120 દિવસના ચોમાસામાં 4 દિવસ વરસાદ પડ્યો ને દુષ્કાળ છતાં દ્વારકાને અછતગ્રસ્ત જાહેર કરાતો નથી 

ગુજરાત સરકાર પર સૌથી વધુ પ્રભાવ પાડનારા ચાર સત્તાધીશો મુખ્યમંત્રી, રાજ્યપાલ, મહેસુલ મંત્રી, વિરોધપક્ષના નેતાને દેવભુમિ દ્વારકાના ખેડૂતોએ રાવ કરી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે. તે માટે સરકારે સરવેની કામગીરી હાથ ધરી ન્યાય આપવામાં આવે. આ માટે સામૂહિક પત્ર લખવામાં આવ્યો છે.
આ પત્રમાં જણાવ્યું છે કે વર્તમાન વર્ષમાં કુદરત રુઠેલી છે ખેડુત નિઃસહાય અને લાચાર છે  જિલ્લામાં વાવણીનો સાર્વત્રિક વરસાદ થયા બાદ એકપણ વરસાદ થયો નથી. જે વરસાદ થયો હતો તે છૂટો છવાયો વરસાદ હતો  વાવણીના વરસાદ બાદ જિલ્લામાં એક્સાથે એક ઇંચ વરસાદ પડ્યો ન હોય ખેડુતોના ઉભા પાક સુકાય રહ્યા છે. જિલ્લામાં કોઈ મોટા ડેમ ન હોય, સૌની યોજનાની કેનલો તો આ જિલ્લાના ખેડુતોએ જોઈ પણ નથી એટલે સિંચાઈની કોઈ સગવડ નથી, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ બાજુ સાગરકાંઠો આવેલો હોય જમીનોના તળમાં ખારા પાણી આવી જવાની શક્યતાઓ વધારે છે એટલે બોર કુવાથી પણ સિંચાઇ શક્ય નથી ત્યારે ખેડૂતો પાસે હવે સરકાર સામે મીટ માંડવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે.
જિલ્લામાં છેલ્લા ત્રીસ (1988 થી 2017) વર્ષનો સરેરાશ વરસાદ 632 મિલિમિટર નોંધાયો હતો. તેની સામે વર્તમાન વર્ષમાં 291 મિલિમિટર વરસાદ નોંધાયો હતો.
ચારેય તાલુકા મથકે ભાણવડ 282, દ્વારકા 144, કલ્યાણપુર 158 અને ખંભાળિયા 579 મિલિમિટર વરસાદ નોંધાયો હતો.
જિલ્લામાં ચાલુ વર્ષે જે  291 મિલિમિટર વરસાદ નોંધાયો તેમાંથી વાવણી સમયે એટલે કે જુલાઈ મહિનાની 16, 17, 18 અને 19 તારીખના સમયગાળામાં માત્ર ચાર જ દિવસમાં 291 મિલિમિટરમાંથી 210 -15 મિલિમિટર જેટલો વરસાદ નોંધાયો હતો. બાકીના આખા ચોમાસાની ઋતુ દરમિયાન 120 દિવસના ગાળામાં કોઈ દિવસ 5 મિલિમિટર તો કોઈ દિવસ 2 મિલિમિટર એમ કરી 60 થી 70 મિલિમિટર વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં વાવણીનો સાર્વત્રિક સારો વરસાદ  બાદ એક સાથે એક ઇંચ (25 મિલિમિટર) વરસાદ જિલ્લાના એક પણ તાલુકા મથકે નોંધાયો નથી. 16 સપ્ટેમ્બરના રોજ ખંભાળિયા હેડ કવાટર માં 41 મિલિમિટર નોંધાયો તે માત્ર ખંભાળિયા શહેરમાં જ વરસાદ હતો, ખંભાળિયાની આસપાસના એકપણ ગામમાં આ વરસાદ હતો નહીં.
ખંભાળિયા તાલુકા મથકે તારીખ 16, 17, 18 અને 19 જુલાઈના રોજ ચાર દિવસમાં એક સાથે 470 મિલિમિટર વરસાદ પડ્યો જેના કારણે જિલ્લામાં વરસાદની  સરેરાશ ઊંચી આવી ગઈ બાકી ખંભાળિયા ને બાદ કરતાં જિલ્લામાં આ ચાર દિવસનો વરસાદ ભણવાડમાં 146 મિલિમિટર, દ્વારકામાં 97 મિલિમિટર, કલ્યાણપુર માં 117 મિલિમિટર જેટલો જ વરસાદ નોંધાયો હતો.
ચારેય તાલુકા મથકે વરસાદ માપવાની વ્યવસ્થા છે એ ઊપરાંત અલગ અલગ 18 જેટલા ગામોમાં (CHC, PHC સેન્ટર) વરસાદના આંકડા માપવાની વ્યવસ્થા છે જેના ચાલુ વરસના કેટલાક સેન્ટરમાં નોંધાયેલા ચાલુ વરસમાં પડેલા મોસમના કુલ વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો દ્વારકા તાલુકાના બે સેન્ટર વરવાળામાં 62 મિલિમિટર અને સુરજકરાડીમાં 50 મિલિમિટર, કલ્યાણપુર તાલુકાના રાજપરામાં 76 મિલિમિટર અને દેવરિયામાં 121 મિલિમિટર, ખંભાળિયા તાલુકામાં ભીંડામાં 106 મિલિમિટર અને ભાડથરમાં 120 મિલિમિટર ભાણવડ તાલુકામાં ગુંદામાં 159 મિલિમિટર મોસમનો કુલ વરસાદ નોંધાયો હતો.
આમ સરકાર વરસાદના વિસ્તરણને ધ્યાને લઇ અછતગ્રસ્ત બાબતે વિચારે તો જુલાઈના ચાર દિવસમાં પડેલા વરસાદને બાદ કરતાં જિલ્લામાં વરસાદ પડ્યો જ નથી, 125 મિલિમિટર વરસાદને ધ્યાને લઇ અછતગ્રસ્ત જાહેર કરે તો ઉપરોક્ત CHC PHC સેન્ટરના આંકડાઓ જુઓ દરેક તાલુકામાં CHC PHC  સેન્ટરમાં નોંધાયેલો વરસાદ લગભગ 125 મિલિમિટર કરતાં ઓછો કે તેની આસપાસ છે, અને છેલ્લા ત્રીસ વર્ષના વરસાદના આંકડાઓ સાથે વર્તમાન વરસમાં મોસમનો પડેલો કુલ વરસાદની સરેરાશ કાઢવામાં આવે તો પણ દેવભૂમિ દ્વારકા જીલાને અછતગ્રસ્ત જાહેર કરવો જ પડે તેવી સ્થિતિ છે.
તાજેતરમાં જ 1337 ગામોને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. એટલે સ્પષ્ટ વાત છે કે સરકાર ગામોને અછતગ્રસ્ત જાહેર કરે છે અને હકીકત એ છે કે સરકાર પાસે દરેક ગામદીઠ વરસાદ નોંધવાની વ્યવસ્થા નથી. ત્યારે આઠ દસ ગામોના સમુહનું પ્રતિનિધિત્વ કરતા CHC, PHC સેન્ટરમાં નોંધાયેલા વરસાદને ધ્યાને લેવામાં આવે છે ત્યારે ઉપરોક્ત સીએચસી, પીએચસી સેન્ટર પર નોંધાયેલા આંકડાઓ 125 મિલિમિટર કરતા ઓછો વરસાદ હતો. જે જિલ્લાના ચતુરદિશામાં આવેલા સેન્ટરો છે અને ત્યાં નોંધાયેલો વરસાદ જ પોતે ચાડી ખાય છે કે સરકારે તાત્કાલિક અસરથી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવો જ જોઈએ.
જિલ્લાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તથા જિલ્લાના દરેક ગામમાં 100% પાકવિમો જાહેર કરી ખેડુતોની વ્હારે આવો નહીંતર ખેડૂતોને વર્ષ પસાર કરવું મુશ્કેલ છે.
ખેડૂતોના પ્રતિનિધિ પાલભાઇ આંબલિયા.