છેલ્લા 15 વર્ષોથી રાઠવાઓના સરકારના રેવન્યુ રેકોર્ડમાં કોળી, રાઠવા કોળી, રાઠવાકોકોળી, બા.કો જેવા શબ્દો દૂર કરીને માત્ર રાઠવા શબ્દ રાખવા માગ કરી આંદોલન કરી રહેલાં રાઠવા મસાજને ભીલ , વસાવા, તડવી જાતિના આગેવાનોએ પણ સમર્થન આપતા આંદોલન હવે નવા વળાંક પર ઊભું છે. જે આદિવાસી વિસ્તારમાં રાજકીય સ્વરૂપ પકડી રહ્યું છે.
રાઠવા સંમેલન મળે તેના એક દિવસ પહેલાં સરકારે રાઠવા જાતિના દાખલા ચકાસવા સમિતિ જાહેર કરી છે. સમિતિના સભ્ય અને છોટાઉદેપુરના સાંસદ રામસિંગ રાઠવાએ કહ્યું હતું. ગામે ગામ ફરીને 15 દિવસમાં સમિતિ રિપોર્ટ તૈયાર કરી લેશે રિપોર્ટના આધારે જેના રેકોર્ડમાં 73 એ એ, નહીં લાગેલી હોય તેમને લાગુ કરવામાં આવશે અને તપાસમાં રહેણી કરણી, ભાષા, પહેરવેશ , સામાજિક વ્યવહારો વિગેરેને ધ્યાનમાં લેવામાં આવશે. આંદોલનને સમાજના નામે રાજકારણ રમાઈ રહ્યાનો આક્ષેપ પણ રામસિંગ રાઠવાએ લગાવ્યો હતો. આમ ભાજપે રાઠવા સમાજનું આંદોલન રાજકીય બનાવી દીધું હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સમિતિ સામે વિરોધ
બીજીતરફ સરકારે રચેલી સમિતિનો વિરોધ થઈ રહ્યો છે. વિરોધ કરનારાઓમાં કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવા, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને સુખરામ રાઠવા છે. તેમણે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે. નારણ રાઠવાએ કહ્યું હતું કે, બાપ દાદાને આદિવાસીના દાખલા અપાયા છે તો હવે કેમ નહીં. સમિતિનો કોઈ મતલબ નથી. માત્ર રાઠવા શબ્દ જ ઉપયોગ કરવામાં આવે.
રાઠવા આદિવાસી મહાસભા તરફથી પ્રો.અર્જુન રાઠવા જાહેર કર્યું હતું કે, રાઠવા સમુદાયની 70 વરસથી ઓળખને ગુંચવવામાં આવી રહી છે. સામાજિક આંદોલનને સરકાર રાજકીય બનાવી રહી છે. સરકારે બનાવેલી સમિતિ આંદોલનને ગેરમાર્ગે દોરાની છે. 73 /એ એ ની એન્ટ્રી પાડવાનુ કામ પુરું કરવાના સરકારના પરિપત્ર થઈ ગયા છે, તે માટે સમિતિ બનાવવાની જાહેરાત સમાજ માટે મજાક સમાન અને અપમાન જનક છે.
રાઠવા સમુદાયના આગેવાનો ગુજરાતના રાજકીય પક્ષો પ્રમુખોને મળીને રજૂઆત કરશે. પછી રાષ્ટ્રીય પ્રમુખોને રજૂઆત કરશે. હવે પ્રશ્નનો ઉકેલ નહી આવે તો ગામો અને શહેરોમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરશે. એમ અર્જુન રાઠવાએ જાહેર કર્યું છે. જેને લોકોએ આવકાર આપ્યો છે. આદિવાસી રાજનીતિમા રાઠવા લડત આગામી દિવસોમાં મહત્વની બની રહે એવું જણાય રહ્યું છે. છોટાઉદેપુરના કવાંટ ખાતે રાઠવા આદિવાસી મહાસભામાં રાઠવા સમાજે પોતાના હક અને ન્યાયની લડાઈ માટે નક્કી કરી લીધું છે.