વધું એક પ્રોજેક્ટ માટે ખેડૂતો સાથે બળજબરી કરતાં જોખમમાં મૂકાયો છે. બુલેટ ટ્રેન જેટલો જ ખર્ચ જ્યાં થવાનો છે તે દિલ્હી-મુંબઈ વચ્ચે રૂ.1.20 લાખ કરોડનો ખર્ચે 1250 કીમીના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે બનાવવા અને તે માટે ખેડૂતોની જમીન ફરજિયાત લઈ લેવાના સરવેનું કામ શરૂ થતાં ગુજરાતના ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યાં છે. 200 કી.મી.નું અંતર ઘટાડવા માટે એક લાખ કરોડનું રોકાણ કરાશે અને જેમાં 10 હજાર ખેડૂતોનું જીવન બરબાદ થશે. તેથી ખેડૂતોએ તેનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે જમીન વળતર અને વિસ્થાપિત થતા ખેડૂતો માટે નીતિ જાહેર કરી નથી. તેથી ભાજપ સરકારના વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરીનો સ્વપ્નનો પ્રોજેક્ટ ઘોંચમાં પડી રહ્યો છે. ગોધરામાં જમીન જપ્ત કરવા ગયેલાં ગુજરાતના મહેસૂલ અધિકારીઓએ અંબાલી-પાડવા ગામેથી વિરોધ થતાં અધિકારીઓએ 9 ઓક્ટોબર 2018ના રોજ ભાગવું પડ્યું હતું. હાઈવે બનવાનો છે ત્યાં ડાંગર, તુવેર, મકાઈનો પાક થાય છે. ખેડૂતોને વ્યક્તિગત રીતે ગુજરાત સરકારે કોઈ જાણ પણ કરી નથી કે તેમની જમીન કેટલી જાય છે. જમીનનું વળતર કેટલું આપવામાં આવશે. ખેડૂતો જમીન આપવાનો તેથી ઈન્કાર કરી રહ્યાં છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનું કામ ડિસેમ્બર 2018માં શરૂ કરવામાં આવશે. લગભગ ત્રણ વર્ષના અંતે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે તૈયાર થશે. ચૂંટણી આવે છે ત્યારે ડિસેમ્બરમાં તેનો પાયો નાંખવામાં આવશે અને EVM દ્વારા ભાજપ મત અંકે કરશે.
વિરોધના કારણે માર્ગ બદલાયો
એક્સપ્રેસ-વેનું 40 સ્થળે એકી સાથે કામ શરૂ કરવાનું હતું પણ હવે તે ઘોંચમાં પડી શકે તેમ છે. દિલ્હી, ગુરુગામ, મેવાત, કોટા, રતલામ, ગોધરા, વડોદરા, સુરત, દહીસર, મુંબઈનો રસ્તો રહેશે. કેન્દ્ર સરકારે રૂ.1.20 લાખ કરોડ બજારમાંથી વ્યાજે લેશે. યોજના મુજબ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નેશનલ હાઈવે-8ને સમાંતર રાખવાની મૂળ યોજના હતી પરંતુ જમીન સંપાદનનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં હોવાથી રસ્તો બદલી નાંખવામાં આવ્યો હતો. ત્યાં પણ વિરોધ થઈ રહ્યો છે. નવો રસ્તો ગુરુગામથી અલવર, જાબુઆ, રતલામ દાહોદના પછાત વિસ્તાર તેમાં આવે છે. માર્ગ બદલનાના કારણે સરકારના રૂ.16,000 કરોડ બચશે. મૂળ વે બનવાનો હતો તેમાં એક હેક્ટર દીઠ રૂ.7 કરોડ આપવાના હતા. જેમાં 80 લાખનો ઘટાડો થયો છે. તે હિસાબે ખેડૂતોને રૂ. 60,000 કરોડ જમીનના વળતર પેટે આપવા પડશે. જે હાઈવેના બાંધકામ પાછળ ખર્ચ થવાનું છે એટલું ખર્ચ જમીન વળતર પેટે થઈ જશે. આમ નવો હાઈવે મોંઘો પડશે. તેના ઉપર દિલ્હી મુંબઈ સુધી રૂ.1000થી નીચો ટોલ ટેક્સ નહીં હોય.
નીતિન ગડકરીએ જે જાહેરાત કરી હતી તેની સાથે જ ગુજરાતના ખેડૂતોએ વાંધા આપવાનું શરૂ કર્યું હતું. 31 ઓગસ્ટ 2018માં દાહોદ જિલ્લાના 16 ગામના ખેડૂતોએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ એક્સપ્રેસ હાઈવે બનવાથી જિલ્લાના 16 ગામના 2000 મકાનને નુકસાન જતુ હોવાથી ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. માગણી નહીં સ્વીકારાય તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ હિસાબે ગુજરાતમાં લગભગ 300 ગામો અને 30,000 ખેડૂતોને નુકસાન થઈ શકે છે.
જમીન બળજબરીથી જપ્ત કરાશે
જમીન સંપાદન અધિકારી દ્વારા એક્સપ્રેસ વેમાં જમીન સંપાદન કરવા માટે નેશનલ હાઈવે એક્ટ 1956 3(એ) હેઠળ 30 ઓગષ્ટના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ ફરજીયાત સ્વરૂપે ખેડુતોએ પોતાની જમીન સરકારે નક્કી કરેલા ભાવે આપી દેવાની હોય છે. જ્યારે સરકારી ગેઝેટ પ્રમાણે 1-1-2015 બાદ દેશમાં કોઈ પણ હેતુ માટે જમીન સંપાદન કરવામાં આવે તો તે નવા જમીન સંપાદન અધિનિયમ 2013ના કાયદા પ્રમાણે કરવું ફરજીયાત હોવાનું એકતા ગ્રામિણ પ્રજા વિચાર મંચના સંચાલક હસમુખ પટેલ માને છે. તેથી વડોદરા અને સાવલી તાલુકાના 16 ગામોના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. દિલ્હીથી મુંબઈ સુધી 1250 કી.મી.ના માર્ગ માટે 15 હજાર હેક્ટર જેટલી જમીન જઈ શકે છે. આ જમીન પર પાકતું રૂ.14થી 20 હજાર કરોડનું કૃષિ ઉત્પાદન દર વર્ષે ગુમવવું પડશે.
સામાજિક અસરનો કોઈ અભ્યાસ નહીં
ખેતીકામ પર જીવતા ગામ, ખેડૂતો અને ખેતમજૂરોનો સામાજિક અસરનો અભ્યાસ કરવો જરૂરી હોવા છતાં અહીં કરવામાં આવ્યો નથી. હક્કથી વંચિત રાખવા માટેની નીતિ કેન્દ્ર અને ગુજરાત સરકારે અપનાવી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ કાયદો 1956 અને જમીન સંપાદન અધિનિયમ 2013 પ્રમાણે જાહેરનામું બહાર પાડીને સામાજિક અસરો તપાસવી પડે છે. જંત્રી ભાવથી 2 થી 4 ગણું વળતર આપવામાં આવે છે. ખેત મજૂરોનું પુનઃવસન કરવું પડે છે. મકાન, ફળ, કૂવો કે એવું બીજું હોય તો તેના અલગ નાણાં ચૂકવવા પડે છે.
દાહોદના કેટલા ગામોને અસર પહોંચશે
આકલીયા, મંજુસર, મોતીપુરા, નાની ભાડોલ, અન્જેસર ગાન્ગેડીયા, કમ્બોલા, પાલડી, પાસવા, પ્રતાપનર, રાણીપુરા, સમલાયા, સુભેલાવ, ટુંડાવ અને વડોદરા તાલુકાના ડોડકા ગામનો સમાવેશ થાય છે.
શું છે એક્સપ્રેસ – વે
એપ્રિલ, 2018માં સરકારની દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના મહત્ત્વકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી હતી. દિલ્હી-મુંબઈ વચ્ચે 24 કલાકને બદલે 12 કલાક કાર ચલાવીને અને ટ્રક ચલાવીને 44 કલાકને બદલે 22 કલાકમાં પહોંચી શકાશે. હાલનું 1450 કિ.મી.નું અંતર 1250 કિ.મી થઈ જશે. દિલ્હી-એનસીઆર ખાતે સર્જાતા ભારે ટ્રકનો ટ્રાફિક ઓછો થશે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.8 ઉપરથી રોજ 3 લાખ વાહનોને લાભ થશે.
ચંબલ એક્સપ્રેસ-વે દિલ્હી-મુંબઈ વચ્ચેના એક્સપ્રેસ-વે સાથે જોડાયેલો હશે. ચંબલ એક્સપ્રેસ-વેના કારણે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોને ફાયદો થશે. પણ ગુજરાતને કોઈ વધું ફાયદો થવાનો નથી.
.
એક્સપ્રેસ વે બનતા જ ગુરુગ્રામ અને મુંબઈ વચ્ચેનું અંતર 1450 કિલોમીટરથી ઘટીને 1250 કિલોમીટર થશે. 200 કિલોમીટર ઓછા થવાને કારણે વ્યક્તિ ફલત 12 કલાકમાં જ મુંબઈપહોંચી શકશે. જયારે અત્યારે દિલ્હીથી મુંબઈ પહોંચતા 24 કલાક જેટલો સમય લાગે છે. એક્સપ્રેસ હાઈવે બનતા જ જે સમય ટ્રેનની મુસાફરી દરમિયાન લાગે છે તેના કરતા પણ ઓછો લાગશે. દિલ્હીથી મુંબઈ જતી સૌથી ઓછો સમય લેતી રાજધાની પણ 16 કલાક જેટલો સમય લાગે છે. બાકીની ટ્રેન 17થી 32 કલાક લે છે.
સુરત-મુંબઈનું ટેન્ડર થતાં સમગ્ર પ્રોજેક્ટનું ડિસેમ્બરથી કામ શરુ થશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણાના જિલ્લાઓને ફાયદો મળશે. ગુજરાતને બહુ ફાયદો નથી. ગુજરાત પાસે હાલ હાઈવે છે જ.
ચાર એક્સપ્રેસ વે
ગુજરાતમાં એક્સપ્રેસ-વેના ચાર કામ હાથ ધરવામાં આવ્યા છે. 650 કિ.મી. લાંબા હશે. જેની સામે ખેડૂતો દ્વારા જમીન સંપાદનને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે.
1 વડોદરાથી કીમ-સુરત સુધીનો બનશે. રૂ.8500 કરોડનું ખર્ચ થશે.
2 દિલ્હી-દાહોદ-ગોધરા થઇથી વડોદરાને જોડતો રૂ.30,000 કરોડના ખર્ચે બનશે.
3 અમદાવાદથી ધોલેરા સુધી 105 કી.મી. રૂ.7,000 કરોડના ખર્ચે બનશે.
4 સાજોડથી રાધનપુર સુધી 124 કી.મી.નો રૂ.6500 કરોડના ખર્ચે બનશે.
આગામી ડીસેમ્બર સુધીમાં મોટી જાહેરાત કરીને લોકસભાની ચૂંટણીને પ્રભાવિત કરશે. ખરેખર તો આ કામો 2014થી શરૂ થઈ જવા જોઈતા હતા. હવે તે કામ લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે બુલેટ ટ્રેનની સાથે શરૂ કરાશે. ગુજરાતમાં આવું અગાઉ જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે છે. અગાઉ ધોલેરા સમાર્ટ સિટી, અમદાવાદ મેટ્રો, કલ્પસર, ભાડભુત જેવી અનેક યોજનાઓ છે.
(દિલીપ પટેલ)