170 ગોડાઉનોમાં મગફળીનો ભ્રષ્ટાચાર થયો છે, કોંગ્રેસ

ગુજરાતમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી સહિત જણસીઓ ખરીદવાના નામે ભારત સરકારનાં નાણાં સામુહીક રીતે જમી જવાના ભાજપ સરકારની મોડસ ઓપરેન્‍ડી કાર્ય પધ્‍ધતિનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રુમખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે ગુજરાતમાં છેલ્‍લાં બે દાયકાથી ગુજરાત સ્‍ટેટ કોપ. ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. (ગુજકોમાસોલ) નામની રૂ.૨૨૦૦ કરોડનું ટર્નઓવર તથા ૩૨૫ કર્મચારીઓ અને રાજય વ્‍યાપી નેટવર્ક અને અનુભવ ધરાવતી સંસ્‍થાની નિમણુંક નાફેડ દ્વારા સ્‍ટેટ લેવલ એજન્‍સી(SLA) તરીકે ખેડૂતોની જણસીઓ ટેકાના ભાવે ખરીદી થતી આવતી હતી. પરંતુ છેલ્‍લાં બે વખતથી ગુજકોમાસોલને નામ પુરતી ખરીદી આપીને માત્ર કાગળ ઉપર ચાલતી કોઈ કામ ધંધા વગરની માત્ર છ કર્મચારીઓ ધરાવતી ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટીવ કોટન ફેડરેશન લી. ગુજકોટને ભાજપ સરકારના દબાણથી SLA તરીકે મુખ્‍ય એજન્‍સી તરીકે નિમણુંક કરીને ૨૦૧૭-૧૮માં કુલ ૨૮૯ સેન્‍ટરો પૈકી ૧૨૫ સેન્‍ટરો મારફત કુલ ખરીદાયેલ ૮.૩૦ લાખ ટન મગફળીમાંથી ૫.૫૦ લાખ ટન મગફળી ખરીદી કરવાની મંજુરી મળી.

ગુજકોમાસોલ દ્વારા માત્ર ૧.૧૩ લાખ ટન મગફળી ખરીદવામાં આવી. એટલું જ નહીં ગુજકોટ બે- રોક ટોક ભ્રષ્‍ટાચાર કરી શકે તે માટે ૨૫૦ જેટલાં ગોડાઉનો ગુજરાત સ્‍ટેટ વેર હાઉસીંગ કોર્પોરેશનને બદલે સીધાં જ ભાડે રાખવાની મંજુરી આપવામાં આવી.
ગુજકોટનો ભારેલા અગ્‍ની જેવો ભ્રષ્‍ટાચાર આ ગોડાઉનમાં છુપાઈને પડયો છે જો ગોડાઉનોનું પંચ- રોજકામ કરવામાં આવે તો ભાજપના મોટાભાગના આગેવાનોને જેલમાં જવું પડે તેમ છે એટલે ગોડાઉનો ઉપર ખેડૂતો જનતા રેડ ન કરે તે માટે પોલીસ બેસાડી દેવામાં આવી છે. આમ ચોરોને બચાવવા માટે ગુજરાત રાજયનું આખું વહીવટીતંત્ર ખડે પગે ઉભું છે. અમે પોરબંદરના ગોડાઉનમાં જનતા રેડ કરીને ભાંડો ફુટયો એટલે ભ્રષ્‍ટાચારીઓને પકડવાને બદલે અમારી સામે ગુજકોટના રોજમદાર કર્મચારી મારફત ફરિયાદ કરાવીને ગુનો દાખલ કરીને કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ શરૂ કરી છે.

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભાજપ સરકારે તેમના મળતિયાઓ માટે ગોઠવેલી વહવીવટપ્રથા પર પ્રહાર કરતાં અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે કોઈ કામ ધંધા કે આબરૂ વગરની ઉઠી ગયેલી ગુજકોટ સંસ્‍થા મારફતે ૧૨૫ જેટલાં સેન્‍ટરો મારફતે મગફળી ખરીદી તેમાં ભેળસેળ કરીને સારી મગફળી બારોબાર વેચી દેવાનું તથા હરાજીથી ભેળસેળવાળી મગફળીના વેચાણમાં પણ ગોલમાલ કરવાનું સૌથી મોટું કૌભાંડ છે.

સ્‍થાનિક ખરીદી એજન્‍સી તરીકે કામ કરતી મંડળીઓમાં ભાજપના સંચાલકો હોય તેની ખાસ કાળજી રખાય હતી. મંડળીઓએ નવા બારદાનમાં બારદાન દીઠ ૩૫ કિલોની ભરતી કરી તેના ઉપર મંડળીનો સ્‍ટેમ્‍પ લગાવીને ટ્રાન્‍સપોર્ટ કરીને ગોડાઉન સુધી પહોંચાડવાની હોય છે. ગોડાઉનમાં ડીલીવરી અપાતી વખતે મગફળી ફેઈર એવરેજ કવોલોટી (FAQ) મુજબ છે તેનું પ્રમાણપત્ર આપવા માટે બે સંસ્‍થાઓ નેશનલ બલ્‍ક હેન્‍ડલીંગ કોર્પોરેશન તથા સ્‍ટાર એગ્રી.ની નિમણુંક થઈ હતી. આ સંસ્‍થાઓ આ પ્રમાણપત્ર ઈસ્‍યુ કરતી હતી અને SLA અથવા વેર હાઉસીંગ કોર્પોરેશને ભાડે રાખેલા ગોડાઉનમાં મગફળીનો જથ્‍થો સંગ્રહ કરવામાં આવતો હોય છે.

ટ્રાન્‍સપોર્ટ કરતી વખતે રસ્‍તામાં જ ખરીદ એજન્‍સી તરીકે કામ કરનાર મંડળી અને ગુજકોટ દ્વારા આ મગફળીમાં ઘાલમેલ કરવામાં આવી છે આ મગફળી જાહેર હરાજીથી વેચવામાં આવે ત્‍યારે વેપારીઓને મગફળી "જે સ્‍થિતિમાં છે તે સ્‍થિતિમાં" વેચવાની શરત હોય છે. એટલે જો ભેળસેળવાળી મગફળી હોય તો વેપારીઓ તેના ભાવ સ્‍વભાવિક રીતે ઓછા ભરે છે. એટલે વેચાણ વખતે પણ ગુણવત્તામાં આસમાન-જમીન જેટલો ફરક ન હોય તો કૌભાંડ બહાર આવતું નથી. પેઢલા ગોડાઉનના કિસ્‍સામાં ભેળસેળની માત્રા ૫૦ટકા કરતાં વધારે હોય હરાજીથી મગફળી ખરીદનાર વેપરીઓએ વાંધો લેતાં કૌભાંડ બહાર આવ્‍યું હતું.

ટેકાના ભાવે ખરીદેલ મગફળીની પડતર કિંમત રૂ.૯૦૦ ખેડૂતોને ચુકવવાના તથા ખરીદીમાં રૂ.૩૦૦- ૪૦૦નો ખર્ચ ઉમેરીએ તો પડતર રૂ.૧૩૦૦ પ્રતિમણ જેટલો આવે છે. પરંતુ આ મગફળીનું વેચાણ કરતાં માંડ રૂ.૬૦૦ થી ૭૦૦ ઉપજે છે. આખી ખરીદી અને વેચાણ બંને તબક્કે ભ્રષ્‍ટાચારીઓને ભારે આવક થાય છે. ભ્રષ્‍ટાચારમાં સામેલ મંડળીઓ તથા ગુજકોટના તમામ વહીવટ તથા હિસાબી ચોપડાઓ જપ્‍ત કરવા તેમના તમામ ગોડાઉનો સીલ કરીને પછી તેમાં રહેલી તમામ મગફળીની ગુણવતાની પૂનઃ ચકાસણી અને રોજકામ કરીને આ મગફળી મોકલનાર મંડળીઓ, ગુજકોટ, FAQનું સર્ટી આપના એજન્‍સીઓ, મંડળીઓ અને ગુજકોટની ભલામણ કરનાર મંત્રશ્રીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત ગુજકોટ અને ગેરરીતિ કરનાર સહકારી મંડળીઓના વર્તમાન બોર્ડને વિખેરીને તટસ્‍થ વહીવટદાર નિમવાની માંગણી અર્જુન મોઢવાડિયાએ કરી હતી.