ન્યુ-રાણીપ વિસ્તારના ચેનપુર ગામમાં રહેતા ૩૮ વર્ષીય રાજીવભાઇ શ્રીવાસ્તવ ગેરેજમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પહેલા રાજીવભાઇની બંને કીડની ફેલ થતા હસી-ખુશીથી રહેતા પરિવાર પર આભ તુટી પડ્યું. ડોકટરે નિયમીત ડાયાલિસીસ કરાવવાનું કહેતા તેઓની હિંમત તુટી ગઇ. શરુઆતમાં ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવતા સારવાર અને દવાનો ખર્ચ ખુબ વધી જતો હતો. રાજીવભાઇની આર્થિક સ્થિતી નબળી હોવાને કારણે વારંવાર અધ્યતન હોસ્પિટ્લમાં સારવાર કરાવવી મુશ્કેલ બની જતી હતી જેથી તેઓ ખુબ જ નિરાશ થઇ ગયા હતા.
રાજીવભાઇને મિત્રોએ સરકારની ‘મા-કાર્ડ’ યોજના વિશેની જાણકારી આપી. રાજીવભાઇએ તરત જ આ કાર્ડ મળે એ માટેની કાર્યવાહી કરી. યોગ્ય પુરાવાઓને આધારે તરત જ તેઓને કાર્ડ મળી ગયું.
રાજીવભાઇ કહે છે કે, મા-કાર્ડ મળવાથી હું છેલ્લા દોઢ વર્ષથી સોલા સિવીલ હોસ્પિટલમાં નિયમિત ડાયાલિસીસ કરાવું છું. અને મારી નિયમિત સારવાર ચાલુ થઇ ગઇ છે જેનો મારે એક પણ રૂપિયો આપવો પડતો નથી. આજે હું સ્વસ્થ છું અને અહીથીં સારવાર લીધા બાદ ઘરે જઇને ભાઇ સાથે ગેરેજમાં બધું જ કામ આરામથી કરી શકું છું.
તેઓ સરકારની સંવેદનશીલતાને બિરદાવતા કહે છે કે, હું ફરી મારા પરિવારજનો સાથે ખુશીઓની પળો વિતાવું છું એ રાજ્ય સરકારની આ યોજના ને આભારી છે. રાજ્ય સરકારનો હું સદાય ઋણી બની રહીશ.