રાજ્યના 650 ઉપરાંત પોલીસ મથકોનો સંપુર્ણ ડેટા એક જ ડેશબોર્ડ પર હવે ઉપલબ્ધ થયો છે ત્યારે પોલીસનું રિયલ ટાઈમ મોનીટરીંગ થઈ શકે છે. પોલીસ જ્યારે સામાન્ય લોકોની ફરિયાદો ન લે ત્યારે ડેશબોર્ડ દ્વારા તે જાણી શકાશે કે પોલીસે ફરિયાદ કેમ ન લીધી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સામાન્ય માનવી સહિત સૌની સુરક્ષા અને સલામત ભાવિની જવાબદારી ગુજરાત પોલીસ પર છે ત્યારે ડેટા અપડેશન કનેક્ટિવિટી અને આધુનિક સાધનોના મહત્તમ ઉપયોગ કરીને ક્લિયર વિઝનથી જ ભાવિ રણનીતિ અને આયોજનો ઘડી શકાય તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.
આજે મળેલી પોલીસ અધિકારીઓ ની ઉચ્ચ સ્તરીય બેઠક માં તેમણે સી એમ ડેશબોર્ડ ની ગતિવિધિઓ નું પ્રેઝન્ટેશન કરતા આ મત દર્શાવ્યો હતો. ડેશબોર્ડ કુદરતી આપદાથી માંડીને હુલ્લડો રમખાણો જેવા આપાત કાળ સમયે ખુબ ઉપયોગી બની રહે તેવું મહત્વપૂર્ણ સાધન છે.
સીએમ ડેશ બોર્ડ એક એવું હાઇટેક બોર્ડ છે કે જેની ટૅક્નૉલોજીથી મુખ્યમંત્રી તેમના નિવાસસ્થાને બેઠાં બેઠાં રાજ્યની કઈ કચેરીમાં કેવો વહીવટ ચાલે છે તેની સીધી દેખરેખ રાખી શકશે. પછી તે કલેક્ટર કચેરીના કયા અધિકારીના ટૅબલ પર કેટલી, કયા કાર્ય માટેની, કેટલા દિવસથી ફાઇલ પડી છે, તેની જાણકારી હોય કે પછી અંબાજી કે સોમનાથ મહાદેવના મંદિરમાં રોજ થતી સફાઈની કામગીરી થઈ કે નહીં? એટલું જ નહીં, એસટી બસ ક્યા રૂટ પર મોડી-વહેલી ચાલે છે, કયા રૂટ પર ઊભી નથી રહીં, ક્યાં પંક્ચર પડ્યું, તેવી રજેરજની, પળેપળની માહિતી મુખ્યમંત્રી અદ્યતન ટૅક્નૉલોજીથી મેળવે છે.
મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રથમ માળે કાર્યરત સીએમ ડેશબોર્ડ રાજ્યનું વહીવટી સંચાલન કરતા વિવિધ 26 વિભાગને 18 સેક્ટરમાં સમાવીને 1700 જેટલા પેરામીટર-ઇન્ડિકેટર્સ દર્શાવતું બનાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ડેશબોર્ડની કામગીરી સીએમ કાર્યાલયના ઓએસડી ડી. એચ. શાહ અને ઉપસચિવ હિતેષ ગોહિલ અને ટીમ દ્વારા કરાય છે. તેમણે ઉમેર્યું કે, સીએમ ડેશબોર્ડ ટૅક્નૉલોજીના સુચારુ ઉપયોગથી ગુડ ગવર્નન્સની આગવી પહેલ, ત્રીજું નેત્ર બનશે. સર્વલન્સ સિસ્ટમથી રિયલટાઇમ મોનિટરિંગથી રાજ્યમાં કયા સ્થળે કઈ સ્થિતિ છે તેની સીધી જાણકારી, મોનિટરિંગ થશે. ડેશબોર્ડથી કેન્દ્ર સરકારની યોજનામાં રાજ્ય સરકારની સિદ્ધિ, સ્થિતિ જાણીને નેશનલ પેરામીટર્સનું પણ મોનિટરિંગ કરીને ગુજરાત એમાં આગળ રહી સ્પર્ધા કરી શકે, તે માટે પણ સજજ થઈ શકશે. મોટા પ્રોજેક્ટના અમલીકરણ, પ્રગતિ સહિતની માહિતી મળી શકશે.