12 દિવસે પિવાનું પાણી

ચોમાસા ની વિદાય થતાંની સાથે જ રાણપુર શહેરમાં સર્જાઈ છે પીવાના પાણીની સમસ્યા. રાણપુર શહેરને ૧૨ દિવસે પાણી આપતાં ગામ લોકો પરેશાનીમાં મૂકાઈ ગયાં છે. ગ્રામ પંચાયતનાં  પાંચ કૂવામાંથી હવે માત્ર ત્રણ કૂવામાં  હવે થોડાક દિવસો ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે. ઓછા વરસાદના કારણે આજુબાજુના ડેમો અને નદી નાળાં પણ ખાલીખમ થઈ ગયાં છે. ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પીવાના પાણી અગે કલેકટર સહિત ના અધિકારીઓને આ મામલે અનેકવાર લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. પણ હજુ સુધી આ સમસ્યા ઠેની ઠે જ છે. જો આગામી દિવસોમાં પાણીની સમસ્યા હલ કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન તેમ જ આત્મવિલોપનની ચીમકી ગામનાં સરપંચે આપી છે.
સમગ્ર ગુજરાતમાં પડેલાં ઓછા વરસાદના કારણે ઠેર ઠેર પાણીને લઈ સમસ્યાઓ જોવા મળી રહી છે. હજી તો ખેડૂતોને સિચાઈનું પાણી પૂરતા પ્રમાણ નથી મળતું, ત્યાં હવે લોકોને પીવાના પાણીની તંગી સર્જાઈ હોય એવું લાગી રહ્યું છે. બોટાદ જિલ્લાનું રાણપુર જે ૨૫ હજારની વસ્તી ધરાવતું ગામ છે. ત્યારે હજુ તો ચોમાસાએ વિદાય લીધી છે, ત્યાં જ રાણપુરમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. રાણપુરમાં પીવાના પાણી માત્ર ને માત્ર  ગ્રામ પંચાયતના કૂવા પર આધારિત છે. ગ્રામ પંચાયતના અલગ અલગ પાંચ કૂવા આવેલાં છે. જેમાંથી રાણપુરના લોકોને ૧૦થી ૧૨ દિવસે એક વાર પાણી આપવામાં આવે છે. ત્યારે આ ચોમાસામાં પડેલા ઓછા વરસાદનાં કારણે રાણપુર ભાદર નદી ખાલીખમ થઈ ગઈ છે અને ગ્રામ પંચાયતના પાંચ કૂવામાંથી માત્ર  ત્રણ કૂવામાં પાણી છે અને તેનાં તળ પણ દિવસે ને દિવસે નીચે જઈ રહ્યાં છે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવેલા પાણીના સમ્પમાંથી ૧૦થી ૧૨ દિવસે ગામ લોકોને એક કલાક પાણી આપવામાં આવે છે. ત્યારે માત્ર એક કલાક પાણી આપતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, ૧૦થી ૧૨ દિવસે પાણી આપતાં લોકો પાસે પીવાનું પાણી પણ નથી રહેતું અને બહારથી રૂપિયા ખર્ચી વેચાતું પાણી લાવવું પડે છે. ત્યારે ચોમાસાની વિદાય લેતાં જ રાણપુરની આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં ગામની પાણીને લઈને શું  પરિસ્થિતિ થશે તે તો જોવાનું જ રહ્યું છે.
 હાલ ગામમાં પાણીની ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને  ૧0-૧૨ દિવસે પાણી આવે છે. દર વર્ષે અમે કેનાલમાંથી પાણી લેતા હતાં, પણ આ વખતે અમને તેમાંથી પાણી લેવા દેવામાં આવ્યું નથી. આ અગે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે અને પાણી માટે અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન તેમજ રાણપુર બંધ રાખવાની ફરજ પડશે. તેમણએ એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે, જો પાણીની સમસ્યાનો ઉકેલ ઝડપથી નહિ આવે તો આત્મવિલોપન કરતાં પણ અચકાઈશું નહિ. અત્રે નોંધનીય છે કે, આગાઉ પાણી માટે આંદોલન થયેલાં અને સરકારી કચેરીમાં હુમલા પણ થયેલા હતાં.
રાણપુરનાં સરપંચે જ્યારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે, સરકાર આ ગામમાં પડી રહેલી પીવાનાં પાણીની સમસ્યાનાં ઉકેલ માટે કેવાં પગલાં ભરે છે.