મૂળ ઝાંરખંડના વતની અને સુરત સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડૉ. નિશા ચંદ્રાએ MBBS સુધીનો અભ્યાસ કર્યો છે. સૌ પ્રથમ તેમણે ભરૂચના હાંસોટમાં ડૉકટર તરીકેની સેવા આપી હતી. ત્યારબાદ વર્ષ 2004માં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જોડાયા હતા. જ્યાં તેઓ છેલ્લા દોઢ દાયકાથી પોસ્ટમોર્ટમનું કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધી તેમણે આશરે 5 હજારથી વધુ પોસ્ટમોર્ટમ કર્યા છે.
ડૉ. નિશા ચંદ્રાએ દોઢ દાયકા દરમિયાન થયેલા અનુભવ વિશે જણાવ્યું હતું કે, અનેક પ્રકારના કેસોના પોસ્ટમોર્ટમ મારી પાસે આવ્યાં છે. જે મેં સરળતાથી અને આત્મવિશ્વાસ સાથે કર્યા છે. ક્યારેક તો નાના બાળકોના કેસ મારી પાસે આવતાં, ત્યારે મહિલા તરીકે મને ખૂબ દુઃખ થતું હતું. છતાં પણ મેં નિર્ભયતાથી પોસ્ટમોર્ટમ કર્યા છે. શરૂઆતમાં પોસ્ટમોર્ટમ કરવું એ અઘરું કાર્ય લાગતું હતું. પરંતુ, જેમ જેમ અનુભવ વધતો ગયો તેમ-તેમ સરળ થઇ ગયું છે. હું મહિલા હોવા છતાં પણ પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ નિભાવી રહી છું, જે મારા માટે એક ગૌરવની વાત છે. જે વિભાગમાં પુરષોને પણ જવા માટે ઘણી બધી મુશ્કેલીઓ તથા ડર અનુભવાય છે, તેવી જગ્યાએ હું સહેલાઈથી પોસ્ટમોર્ટમ કરી રહી છું.