રાજ્યમાં અમરેલી જિલ્લાનાં ધારીનાં ગીરનાં જંગલનાં પૂર્વ વિભાગની દલખાણિયા રેન્જ અને જસાધાર રેન્જમાં થયેલાં 11 સિંહોનાં મોતનાં મામલો ગંભીર હોવાનું બહાર આવ્યું છે. Khabarchhe.comએ એકસાથે 11 સિંહોનાં મોતનાં મામલે રાજ્ય સરકાર ઢાંક પિંછોડો કરી રહ્યું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેને આજે અનુમોદન મળ્યું છે. 11 સિંહોનાં મોતનાં મામલે કેન્દ્રનાં વન વિભાગે ગંભીરતાપૂર્વક લીધો છે અને આજે સવારે જ કેન્દ્રીય ટીમ ધારીનાં ગીરનાં જંગલનાં પૂર્વ વિભાગ જ્યાં સિંહોનાં મોત થયાં હતાં તે વિસ્તારની મુલાકાત લઈને સ્થળ તપાસ કરી ગઈ હોવાનાં અહેવાલ સાંપડ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગાંધીનગર વન વિભાગનાં PCCF અને દિલ્હીની કેન્દ્રીય ટીમ ગૂપચૂપ રીતે આ વિસ્તારમાં પહોંચી હતી અને જે સ્થળે સિંહોનાં મોત થયાં હતાં તે સ્થળની જાત માહિતી મેળવી હતી, ઉપરાંત સિંહોનાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મામલે પણ પૂછપરછ કરી હતી.
અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ગુજરાતનાં ગૌરવસમા એશિયાટિક લાયનનાં મોતનો મામલાની ગૂંજ દિલ્હીનાં દરબાર સુધી પહોંચી છે. એક પછી એક 11 સિંહોનાં મોતનાં અહેવાલ આવતાં જ દિલ્હીની વન વિભાગની ટીમ ગુજરાત આવી પહોંચી હતી. અને જ્યાં સિંહોનાં મોત નિપજ્યાં છે તે સ્થળની મુલાકાત લીધી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં સિંહોનાં મોતનાં મામલે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લીધી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી સૂચનાથી કેન્દ્ર સરકારનાં વન વિભાગની ટીમ ગુજરાત આવી હતી અને ઘટનાસ્થળ ઉપરાંત રાજ્ય વન વિભાગનાં સ્થાનિક અધિકારીઓ તેમ જ કર્મચારીઓની પૂછપરછ પણ કરી હતી. આ ટીમમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેટિવ ઓથોરિટીનાં પ્રતિનિધિ ઉપરાંત જોઈન્ટ ડાયરેક્ટર વાઈલ્ડ લાઈફનાં એઆઈજી પણ હતાં. કેન્દ્રીય વન વિભાગની ટીમ દ્વારા ઝીણવટપૂર્વની તપાસ કર્યાં બાદ વિસ્તૃત અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના ધારી ગીર જંગલના પૂર્વ-પશ્ચિમ વાડીમાંથી છેલ્લા કેટલાંક દિવસો દરમિયાન 11 સિંહોના મૃતદેહ મળી આવ્યા હતાં. વન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 11 દિવસમાં કુલ 11 સિંહના મોત થયા છે. વન વિભાગે આ મૃત્યુ પાછળનું કારણ ઈનફાઈટિંગ આપ્યું છે, પણ હકીકતમાં આ સિંહોનાં મોત વાઈરસને કારણે થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક લાયન એવા ગીરના સિંહના આટલી મોટી સંખ્યામાં મોતનો મામલો સામે આવતાં તંત્ર ચોંકી ગયું છે. છેલ્લા 12 દિવસ દરમિયાન ગીર જંગલ ના પૂર્વ વિભાગના દલખાણીયા રેન્જ તેમજ સારવાર દરમિયાન 6 સિંહબાળ, 3 માદા સિંહણ, 2 નર સિંહનાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્યુને લઇને અગાઉ ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સુઓમોટો પિટીશન દાખલ કરી હતી. છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પણ પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. એશિયાટીક સિંહો માત્ર ગીર માં જ જોવા મળે છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે. 2015માં થેયલી સિંહોની ગણતરી મુજબ, ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહો વસે છે.