બરાબર 12 વર્ષ પહેલાં આજના દિવસે જ પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઇમાં કેટલીય જગ્યાઓ પર ગોળી વરસાવી હતી. આ આત્મઘાતી હુમલામાં આતંકીઓએ તાજ હોટલને પણ નિશાન બનાવી હતી. કેટલાંય કલાકો સુધી અહીં આતંકવાદીઓએ હોટલમાં શોધી-શોધીને નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા હતા. મુંબઇ હુમલાની વરસી પર તાજ હોટેલના પેરેન્ટ ગ્રૂપ ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાએ ખૂબ જ ભાવુક પોસ્ટ લખી છે.
ટાટાએ ઇંસ્ટાગ્રામ પર લખ્યું કે જે લોકો એ દુશ્મન પર જીત મેળવવામાં મદદ કરી, અમે તેમના બલિદાનને હંમેશા યાદ રાખીશું. તેમણે મુંબઇ સ્પિરિટને પણ વખાણ્યું અને કહ્યું કે આપણી એકતાને આપણે સંભાળીને રાખવાની જરૂર છે. ટાટા એ હોટલ તાજની એક તસવીર શેર કરતાં તેના પર લખ્યું છે ‘અમને યાદ છે’. તેની સાથે જ પોતાના સંદેશમાં તેઓએ લખ્યું છે, આજથી 12 વર્ષ પહેલાં જે વિનાશ થયો, તેને કયારેય ભૂલી શકાશે નહીં. પરંતુ જે વધુ યાદગાર છે તે એ છે કે એ દિવસે આતંકવાદ અને વિનાશને ખત્મ કરવા માટે જે રીતે મુંબઇના લોકો તમામ મતભેદોને ભૂલીને એક સાથે આવ્યા. આપણે જેમને ગુમાવ્યા જેમણે દુશ્મન પર જીત મેળવવા માટે કુર્બાની આપી, આજે અમે ચોક્કસ તેનો શોક મનાવી શકીએ છીએ. પરંતુ આપણે એ એકતા, દયાળુતાના એ કૃત્યો અને સંવેદનશીલતાને પણ વખાણવી પડશે જે આપણે યથાવત રાખવી જોઇએ અને આશા છે કે આવનારા દિવસોમાં આ વધુ વધશે જ.
— Ratan N. Tata (@RNTata2000) November 26, 2020
રતન ટાટા એ પોતાના સંદેશ ટ્વિટર પર પણ પોસ્ટ કર્યા છે. નીચે કમેન્ટસમાં લોકો એ દિવસે આતંકીઓ સામે બાથ ભીડનાર દેશના બહાદુર જવાનોને યાદ કરી રહ્યા છે. હુમલામાં જીવતા પકડાયેલ એકલા આતંકી અજમલ કસાબને જે કોન્સ્ટેબલ તુકારામ ઓમ્બલે એ પકડ્યા હતા તેમને લોકો નમન કરી રહ્યા છે. ઓમ્બલે આતંકવાદીઓની ગોળીનો શિકાર બન્યા હતા. શહીદોમાં જોઇન્ટ સીપી હેમંત કરકરે. એસીપી અશોક કામટે, ઇન્સપેકટર વિજય સાલસ્કર, મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન સહિત કેટલાંય પોલીસકર્મી સામેલ હતા.