એક સમયના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, વન પ્રધાન અને માંગરોળના ભાજપના ધારાસભ્ય ગણપત વેસ્તાભાઇ વસાવા વિરુદ્ધ કરોડો રૃપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આરોપો 19 જુન 2018માં લાગ્યા છતાં તે અંગે વિજય રૂપાણી સરકારે આજ સુધી કોઈ પગલાં લીધા નથી. મંત્રી વસાવા ઉપર ગંભીર આરોપો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વતની અને પૂર્વ સનદી અધિકારી જગતસિંહ એલ. વસાવાએ લગાવ્યા હતા. વસાવા સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988 હેઠળ કામ ચલાવવાની માંગણી કરી હતી.
ગુજરાત હાઇકોર્ટે મંત્રી વસાવા વિરૂદ્ધ ફરિયાદ પરત્વે ખુદ એસીબીના ડાયરેક્ટરને નિર્ણય લેવાનો હુકમ કર્યો હોવા છતાં સરકાર કે એસીબી દ્વાર તે હુકમનું સારી રીતે પાલન કરવામાં આવ્યું નથી. જેના પગલે હજગતસિંહ વસાવા ફરીથી હાઇકોર્ટના દ્વારા ખખડાવાની ચીમકી ઉચ્ચારી હતી.
11 જિલ્લાઓમાં આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક આદિવાસી પ્રજાના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર જે બજેટ ફાળવે છે તેનો ખરા અર્થમાં ઉપયોગ થતો નથી અને તેમાં મોટાપાયે ગંભીર ભ્રષ્ટાચાર આચરાય છે. આ ભ્રષ્ટાચારમાં મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા બીજું કોઇ નહી પરંતુ ખુદ રાજયના વન મંત્રી ગણપત વસાવા ભજવી રહ્યા છે, એવો આરોપ તેમણે મૂક્યો હતો.
મંત્રી વસાવાએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે સોગંદનામું રજૂ કર્યું હતું, તે જોતાં તેમની ભ્રષ્ટાચારની અને અપ્રમાણસર મિલ્કતની વિગતો સ્પષ્ટ થઈ હતી. મંત્રી વસાવાની કુલ આવક રૃ.1.7 કરોડની સામે ત્રણ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી આવી હતી. મંત્રી વસાવાની કુલ સંપત્તિ રૃ.77 કરોડથી પણ વધુંની થવા જાય છે. જયારે બેનામી સંપત્તિ રૂ.116 કરોડથી વધુની થવા જાય છે. જે અંગે તેમણે પુરાવા જાહેર કર્યા હોવા છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના પ્રધાન વસાવનું રાજીનામું પણ માંગવાની નીતિ બતાવી નથી. તેથી લોકો એવું માની રહી છે કે આ સરકાર અનીતિની છે.
એસીબી, ઇન્મકટેક્ષ ડિપાર્ટમેન્ટ સહિતના સત્તાવાળાઓને મંત્રી ગણપત વસાવા, તેમના પત્ની નીલમબહેન, કોસંબા માંગરોળ ખાતે રહેતા રાકેશ રણજીત સોલંકી અને ગાંધીનગરના કનૈયાલાલ ગાંડાલાલ દેસાઇ વિરૃધ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ- 13(ઇ), 13(૨) હેઠળ ગુનો દાખલ કરવા અને સમગ્ર મામલામાં ન્યાયિક તપાસ કરવા ઉગ્ર માંગણી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે ફરિયાદના મામલે યોગ્ય નિર્ણય લેવા ખુદ એસીબીના ડાયરેકટરને સ્પષ્ટ હુકમ કર્યો હતો. રૂપાણી સરકારે ત્રણ મહિના થયાં છતાં તેના વન પ્રધાનનું રાજીનામું લીધું નથી કે વાજબી કાર્યવાહી કરી નથી કે, પૂર્વ સનદી અધિકારી સામે કોઈ પગલાં લીધા નથી. તેથી શંકાની સોય વિજય રૂપાણી તરફ તાકવામાં આવી રહી છે. આ અંગે દિલ્હી ખાતે પણ બન્ને રાષ્ટ્રીય નેતાઓને જાણ કરવામાં આવી હતી.
આદિવાસીઓના ઉદ્ધાર માટે સરકાર તરફથી રૂ.1731 કરોડ ફાળવવામાં આવ્યા હતા. આ રૃપિયાનું શું કરવામાં આવ્યું તેનો હિસાબ હજુ પણ ગણપત વસાવાએ ન આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. છતાં સરકાર, સત્તાધારી પક્ષ, એસીબી અને આવકવેરા વિભાગે આ મુદ્દે મૌન છે. પણ ગણપત વસાવાએ આ આરોપો ફગાવી દીધા હતા. અને તેમાં કોઈ તથ્ય ન હોવાનું તેમણે જાહેર કર્યું હતું.
ગણપત વસાવાની સ્થાવર-જંગમ મિલતની અપાયેલી વિગતો
– ભરૂચમાં રૂ.69 લાખની કિંમતની જમીન
– સુરતમાં રૂ.22 લાખની બિનખેતીની જમીન
– ભરૂચમાં પત્નીના નામે રૂ.79 લાખની જમીન
– સુરતમાં રૂ.2 કરોડનો ફ્લેટ
– અંકલેશ્વર GIDCમાં રૂ.6 કરોડનો બંગલો
– સુરતના કલામંદિર જ્વેલર્સમાં રૂ.10 કરોડની ભાગીદારી
– કોસંબામાં પત્નીની નામે રૂ.50 કરોડની ભાગીદારીની જ્વેલર્સની દુકાન
– તક્ષશીલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં રૂ.2 કરોડનું રોકાણ
– નાનસિંહ વસાવા નામના શિક્ષક દ્વારા રૂ.1 કરોડનું રોકાણ
– સાપુતારાની આકાર લોર્ડ્ઝ ઈનમાં રૂ.2 કરોડનું રોકાણ