12 લાખ લોકોને હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવી

કેન્દ્ર સરકાર દ્વારા આગામી ઓગસ્ટ માસમાં આયુષ્યમાન ભારત યોજનાનો અમલ થનાર છે

રાજ્યમાં મા વાત્સલ્ય યોજના હેઠળ 64.06 લાખ પરિવારો એટલે રાજ્યની 3.25 કરોડ જનસંખ્યાને આવરી લેવામાં આવી છે. જે પૈકી 12.10 લાખ વ્યક્તિઓએ રૂ.17.1 અબજના ખર્ચે સારવાર લીધી છે. પાંચ લાખ સુધીની આવક ધરાવતા વરિષ્સિઠ નાગરિકને વાત્સલ્ય યોજના હેઠળ આવરી લીધા છે. પગના ધૂંટણના ઓપરેશન માટે હોસ્પિટલ રૂ.80 હજારની સહાય કરે છે.  વડોદરામાં વોર્ડ નં.16માં 20 કેન્દ્રો દ્વારા પાંચ હજાર પરિવારોના મા કાર્ડ અપાયા હતા. તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.

મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજના ગરીબો માટે કામ કરે છે. અકસ્માતમાં ધવાયેલા લોકો માટે ખાનગી કે સરકારી હોસ્પિટલોમાં રૂ.50 હજારની ત્વરિત સહાય જેવી યોજના અમલી છે. પશુઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 1962 હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડોદરા ખાતે જણાવીને ઉમેર્યું હતું કે, મા કાર્ડ યોજનામાં પ્રથમ તબક્કામાં 35 લાખ બીપીએલ પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પછી મધ્યમ વર્ગના પરિવારોને પણ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કેન્સર, કીડિની, હદય જેવી ગંભીર બીમારીઓમાં રૂા. ત્રણ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજો પડતો નથી.