19 હજાર કારખાનાઓની સરકારે સુરક્ષા માટે કોઈ તપાસ ન કરી

ગુજરાતની ફેકટરીઓમાં છેલ્લા 5 વર્ષમાં 1,194 જીવલેણ અકસ્માતો થયાં છે. શ્રમ અને રોજગાર વિભાગના પાંચ વર્ષના ઓડિટમાં ગુજરાતમાં 77,020માંથી માત્ર 57,966 કારખાના તપાસે છે. 19,054 કારખાનાઓ સરાકારે તપાસ કર્યા નથી કે સરકારે કારખાના માલિકો સામે કાર્યવાહી કરતી નથી. આમ રાજ્ય સરકારની ઘોર બેદરકારી આવી છે કે તે મજૂરોની સલમતી અને સગવડ માટે ધ્યાન આપતી નથી.

રાજયમાં શ્રમ અને રોજગાર વિભાગના ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય નિયામક દ્વારા ફેકટરીના કાયદાનું અમલીકરણ કરવામાં આવે છે પરંતુ જ્યારે મોટી કંપનીઓના ફેકટરીમાં જીવલેણ અકસ્માતો થાય ત્યારે કેવી રીતે આંખ આડા કાન કરવામાં આવે છે તેની પોલ કેગના અહેવાલમાં ખુલવા પામી છે.

2012થી 2016ના 4 વર્ષમાં 9520 અકસ્માત કારખાનામાં થયા હતા. તેમાં સુરક્ષા અંગે એક પણ કારખાના સામે કામ ચલાવાયું ન હતું. આવી બેદરકારીના કારણે જીવલેણ અકસ્માતો વધી રહ્યાં છે.

શ્રમ વિભાગ દ્વારા ઓકટોબર-2014માં તો એવી સૂચના આપી હતી કે, કારખાનામાં અકસ્માતે કોઇનું મૃત્યુ થાય અને તેના કાયદેસરના વારસદારને રહેમરાહે લઘુત્તમ વળતરની ચૂકવણીની શરતો પૂર્ણ થતી હોય તો ફેકટરીના વડા કે મેનેજર સામેની ફોજદારી ફરિયાદો પરત ખેંચવા માટે સુરક્ષા નિયામક ભલામણ કરી શકશે.

સુરક્ષા ધોરણના ઉલ્લંઘન બદલ 35 જીવલેણ અકસ્માતોમાં દાખલ કરાયેલા કોર્ટ કેસ 2012-16માં વિભાગ દ્વારા પરત ખેંચવામાં આવ્યા હતા. આ કેસો એ આધાર પર પરત ખેંચાયાનું કારણ અપાયું હતું કે, ફેકટરીઓના સંચાલક મંડળ દ્વારા મૃતક કામદારોના આશ્રિતોને પર્યાપ્ત વળતર ચૂકવી દેવામાં આવ્યું હતું. પણ સુરક્ષા ધોરણોના ઉલ્લંઘન માટે કાયદેસરની કાર્યવાહીને લગતી અધિનિયમની જોગવાઇ સાથે સુસંગત ન હતી. સુરક્ષા આપવામાં આવતી ન હોવાથી અકસ્માત થયા હતા. કેગ દ્વારા કહેવાયું છે કે, મૃત કામદારોના આશ્રિતોને વળતરની ચૂકવણી એ કામદારોના મૃત્યુના કારણરૂપ એવા સુરક્ષા ધોરણોના ઉલ્લંઘન માટે ફેકટરીના વડાઓને દોષ મુક્ત કરવાનો આધાર ન હોઇ શકે. જેમા અદાણી, રિલાયંસ, અરવિંદ જેવી મોટી કંપનીઓ પણ આવી જાય છે.

2018માં બનેલા કેટલાંક મહત્વના બનાવો તપાસવા જેવા છે,

RSPL કેમિકલ ફેક્ટરીમાં 8 કામદારના મોત

અંકલેશ્વર નજીક આવેલી પાનોલી GIDC સ્થિત RSPL કંપનીમાં કેમિકલ લોડિંગ સમયે બ્લાસ્ટ થતાં ત્રણ કામદારોના મોત નીપજ્યા હતા. ચાર કામદારોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેમિકલ બનાવતી આ કંપનીમાં આજે સવારે કામદારો દ્વારા કેમિકલ લોડિંગની કામગીરી ચાલી રહી હતી. ચાર વર્ષ કરતા વધુ સમયથી ચાલતી આ કંપનીમાં ગત વર્ષે પણ ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં પણ ત્રણ કામદારોના મોત નીપજ્યા હતા. અત્યાર સુધીમાં આ કંપનીમાં આઠથી વધુ કામદારો મોતને ભેટી ચૂક્યા છે.

યુનિક કેમિકલમાં આગથી 2 મોત

ભરુચમાં સ્થિત પાનોલીની યુનિક કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં 2 કામદારોના મોત થયા હતા અને 4ને ઈજા થઈ હતી. જ્યારે ચાર અન્ય કામદારોને ઈજા થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. પરિવારજનોને કંપની તરફથી 5 લાખની સહાય અને સારવારની જાહેરાત કરી હતી.

વરેલી ગામે 7 કામદારના મોત

પલસાણાના વરેલીમાં પાંચ, કડોદરામાં એક અને ચલથાણમાં એક મળીને 7 કામદારોના મોત થયા હતા. 24 કલાકમાં ભેદી મોત થયાં હતા. પ્રદુષણના કારણે આમ થયું હોવાનું માનવામાં આવે છે. —————-

અરવિંદ મીલમાં કામદારનું મોત

12 ઓક્ટોબર 2017માં અમદાવાદના ખાત્રજ પાસે આવેલી અરવિંદ મીલમાં મશીન પર કામ કરતી વખતે પડી જવાથી માથાના ભાગે ઇજાઓ થતા કામદારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. કલોલ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ અને મીલોમાં કામદારોને સેફટીના સાધનો આપવામાં નહીં આવતા હોવાથી ઘણા વખત કામદારો અકસ્માતનો ભોગ બનતા હોય છે. તો કેટલાક કિસ્સામાં કામદારોના મોત પણ નીપજતા હોય છે તે ઘણી જ ગંભીર બાબત છે.

એડવાન્સ ડાયસ્ટફ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસથી 4 મોત

અમદાવાદ વટવા GIDCમાં એડવાન્સ ડાયસ્ટફ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરની ઘટના બની હતી. કંપનીમાં વેસલ સાફ કરવા ઉતરેલા એક કામદાર ફસાયા હતા જેને બચાવવા જતા અન્ય લોકોને પણ ગેસની અસર થતાં ચાર કામદારોના મોત થયા હતા, જ્યારે કે અન્ય પાંચ કામદારોને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરિવારજનો ઈન્ડસ્ટ્રીઝના માલિક પર બેદરકારીનો આરોપ મૂકી રહ્યા છે.

શું થઈ રહ્યું છે

2014થી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ હેઠળ શ્રમ કાયદાની કડકાઈને પ્રયત્નપૂર્વક હળવા બનાવાઈ રહ્યા છે. 2014 પછી કોન્ટ્રેક્ટ લેબર (રેગ્યુલેશન એન્ડ એબોલિશન) એક્ટ, 1970, ફેક્ટરી અધિનિયમ, 1948 અને ઔદ્યૌગિક તકરાર અધિનિયમ, 1947 માં ઘણા સુધારા સુચવવામાં આવ્યા છે સરકાર દ્વારા. તેમજ ભારતીય બોઈલર નિયંત્રણ, 1950 હેઠળ જેમાં સેન્ટ્રલ બોઈલર્સ બોર્ડ દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવતુ હતું તેને બદલીને ‘સેલ્ફ સર્ટિફીકેશન’ જાત નિરિક્ષણ કરી દેવામાં આવ્યું છે. તેનુ કારણ એવું  આપવામાં આવ્યું છે કે ‘ઈન્સ્પેક્ટર રાજ’ ખતમ કરી દેવા માટે. હકિકત તો એ છે કે તેને છટકબારી ગણીને કામદારોની સલામતીને નેવે મુકી દેવામાં આવી છે.

સુધારા સુચવાયા છે કે સરકાર નિયંત્રિત કોન્ટ્રેક્ટ લેબરને હળવા બનાવીને ઉચ્છાહર જેવા જોખમી કામોમાં હવે કેઝ્યુઅલ લેબર હેઠળ પણ કામ આપી શકાય. પ્રવર્તમાન કાયદા મુજબ કાયમી કે કરાર આધારિત, સૌ કામદારોની સલામતી માટે એનટીપીસીને જવાબદાર ગણી શકાય. સીમાચિન્હરુપ એશિયાડ કેસમાં (પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઈટ્સ વિ. યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ અધર્સ 1982, જેમાં સર્વોચ્ચ અદાલતે સરકારને  કોન્ટ્રેક્ટ કામદારોના માલિક તરીકે જવાબદાર ઠેરવી હતી.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન)ના આર્ટીકલ 81નો ભંગ કર્યો છે. એમણે ‘શ્રમ સુવિધા પોર્ટલ’ હેઠળ કંપની માલિકોને છુટ આપી છે કે તેઓ 16 જેટલા કેન્દ્રીય શ્રમ કાયદાઓમાં ‘સેલ્ફ સર્ટિફીકેશન’ જાત નિરિક્ષણ કરી શકે છે. આવા ‘સેલ્ફ સર્ટિફીકેશન’ પર્યાવરણના કાયદાના દોષિત સાબિત થયા છે, તો પછી તે કેવી રીતે ઔદ્યૌગિક સલામતી અને શ્રમ કાયદાનો ભંગ નહી કરે તેમ કહી શકાય. ‘મેઈક ઈન ઈન્ડિયા’ના નામે અને ઔદ્યૌગિક રોકાણ વધારવા સરકાર શ્રમજીવીઓની, કામદારોની સલામતી અને હક્કો પ્રત્યે આંખ આડા કાને કરી રહી છે. ખાસ કરીને સૌથી અસલામત એવા રોજી ઉપર નભતા કામદારો પ્રત્યે ઉચ્છાહરની દુર્ઘટના તે આવનારી સચ્ચાઈને યાદ કરાવનારી કરુણાંતિકા છે.