મૃતક ખેડૂતના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી કોટેશ્વર ગામની ૧૧ વિઘા જમીન પડાવી લેવાના મામલે ગાંધીનગર કોર્ટે આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. રામાજી છોટાજી ઠાકોરના પિતાએ પરસોત્તમદાસ સી. ચીમનાણી (રહે. નરોડા)ને આપેલો પાવર ઓફ એટર્ની રદ કર્યો હતો અને આ અંગેની નોટિસ પણ બજાવવામાં આવી હતી. આમ છતાં આરોપીએ છોટાજી ભગાજીના વારસો અને ફરિયાદીનો ગુનાઈત વિશ્વાસઘાત કરી અસ્તિત્વ નહીં ધરાવતા પાવર ઓફ એટર્નીનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હતો અને કોટેશ્વર ગામમાં આવેલી ૧૧ વીઘા જમીનનો રજિસ્ટર્ડ દસ્તાવેજ પોતાની તરફેણમાં કર્યો હતો. મૂળ જમીન માલિક રામાજી છોટાજી ઠાકોરે ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજો ઉપજાવી કાઢવાના મામલે પરસોત્તમદાસ છીણકુમલ ચીમનાણી વિરુદ્ધ કોર્ટમાં ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં કોર્ટે ફરિયાદીના વકીલ કરણસિંહ બી. વાઘેલાની રજૂઆતો અને આરોપી તરફે થયેલી રજૂઆતો સાંભળી ૩૦મીએ ચૂકાદો જાહેર કર્યો હતો. છઠ્ઠા એડી. ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ આર.ડી. મહેતાની કોર્ટમાં આરોપીને આઈપીસીની કલમ ૪૦૬ હેઠળ એક વર્ષ, ૪૬૫ હેઠળ એક વર્ષ, ૪૬૭ હેઠળ ૭ વર્ષ, ૪૬૮ હેઠળ ૨.૫ વર્ષ, ૪૭૧ હેઠળ ૨.૫ વર્ષ તથા રૂ. પાંચ હજારનો દંડ કર્યો હતો. આમ, ૭ વર્ષ જેટલી વધુમાં વધુ સજા સંભળાવી આરોપીને કસ્ટડીમાં લેવા આદેશ કરવામાં આવ્યો હતો.
ખેડૂતોની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવા પ્રયાસ કરતાં ભૂમાફિયાઓને કોર્ટે દાખલારૂપ સજા ફટકારી છે. પ્રાપ્ત માહિતિ અનુસાર, પરસોત્તમદાસ ચીમનાણી વિરુદ્ધ રાયસણની જમીનમાં પણ બોગસ ખેડૂત ખાદેતાર થવા રેકોર્ડ સાથે ચેડાં કરવાનો કેસ નોંધાયો હતો. આ કેસ હાલ કોર્ટમાં પેન્ડિંગ છે. ગાંધીનગર જિલ્લાના ખેડૂતોની જમીન હડપ કરવા કૃત્યો વારંવાર કરતાં હોય તેવા લોકો સામે તડીપાર અને પાસાની કાર્યવાહી હાથ ધરવા માટે ખેડૂતો કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવાના છે.