ગુજરાતના પાટણની પ્રખ્યાત રાણકી વાવનો ફોટો રિઝર્વ બેંક દ્વારા 100 રુપિયાની ચલણી નોટ પર છાપવાનું શરૂ કરતાં ગુજરાતે ગૌરવ અનુભવ્યું હતું. પણ તે ગૌરવ લાંબો સમય ટકી શક્યું નથી. કેમ કે નોટ પર રાણકી વાવ આવતાં રાણકી વાવના સંચાલકો આર્કીયોલોજીક સરવે ઓફ ઈન્ડિયા દ્વારા તેની પ્રવેશ ટિકિટ પર 67 ટકાનો દર વધારી દીધો છે. રાણકી વાવ જોવા માટે પહેલાં રૂ.15 હતા જે હવે રૂ.25 થઈ ગયા છે. જ્યારે વિદેશી પર્યટકો પાસેથી રૂ.200 પ્રવેશ ફી લેવામાં આવતી હતી. તે રૂ.300 કરી દઈને તેમાં 50 ટકાનો વધારો કર્યો છે. આમ પુરાતત્ત્વ વિભાગ દ્વારા નોટ પર છાપવાનું શરૂ થતાં જ તેનો ફાયદો લેવા પ્રવેશ ફી વધારી દેવામાં આવી છે. અગાઉ વિશ્વ વારસા તરીકે રાણકી વાવ જાહેર થઈ ત્યાં સુધી કોઈ પ્રવેશ ફી ન હતી. પણ પછી તુરંત રૂ.10 ફી લેવાનું શરૂ કરી દેવાયું હતું. સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે ગુજરાતના તમામ ઐતિહાસિક સ્થળ પર ફી વધારો કરાયો છે.
યુનેસ્કો દ્વારા વર્ષ-2014માં વાવને વર્લ્ડ હેરિટેઝનો દરજ્જો આપવામાં આવ્યો હતો. વર્ષ 2016-17માં 3.81 લાખ પ્રવાસીઓએ વાવની મુલાકાત લીધી હતી. આ વર્ષે 4 લાખથી વધું પ્રવાસીઓ આવી ગયા છે. જેમાં 3600થી વધુ વિદેશી પ્રવાસી હતા. દિવાળીના વેકેશનમાં અહીં 10 દિવસમાં 50 હજાર પ્રવાસીઓ આવે છે. જેના થકી પુરાતત્વ વિભાગને રૂ. 63.90 લાખ આવક થઇ હતી. ફી વધવાના કારણે હવે રૂ.50 લાખની આવક વધતાં વર્ષે રૂ. 1.15 કરોડથી રૂ.1.25 કરોડની આવક થશે. આમ પ્રજા પર સીધો જ રૂ.50 લાખનો બોજ લાદી દેવાયો છે. ગરીબ પ્રવાસીઓ અહીં આવતાં બંધ થશે. તેને સરકાર અન્યાય કરી રહી હોવાનું ઈતિહાસ વીદ્દો માની રહ્યાં છે.
ખાનગી કંપનીને અપાશે
દિલ્હીના લાલ કિલ્લાને દાલમિયા જૂથે રૂ.25 કરોડમાં પાંચ વર્ષના કોન્ટ્રાકટ પર દત્તક લઈ લીધો છે. ત્યાર બાદ કેદ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા હવે ગુજરાતની રાણકી વાવ પણ ખાનગી કંપનીને સોંપી દેવા દરખાસ્ત છે. ઓ.એન.જી.સી.ને આ વાવ સોંપવાનું વિચારવામાં આવી રહ્યું છે. આટલી જંગી આવક થતી હોવા છતાં કેમ ખાનગી કંપનીને રાણકી વાવ સોંપવામાં આવી રહી છે. તે રહસ્ય છે. ખાનગીકરણ થશે તો ટિકિટના દરમાં વધારો થશે. ત્યારે આવક બે કરોડથી વધે તેવી શક્યતા છે. પાંચ વર્ષમાં 10 કરોડની આવક થઈ શકે છે. તેથી જો ખાનગી કંપનીને સોંપવામાં આવે તો લોકોને અને સરકારને ગેરફાયદો છે.
મ્યુઝિયમ પાટણમાં અને ટિકિટ કચ્છની
પાટણ મ્યુઝિયમમાં પ્રવેશ ટિકિટ લેવામાં આવે છે. તે પાટણી મ્યુઝિયમની આપવાના બદલે કચ્છની આપવામાં આવે છે, આ અંગે સત્તાવાલાઓ કહે છે કે પાટણ કચ્છ કચેરી હેઠળ આવે છે તેથી ટિકિટ પણ કચ્છ મ્યુઝમની આપવામાં આવે છે.
સહસ્ત્ર લિંગ તળાવ ફ્રી
પાટણ વાવની પાછળ સરસ્વતી નદીના કાંઠે 5 કિમી વિસ્તારમાં ફેલાયેલું સહસ્ત્ર લિંગ તળાવ છે. તે ફ્રીમાં જોઈ શકાય છે. ભારતના પુરાતત્વ ખાતાએ મહત્વના રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરાયેલું છે. આ તળાવનું સ્થાપત્ય હિંદુ ધર્મ પ્રમાણે જળ વ્યવસ્થા અને પાણીની પવિત્રતાનું મહાન સંકલન હતું. સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ.1092-1141)ના શાસન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં બાંધકામ કરેલા કૃત્રિમ તળાવોમાંનું એક તળાવ છે. હાલમાં કાયમ ખાલી રહે છે. પાણી ભરાતું નથી અને ખંડિત હાલતમાં છે. અહીં એક હજાર શિવલિંગ હતા. તળાવમાં સરસ્વતી નદીમાંથી પાણી લાવવા માટે નહેર બનાવી હતી. તળાવના કાંઠા પર એક હજાર શિવલિંગો આવેલા હતા. તેમાંના કેટલાંક હજુ પણ ખંડિત અવસ્થામાં જોવા મળે છે. દરિયા દ્વારા અહીં હોડીથી આવી શકાતું હતું. 1561માં અકબરનો શિક્ષક બહેરામ ખાન મક્કા જતી વખતે પાટણ થઇને ગયો હતો અને તે વખતે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે હોડીમાંથી ઉતરતી વખતે તેની હત્યા થઇ હતી.
તેની દંતકથા એવી છે કે, સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ તળાવ ખોદનારા ઓડ જ્ઞાતિના રૂડાની પત્નિ જસ્મા ઓડણની સુંદરતા પર મોહી ગયો હતો. તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે જસ્માએ તેને શ્રાપ આપ્યો હતો તેથી તળાવ ખાલી રહે છે. શ્રાપ દૂર કરવા માટે માનવ બલિની જરૂર હતી. ત્યારે માયો (વિર મેઘમાયા)એ પોતાનું બલિદાન આપ્યું ત્યારે તળાવમાં પાણી ભરાયું હતું.
સહસ્ત્રલિંગ તળાવનું નામ તેના કાંઠે આવેલા અસંખ્ય નાના મંદિરો પરથી પડ્યું હશે એમ મનાય છે. તેના ખંડેરો પર અષ્ટકોણીય રોઝા ઉભો કરવામાં આવ્યો હતો. પૂર્વ દિશાના મધ્ય ભાગમાં જૂનું શિવ મંદિર આવેલું છે, જે 48 થાંભલાઓ ધરાવે છે. આ મંદિર 16મી સદી સુધી સારી હાલતમાં હતું. પશ્ચિમ દિશામાં રૂદ્ર કુપ આવેલો છે, જે સરસ્વતી નદીમાંથી પાણી લાવવા માટેની વ્યવસ્થા ધરાવે છે. તેનો વ્યાસ લગભગ 40 મીટર જેટલો છે.