10 ધારાસભ્યોએ કહ્યું અલ્પેશ ઠાકોરને હાંકી કાઢો

રાધનપુરના MLA પદેથી અલ્પેશ ઠાકોરને હટાવવા કોંગ્રેસે કવાયત તેજ કરી દીધી છે. આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત કોંગ્રેસના 10 ધારાસભ્યોનું ડેલિગેશન વિધાનસભા અધ્યક્ષને મળ્યું હતુ. અને કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાઇ આવેલા અલ્પેશનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માંગ કરી હતી. પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવા બદલ કાયદાકીય રીતે અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માંગ કરાઇ છે. અલ્પેશ ઠાકોર હાલમાં જ ભાજપના નેતાઓ સાથે દેખાતા કોંગ્રેસે તેને પદેથી હટાવવાની કામગીરી તેજ બનાવી દીધી છે. અલ્પેશની સાથે દેવભૂમિ દ્વારકાના પબુભા માણેકના ધારાસભ્ય પદને પણ રદ કરવા રજૂઆત કરી છે. સુપ્રિમ કોર્ટે પબુભાને ધારાસભ્ય પદેથી અયોગ્ય ઠેરવ્યાં છે. ત્યારે હજુ પણ તેમને કેમ સસ્પેન્ડ નથી કરાયા તેનો પણ કોંગ્રેસ જવાબ માંગી રહી છે. વિપક્ષનો આક્ષેપ છે કે, અગાઉ ઉતાવળ કરીને કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય ભગવાન બારડનું ધારાસભ્ય પદ રજાના દિવસે સસ્પેન્ડ કરાયું હતુ અને કેટલાક ધારાસભ્યો મામલે ભાજપ હજુ ચૂપ છે.

કોંગ્રેસને બદનામ કરનાર અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરાયા હતા.અગાઉ 25 એપ્રિલે કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવા અરજી કરી હતી.