10 ખેડૂતોએ 20 દિવસમાં આત્મહત્યા શા માટે કરી?

સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિઓને કારણે ખેડૂતોની આત્મહત્યાનાં બનાવો વધી રહ્યા છે જેથી ખેડૂતો પોતાની વેદનાઓ રજૂ કરવા માટે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસે ખેડૂત અને સામાજિક આગેવાનો ધરણાં કરશે. સૌરાષ્ટ્રમાં 20 દિવસમાં 10 ખેડૂતોએ ચોમાસામાં ઉત્પાદન ન મળતાં આત્મહત્યા કરી છે. ગયા વર્ષે 150 ખેડૂતોએ સરકારે નર્મદાનું પાણી ન આપતાં અને ખેતી નિષ્ફળ જતાં આપઘાત કર્યો હતો. 10 વર્ષમાં 2500 થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેમ ખેડૂત આગેવાન ભરત ઝાલાએ જણાવ્યું હતું.

ખેડૂતની વેદનાઓ શહેરના લોકો સુધી પહોંચાડવા માટે તેમજ મૂડીપતિઓની સરકારની આંખો ઉઘડવા માટે ખેડૂતો દ્વારા તારીખ 28 ઓક્ટોબર 2018 રવિવારના રોજ ઇસ્કોન ચાર રસ્તા પાસે સાંજે 4 વાગ્યા થી 6 વાગ્યા સુધી ધરણા અને ત્યારબાદ ઇસ્કોનથી ઝાંસીની રાણી સર્કલ સુધી રેલીનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ઘણાં લોકો ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે જોડાશે. તેમ સાગર દેસાઈ અને ભરત ઝાલાએ જણાવ્યું હતું.

ખેડૂતોને પીડા આપતાં મુદ્દાઓ

1. ‌સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિઓ
2. ‌કુદરતી આપત્તિમાં નુકસાનીનું પૂરું વળતર ન મળવું.
3. ‌મોંઘા બિયારણ અને રાસાયણિક ખાતર.
4. ‌સિંચાઈની સવલતોનો અભાવ. નર્મદા નહેરનું પાણી ન આપવું.
5. ‌ખેત ઉત્પાદનના પુરા ભાવ ન મળવા
6. વીમાનું વળતર ન આપવું
7. ખેત બજાર વ્યવસ્થામાં ખેડૂતોનું શોષણ કરે છે

આ બધા કારણોસર ખેડૂત પોતાના પરિવારોનું ભરણપોષણ કરી શકતા નથી અને આર્થિક સંકડામણ ઉભી થતા આપઘાત કરવો પડે છે. અને સરકાર દ્વારા ખેડૂતોના આપઘાત અટકાવવા ને બદલે નજીવા ટેકા ના ભાવ જાહેર કરીને ખેડૂતો ને આપઘાત કરવા મજબૂર કરે છે. જેમ કે આપણે શહેરમાં રહેતા લોકો આ વર્ષે ઘઉં રૂ. 600 થી 750 ના ભાવે 20 કિલો ખરીદીએ છીએ પરંતુ ખેડૂતો પાસે થી સરકાર માત્ર 367 રૂપિયા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરે છે. આ જ રીતે લસણ, ડુંગળી, બટાકા, ટામેટા અને અન્ય શાકભાજીઓ ખેડૂતો પાસેથી મફતના ભાવે ખરીદી કરે છે અને શહેરની જનતા આ તમામ વસ્તુઓ મોંઘા ભાવે ખરીદે છે.

અમદાવાદ શહેરના નાગરિક તરીકે આપણી પણ ફરજ છે, કે ખેડૂતોના આપઘાત અટકાવવા સરકાર દ્વારા કાયમી ઉકેલ લાવવા માટે શહેરીજનોએ પણ ખેડૂતો ને સાથ આપવો જોઈએ.
જો ખેડૂતો ખેતી નહી કરે, અનાજ નહી પકવે તો આપણે શું ખાઈશું? તેમજ ખેતી સાથે સંકળાયેલા ગરીબ ખેત મજૂરની પણ સમસ્યા એટલીજ ગંભીર છે, તો ચાલો આપણે સૌ શહેરીજનો ખેડુતોને સમજીએ, આવકારીયે અને ખેડૂતો ની સમસ્યાઓ વિશે સંવેદનશીલ બનીએ.

ભાગ લેવા માટે ભરતસિંહ ઝાલા, સાગર રબારી, જે.કે પટેલ, કુલદીપ સગર, એડવોકેટ અમરીશ પટેલ, એડવોકેટ શમશાદ પઠાણ, ડાહ્યાભાઈ પટેલ, પ્રવીણ પટેલનો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે.