17 પેઢીપર GSTના દરોડા રૂ.1000 કરોડનું બોગસ ટર્નઓવર

રાજ્યમાં એક પછી કૌભાંડો સામે આવી રહ્યાં છે, હાલમાં જ ઉંઝા એપીએમસીમાં કરોડો રૂપિયાની GST ની ચોરીના કૌભાંડની તપાસ ચાલી રહી છે અને હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં આવું જ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. GST બોગસ બિલિંગનું એપિસેન્ટર ભાવનગરનું અલંગ છે અને ભાવનગરમાં પાડેલા દરોડામાંથી આ કૌભાંડના તાર રાજકોટ, ગાંધીધામ અને મુદ્રા સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં આ સ્થળોએ 17 પેઢીઓ ઉપર GSTના અધિકારીઓએ દરોડા પાડ્યાં હતા. અંદાજે 1000 કરોડ રૂપિયાનું બોગસ ટર્નઓવર સામે આવ્યું છે.

ભાવનગર, મુદ્રા, ગાંધીધામમાં તપાસ કરતા આ શખ્સોએ બોગસ બિલિંગના નામે વેપાર કર્યો હતો. એટલે કે બિઝનેસ માત્ર કાગળ પર જ થયો છે અને સરકારમાંથી કરોડો રૂપિયાની ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવી છે. માલની હેરાફેરી વગર જ ઇ-વે બિલ જનરેટ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે.

થોડા સમય પહેલા ભાવનગરમાં સ્ક્રેપના વેપારીઓને ત્યાં કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું હતું. બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જેનું પગેરુ મુદ્રા,ગાંધીધામ અને રાજકોટમાં પહોંચ્યું છે. રાજકોટ જીએસટીના અધિકારીઓએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મશિનરી પાર્ટસ, વેસ્ટ મટિરિયલ્સ અને સ્ક્રેપના નામે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. અંદાજે 20 જેટલી પેઢીઓમાં તપાસ કરતા મોટાભાગની પેઢીઓમાં કૌભાંડીઓએ અન્ય લોકોના નામે જીએસટી નંબર લીધા હતા. તેમાંથી એક વ્યક્તિએ જણાવ્યું છે કે આ કેસમાં મને ખબર જ નથી કે મારા નામથી કોઇ કંપની ચાલી રહી છે. મતલબ કે આ કૌભાંડીઓએ મોટી છેતરપિંડી કરીને નિર્દોષ લોકોને ફસાવ્યાં છે સાથે જ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.