15 લાખ કાચા મકાનોની તસવીરો પાડી પછી શું થયું ?

ગુજરાતના 18 હજાર ગામોમાંથી 14,77,987 કાચા મકાનો અને ઝૂંપડાઓના માર્ચ 2013માં પુરાવા સાથે રાજ્ય સરકારે શોધી કાઢ્યા હતા. દરેક ગામમાંથી કાચા મકાનો કેટલાં છે તેની તસવીર પાડીને મંગાવવામાં આવી હતી. જેમાં 1.46 લાખ કુટુંબ ઈન્દીરા આવાસ યોજના અને સરદાર આવાસ યોજના હેઠળ આવરી લેવાનું અને 13.31 લાખ મકાનો એપીએલને પાકું મકાન આપવા ભારત સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. ભાજપની સરકાર બન્યા પછી 15 લાખ મકાનો બનાવવા માટે કરેલી દરખાસ્તને હવે સરકાર છૂપાવી રહી છે.

ભાજપે 2012માં વિધાનસભા ચૂંટણી વખતે ગામડામાં તમામ કાચા મકાનો છે તેમને પાકું મકાન આપવા માટે વચન આપ્યું હતું. ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ, પંચાયત વિભાગે તુરંત આ સરવે કર્યો હતો.  જાન્યુઆરીથી માર્ચ 2013માં 225 તાલુકા પંચાયત પાસેથી આ વિગતો મંગાવવામાં આવી હતી.  વિકાસ અધિકારી, તલાટી, ગ્રામસેવકને આ સરવે કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કાચા મકાન અને ઝુંપડાના ફોટોગ્રાફ, તેમાં રહેતા પરિવારની તમામ વિગતો મેળવવામાં આવી હતી.

ત્યાર બાદ રાજ્ય સરકારે કાચા મકાન કોને ગણવા તે હજુ સુધી નક્કી કરી શકી નથી. આમ ચૂંટણી જીતવા માટે વચનો તો આપી દીધા હતા. પણ વિજય રૂપાણીની સરકાર પ્રજાની ખેવના રાખવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.