મેડિકલ-ડેન્ટલ કોલેજોમાં માત્ર બે જ કોલેજોમાં EWS કેટેગરીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. હવે પછી કાઉન્સિલ દ્વારા જે કોલેજને મંજુરી આપવામાં આવશે તેજ કોલેજમાં ૧૦ ટકા EWS કેટેગરીમાં બેઠકો ફાળવવામાં આવશે. જો કાઉન્સિલ દ્વારા કોઇ કોલેજને મંજુરી આપવામાં ન આવે તો પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પણ ફાળવવામાં નહી આવે તેવુ નક્કી કરાયુ છે.
રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે થોડા સમય પહેલા મેડિકલ કોલેજોમાં EWS કેટેગરીમાં ૧૧૫૦ બેઠકો વધારો થશે તેવી જાહેરાત કરી હતી. કાઉન્સિલ દ્વારા માત્ર બે જ કોલેજોમાં EWSની મંજુરી આપતાં બાકીની કોલેજોમાં EWS લાગુ ન થાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. સ્ટેટ હેલ્થ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જે કોલેજોને ૧૦ ટકા EWS લાગુ કરવા માટે મંજુરી આપવામાં આવશે તે કોલેજોમાં પ્રવેશ સમિતિ દ્વારા ૧૦ ટકા EWS બેઠકોમાં પ્રવેશ આપશે. અત્યારે ભાવનગર અને રાજકોટ આ બે કોલેજમાં EWSમાં ૫૦-૫૦ લેખે ૧૦૦ બેઠકો વધારવાની મંજુરી મળી છે અન્ય કોલેજમાં EWS લાગુ કરવામાં આવ્યુ નથી. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર હવે પછી જે મેડિકલ કોલેજોને મંજુરી આપશે તે કોલેજોમાં જ ૧૦ ટકા EWS કેટેગરીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. મંજુરી ન આપે તો એકપણ કોલેજમાં ૧૦ ટકા બેઠકો પણ EWSમાં ફાળવવામાં આવશે નહી. હાલની સ્થિતિમાં આ કેટેગરીમાં માત્ર ૧૦૦ બેઠકો જ ઉપલબ્ધ છે.