૌથી વધુ છે. દેશમાં ફૂલોના વાવેતરની વાત કરીએ તો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, ગુજરાત સહિતનાં વિવિધ રાજ્યો અગ્રેસર છે. બીજુ કે દેશમાં ૭૫ ટકા વિસ્તારમાં પરંપરાગત ફૂલો અને ૨૫ ટકામાં દાંડીવાળાં ફૂલોની ખેતી થાય છે. ગુજરાતમાં ફૂલોની ખેતીનો વાવેતર વિસ્તાર ૧૬ હજાર હેક્ટર છે. જેમાંથી ફૂલોનું ઉત્પાદન ૧.૩૫ લાખ ટન મળે છે. રાજ્યમાં જાસ્મીન, ગુલાબ, ડચ રોઝ અને લીલીની પરંપરાગત ખેતી કરતા ખેડૂતો હવે ગ્રીનહાઉસ તરફ વળતાં રાજ્યમાં જરબેરા, કાર્નેશન અને ડચ રોઝ જેવાં કટફ્લાવર્સની ખેતી વધી રહી છે. ફૂલોની ખેતી માટે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર અગ્રેસર છે.