ગુજરાતમાં બોબડીનું રાજ ચાલતું હોય તેમ અધિકારીઓ બેફામ બનીને ભ્રષ્ટાચાર તો કરી રહ્યાં છે પણ હવે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને પણ ગાઠતાં ન હોય એવા અનેક બનાવો બની રહ્યાં છે. જામનગર કલેક્ટરે ધારાસભ્યો સામે કરેલાં ખરાબ વર્તન અને અમરેલીમાં વિરોધ પક્ષના નેતા સામે મામલતદાર દ્વારા કરવામાં આવેલાં વર્તન બાદ વધું એક કિસ્સો અમરેલીમાં જ બન્યો છે.
અમરેલી પાલિકામાં તેના ચૂંટાયેલા સભ્યો દ્વારા માંગવામાં આવેલી માહિતી કાયદા હેઠળ માંગતાવામાં આવી હોવા છતાં અધિકારીઓ દ્વારા ન આપવામાં આવતાં કોંગ્રેસના 15 કોર્પોરેટરો એકાએક હડતાલ પર ઉતરી જઈને ધરણા પર બેસી ગયા હતા. 15 સભ્યો આમરણાંત ઉપવાસ પર બેસી જઈને ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર ઉતરી ગયા હતા. તેઓએ અધિકારીઓ અને ભાજપની સાંઠગાંઠથી કરેલાં કૌભાંડો અંગે 12 મુદ્દાની વિગતો માંગી હતી. તે આપવામાં આવતી ન હોવાથી તેઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.
અમરેલી શહેરમાં નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચારને કાબુમાં લાવવા ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના સભ્યો નગરપાલિકામાં થતી ગેરરીતીને જુદી-જુદી સંસ્થાઓની માહિતી માગી ભ્રષ્ટાચાર ઉપર કાબુ મેળવવા માટે માહિતી માંગી હતી.
અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી ગ્રીટ, મોરમ, ડોર ટું ડોર કચરમાં થયેલા કૌભાંડ, રજીસ્ટર રેકર્ડ શાખાનો સ્ટોક, પાણી શુદ્વિકરણ માટે ખરીદાયેલાં રસાયણો, ઢોર પકડવાના ટેલરની ખરીદીમાં થયેલા કૌભાંડો, ખર્ચની માહિતી માંગી હતી. જે 11 દિવસથી આપવામાં આવતી ન હોવાથી તેઓએ હડતાલ પર જવાનું નક્કી કર્યું હતું.
જ્યારે બીજી બાજુ લીલીયામાં પણ સ્થાનિક ધારાસભ્ય અને રાજકીય આગેવાનો સામે આરોપો મૂકતાં સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા. તે અંગે આગેવાનોએ વાંધો ઉઠાવીને તેની લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં પોલીસ અધિકારીઓએ તે અંગે કોઈ કાર્યવાહી કરી નથી.
લીલીયાનાં ધારાસભ્ય ઉપરાંત, જિલ્લા પંચાયતનાં સદસ્ય કેહુર ભેડા, પૂર્વ સરપંચ ખોડાભાઈ માલવીયા, ન્યાય સમિતિનાં ચેરમેન જીવરાજ પરમાર વિરૂઘ્ધ ભૂગર્ભ ગટરની કામગીરી અંગે ગંભીર આક્ષેપો યુવા શકિત ઓફ લીલીયા વોટ્સએપ ગૃપમાં મેસેજ 14 ડિસેમ્બર 2018ના રોજ વાયરલ કરવામાં આવેલાં હતા. તેમની રાજકીય કાર્કીર્દી ઉપર કલંક લગાવવા માટે આ કરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ હોવા છતાં અધિકારીઓએ કોઈ પગલાં લીધા નથી.