ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG) ના એક અહેવાલમાં જણાવાયું છે કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપીની સરકાર વેળાએ 2017-18માં 10 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચની હેરાફેરી મળી છે. માઈનર હેડ 800 ખાતા હેઠળ આ ગોટાળાઓ થયા છે. જેમાં કરવામાં આવતા ખર્ચને ન તો શોધી શકાય છે, ન તો ખર્ચની આવક ક્યાંથી આવે છે તે જાણી શકાય છે. તત્કાલીન સીએજી આશિષ મહર્ષિએ રિપોર્ટમાં કહ્યું છે કે, માઇનોર હેડ 800 હેઠળ હિસાબો પારદર્શક નથી બનતા.
2017-18માં જમ્મુ-કાશ્મીર સરકારની કુલ આવકનો 47 ટકા હિસ્સો રૂ.23 હજાર કરોડ કેન્દ્રની ગ્રાન્ટમાંથી મળ્યો હતો. જે 2016-17ના 21 હજાર કરોડ હતી. ભાજપે અનુદાનમાં કુલ 2104 કરોડનો વધારો કર્યો હતો. વર્ષ 2017-18માં 51 હજાર કરોડ ખર્ચ થયો હતો. 2016-17ના રૂ. 48 હજાર કરોડના ખર્ચ થયો હતો. 2017-18માં રાજ્યના પોતાના 14 હજાર કરોડ સંસાધનો હતા. તત્કાલીન જમ્મુ-કાશ્મીર સરકાર પગાર, ચુકવણી, પેન્શન અને સબસિડી માટે 27 હજાર કરોડનો ખર્ચ કરતી હતી. બજેટ ફિક્સિંગ, બચત અને ખર્ચમાં મોટી ભૂલો હતી. 31 માર્ચ, 2018 ના રોજ, રાજ્ય વિધાનસભા દ્વારા કરવામાં આવેલા 1.14 લાખ કરોડના વધારાના ખર્ચને નિયમિત કરવાના બાકી હતા.