20 હજાર કરોડની સૌની યોજના સફેદ સિંહ બની

મોદી જાણતાં હતા કે સૌની યોજના માટે નર્મદામાં પાણી નથી છતાં 20 હજાર કરોડનું પાણી કર્યું.

દિલીપ પટેલ
અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2024
સરદાર સરોવર ડેમમાંથી દર વર્ષે ઓવરફલો થઇને જે પાણી દરિયામાં વહી જાય છે તે પાણી બચાવીને પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવું. સૌરાષ્ટ્રમાં મુખ્ય ચાર લિંક આધારિત યોજના તૈયાર કરી હતી. 2012માં યોજના બની અને 2013માં સૌની યોજનાની જાહેરાત કરી હતી.

7 વર્ષ પહેલાં ચૂંટણી જીતવા માટે સૌરાષ્ટ્રના ડેમમાં નર્મદાનાં નીર લાવવાની ‘સૌની’ યોજનાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં લોકાર્પણ કર્યું હતું. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના છેલ્લી 6 ચૂંટણીમાં મત અવતરણ યોજના બનાવી દેવામાં આવી છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર જાણે છે કે સૌની યોજના માટે નર્મદા બંધમાં પાણી જ નથી અને પાઈપલાઈનમાં પાણી ચઢાવવા રૂ.1 હજાર કરોડનું ખર્ચ વિજળીનું થઈ શકે તેમ છે. તેમ છતાં લોકસભાની ચૂંટણી આવતાં ફરી એક વખત યોજનાની ધુપ્પલ ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારે ચલાવી છે.

2024 ફરી મુર્ખ બનાવાયા
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રની પ્રજાને ફરી એક વખત સિંચાઈ પ્રધાન કુવરજી બાવળિયાએ મૂર્ખ બનાવવા યોજનાનું ફરી એક વખત 16 ફેબ્રુઆરી 2024માં ખાત મૂહુર્ત કર્યું હતું.
જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળીયાએ 16 ફેબ્રુઆરી 2024માં જાહેર કર્યું હતું કે, સૌની યોજના સૌરાષ્ટ્ર માટે નવા ભાગ્યનું અવતરણ છે. સૌરાષ્ટ્રની ધરતી હરિયાળી બની, ખેડૂતો સમૃદ્ધ બનવા લાગ્યા છે. અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે. સૌની યોજનાની લિન્ક 4ના પેકેજ 9ના 73 કિલો મીટર લાંબી પાઈપલાઈનના કામોની ખાતમુહૂર્ત કર્યું હતું. રૂ. 181 કરોડના કામો હતા.

જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના સચિવ કે. એ.પટેલે જણાવ્યું હતું કે, સૌની યોજનાની લિન્ક 4ના તબક્કા 3 હેઠળ વિંછીયા તાલુકાના આસલપુર ગામ પાસે ફીડર પમ્પિંગ સ્ટેશન બનાવીને પાણી ધારૈઈ ગામ સુધી 12 તળાવોને જોડી ભરવામાં આવશે. જેનાથી 23 ગામોના 45 હજારથી ખેડૂતો અને લોકોને ફાયદો થશે. 5676 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણીની પૂરતી સુવિધા મળશે.

શું છે યોજના
આ યોજના પૂરી થતાં સૌરાષ્ટ્રના 138 બંધ કે જળાશયોમાંથી 115ને પાણી મળવાનું હતું. જેમાંથી 10.22 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળવાનું હતું.
5 હજાર ગામો અને 87 નદીઓમાં નર્મદાના પાણી મોટરથી ઉલેચીને પહોંચાડવાના હતા. 1126 કિમી પાઈપલાઈન દ્વારા પંપથી પાણી પહોંચાડવાના હતા.
યોજના પાછળ રૂ. 10 હજારનો ખર્ચ નક્કી કરાયો હતો. પછી તે 2016માં વધીને રૂ. 12 હજાર કરોડ થઈ ગયો હતો.

2023
મર્ચ 2023માં રાજ્યના જળ સંપત્તિ રાજ્ય પ્રધાન મુકેશ પટેલે જાહેર કર્યું હતું કે, સૌરાષ્ટ્રના 115 પૈકી 95 તળાવો પાઈપથી જોડી દેવાયા છે. બાકી રહેતા 20 હવે પૂરા થશે. સૌની યોજના હેઠળ 25 મુખ્ય પંપીંગ સ્ટેશન 8 ફીડર પંપિંગ સ્ટેશન મળી કુલ 33 સ્ટેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. જેનું વિજલીનું બિલ કરોડો રૂપિયા આવી રહ્યું છે.
સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 972 ગામોના 8.25 લાખ એકર વિસ્તારને સિંચાઇ થઈ હતી. 31 શહેરો અને 737 ગામોને પીવાના પાણીનો લાભ મળવાનો હતો. 9,371 કી. મી પાઇપલાઇનના કામો માટે મંજુરી આપવામાં આવી હતી. રૂ. 16,721 કરોડનો ખર્ચ કરાયો હતો. જેમાં 1,298 કી.મી ની પાઇપલાઇનના કામો પૂર્ણ કરાયા હતા.
નરેન્દ્ર મોદીએ નર્મદાના 3 મિલિયન એકર ફીટ વહી જતા પાણીનો લાભ સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને કચ્છને મળી રહે એ આશયથી સૌની યોજનાનો આરંભ થયો હતો.

હવે, ઉત્તર ગુજરાતને 1 મીલીયન એકર ફીટ પાણી આપવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ 9 જાળાશયો અને 17 તળાવો પાઇપલાઇન દ્વારા ભરવાનું આયોજન છે. જ્યારે 1 મિલિયન એકર ફીટ પાણી કચ્છ માટે ના કામો હાથ ધરાશે એવું પ્રધાને જાહેર કર્યું હતું.

2021
2021 સુધીમાં 16 હજાર 148 કરોડનો ખર્ચ થયો છે. સરકારે વહિવટી મંજુરી મેળવીને 18 હજાર 563 કરોડ ખર્ચનો અંદાજ માંડ્યો હતો.

2020
નર્મદામાંથી સૌરાષ્ટ્રના ડેમો ભરવાની સૌની યોજના વર્ષ 2017-18માં પૂર્ણ કરવાની હતી.
યોજના રૂ. 10 હજાર 900 કરોડમાં બનાવવા ફેબ્રુ 2013માં મંજૂરી આપી હતી.
એપ્રિલ-2013 દરમ્યાન તથા સુધારેલ વહીવટી મંજુરી રૂ 18 હજાર 600 કરોડની થઈ ગઈ હતી.
ડીસેમ્બર-2018માં રૂ. 15 હજાર 300 કરોડનો ખર્ચ કરવામાં આવેલો હતો.
30 સપ્ટેમ્બર 2020માં સરકારે જાહેર કર્યું હતું કે, સૌની યોજના તબક્કો એક 2017-18માં પુરો થયો હતો. તબક્કા-2 અને 3ના કામો ચાલતાં હતા.
છેલ્લા તબક્કાના કામો પાછળ લગભગ 6,000 કરોડનો ખર્ચો થવાનો અંદાજ મુકાયો હતો.

2019
20 જુલાઇ 2019 સુધીમાં 13 હજાર કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થઈ ગયો હતો. 3માંથી બે તબક્કાનું કામ પૂર્ણ થઇ ગયું હતું.

2017
મે 2017માં કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વોટર કમિશન એક્સટર્નલ આસિસ્ટન્સ ડિરેક્ટોરેટ દ્વારા ફંડ આપવાની ના પાડી દીધી હતી. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માગ્યા હતા રૂ. 6,399 કરોડ માંગ્યા હતા. વડાપ્રધાન મોદીએ 30 ઓગસ્ટ 2016ના રોજ રાજકોટ ખાતે આ યોજનાના પહેલા ફેઝનું ઉદઘાટન કર્યું હતું. 17 એપ્રિલ 2017માં તારીખે બોટાદ ખાતે ફેઝ-1ની લિંક-2ને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમજ ફેઝ-2ની લિંક-2નું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. મોદીએ ઉદઘાટન કર્યું ત્યારે જ મોદીને ખબર હતી કે સૌની યોજના માટે નર્મદામાંથી પાણી મળી શકે તેમ નથી. છતાં રૂ.18 હજાર કરોડ ખર્ચી નાંખીને જે ખેતરમાં પાણી જવું જોઈથું હતું તે નદીઓમાં ઠાલવી દીધું. તળાવો ભરીને પાણી નહેરોમાં જવા ન દેવાયું.

ત્રણ રાજ્યોને અંધારામાં રાખ્યા
મધ્યપ્રદેશ પોતાનો ભાગ પૂર્ણરૂપે ઉપયોગમાં લે છે. ત્યારે વધારાનું પાણી કઈ રીતે મળશે તે ગુજરાત સરકાર દ્વારા યોજનામાં દર્શાવાયું નથી.
સૌની યોજનાના પ્રોજેક્ટ માટે અન્ય રાજ્યો સાથે ગુજરાત સરકારે વાતચીત કરી ન હતી. સૌની યોજના માટે ગુજરાત સરકારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી અને અન્ય રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રને વિશ્વાસમાં લીધા ન હોવાનું પણ જણાવ્યું હતું. આમ મોદીએ યોજના જાહેર કરતાં પહેલાં આ ત્રણ રાજ્યો સાથે ચર્ચા કરવી જરૂરી હતી. છતાં ન કરી. તેથી યોજનાનું ખર્ચ ગુજરાતની પ્રજાએ જ કાઢવું પડ્યું હતું. આમ સૌની યોજના સફેદ સિંહ પુરવાર થઈ છે.

કેન્દ્ર સરકારની ટેક્નિકલ ઓથોરિટી ઓફ સેન્ટ્રલ વોટર કમિશન(CWC) દ્વારા આ પ્રોજેક્ટની ફિઝિબિલિટી અંગે નેગેટિવ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ‘ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સોંપવામાં આવેલ ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ(DPR)માં પ્રોજેક્ટની ફિઝિબિલિટી અંગે ટેક્નિકલ ડિટેઇલ પૂરતી ન હોવાથી આ પ્રપોઝલને રીજેક્ટ કરવામાં આવી છે.

પાણી વધારે બતાવ્યું
પાણીની કૂલ જરૂરીયાતના 50% અન્ય સ્ત્રોત પર આધારીત છે. CWC દ્વારા કહેવામાં આવ્યું છે કે ચોમાસા દરમિયાન નર્મદામાં રહેતું વધારાનું પાણી વાળવાનું હતું પણ ગુજરાતને આપવામાં આવેલો 9 MAF(મિલિયન એકર ફીટ) કરતા 1 MAF વધુ છે.

બંધમાં પુરતું પાણી જ નથી
એવો આરોપ છે કે, CWCએ સૌની પ્રોજેક્ટ હેઠળ દર્શાવાયેલા પાણીના સંગ્રહની ક્ષમતા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. સરવેમાં ડેમ અને તળાવની મુળ ક્ષમતાનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે હાલની તેની ક્ષમતા કેટલી છે તે અંગે કંઈ જણાવાયું નથી. જેથી ખરેખર કેટલું પાણી સ્ટોર કરવાની ક્ષમતા છે તે અંગે આંકડાકીય માહિતી ખોટી પૂરવાર થાય છે. લાઈવ કેપેસિટી સાહિત કરવી જોઈએ. પુરું પાણી ન હોવા છતાં મોદીએ યોજના બનાવી દીધી અને હવે તળાવોમાં પાણી પહોંચતું નથી.

ખામી
CWCએ કહ્યું કે પ્રોજેક્ટ DPRમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા દરેક રાજ્યોના ભાગનો ઉલ્લેખ કરીને ત્યાર બાદ ગુજરાતના ભાગના પાણીના જથ્થાની ગણતરી સાથે પ્રોજેક્ટની અમલાવારી કરવી જોઈએ. કમિશને ગુજરાત સરકારને ફરી એકવાર DPRમાં ડુપ્લિકેશન અને અન્ય આંકાડાકીય માહિતી યોગ્ય કરવા જણાવ્યું હતું.

સરકાર ખર્ચશે
કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને ટેક્નિકલ બેઝ પર રીજેક્ટ કરીને ફંડ આપવાની ના પાડી દીધા બાદ ગુજરાત સરકાર પ્રોજેક્ટ માટે 100% ફંડ કાઢી રહી છે. આમ મુખ્ય પ્રધાન મોદીનું અણઘડ આયોજન તેની જ સરકારે વડાપ્રધાન તરીકે ખુલ્લું પાડ્યું હતું.

2014
ચારેય લીન્કના મળી આશરે 230 કિ.મી. લંબાઈના પાઈપ કેનાલના કામો માર્ચ- 2014થી શરૂ કરવામાં આવેલા હતા.

મોદીનું અણઘડ આયોજન
2011-12માં યોજના બનાવી હતી. જે 2013ની વિધાનસભાની ચૂંટણીમાં મત ખંખેરવા હતી. પછી લોકસભાની ચૂંટણી જીતવા તેનો ઉપયોગ 2014માં કરવામાં આવ્યો હતો. ફરી 2019ની લોકસભાની ચૂંટણીમાં સૌની યોજના રાજકીય મત ખેંખરવાની યોજના બનાવી દેવામાં આવી હતી. જ્યારે યોજના બની ત્યારે મોદી જાણતાં હતા કે સૌની યોજનાની પાઈપલાઈનમાં નર્મદાનું પાણી આપી શકાય તેમ નથી. છતાં તેમણે 6 ચૂંટણીઓ જીતવા માટે સૌની યોજનાનો સહારો લીધો હતો.

ખર્ચ કેમ વધી ગયું
સૌની યોજનાના પ્રાથમિક વહિવટી મંજૂરી મેળવવા સમયે પાઈપલાઈનની લંબાઈનો પ્રાથમિક સરવે કરવામાં આવ્યો હતો. તેમ જ પ્રથમ અને બીજા તબક્કા દરમિયાન વિગતવાર સરવે કરતા નકશા અંદાજમાં પાઈપલાઈનની લંબાઈમાં વધારો થયો હતો. આમ મોદી સરકારનું આયોજન અણઘટ હતું. વિજળીનો ખર્ચ ગણતરીમાં ન લીધો ન હતો. રાઈટ ઑફ યૂઝના ખર્ચની તથા વીજ જોડાણ અને વીજ લાઇનના ખર્ચે ગણતરીમાં લીધો નહતો. તેથી ખર્ચમાં વધારો થયો હતો.

27 વર્ષનો વિલંબ
નર્મદા ડેમ ઉપરથી વધારાનું પાણી ચોમાસામાં વહી ન જાય તે માટે સરકારે ગુજરાતના ડેમો ભરવા ઉત્તર ગુજરાતમાં એક મિલિયન એકર ફિટ સૌરાષ્ટ્રમાં એક મિલિયન એકર ફિટ અને કચ્છ માટે એક મિલિયન એકર ફીટ પાણીનું આયોજન કર્યું હતું. રાજ્ય સરકારે 27 વર્ષમાં આ પાણીનો ઉપયોગ કરવા અને મોડા મોડા આ યોજનાને સૌની યોજના નામ આપી સૌરાષ્ટ્ર માટે સૌની પાઈપલાઈન યોજનાને અમલ કરવા માટે વર્ષ 2013માં 10,000 કરોડ રૂપિયાનો પાઈપલાઈન પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો.

કામમાં ગોબાચારીઃ-
પાઈપલાઈનના SOR જે હતા. ભાવવધારો ના થયો હોવા છતાં ઠેકેદારોને રૂ. 2,000 કરોડનો ફાયદો કરાવ્યો હતો. આના કારણે આ 10,000 કરોડની યોજના 18563 કરોડ રૂપિયાની અંદાજવાની થઈ ગઈ હતી. જે 2024માં લગભગ બમણી થઈ ગઈ છે. 20 હજાર કરોડનો ખર્ચ થયા છતાં આજે પણ આ પાઈપ લાઈન મારફત સૌરાષ્ટ્રના જે ડેમો ભરવાના હતા તે ભરી શકાયા નથી.

પાણી ન અપાયું, તળાવો ખાલી
સૌરાષ્ટ્રના 115 ડેમોમાંથી વાસ્તવમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ કેટલું પાણી ભરાયું તે જાણવું ખૂબ જ મહત્ત્વનું છે.
કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં સરકારે કબુલ્યું હતું કે, 2017-18 માં 4,871 એમસીએફટી પાણી જ્યારે 2018-19માં 6,789 એમસીએફટી પાણી આપવામાં આવ્યું હતું. બે વર્ષમાં 11,660 એમસીએફટી પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં આપવામાં આવ્યું હતું. ખરેખર તો 43,500 MCFT પાણી ભરાવું જોઈતું હતું. 30 ટકા પાણીનો જથ્થો પણ પૂરતો આવ્યો નથી. યોજના દ્વારા સૌરાષ્ટ્રના તળાવો ભરાતાં નથી.
આ વિગતો છુપાવવા માટે સિંચાઇ વિભાગે તેની વેબસાઈટ પર 2013 પછીની સિંચાઈની વિગતો જાહેર કરી નથી. 10 વર્ષથી આ હકીકતો છૂપાવવામાં આવી રહી છે.

મોદીનું ભાષણ – 2017
નરેન્દ્ર મોદી કેવા જુઠાણા ચલાવી શકે છે તે સૌની યોજના શ્રેષ્ઠ ઉદાહણ છે.
સૌરાષ્ટ્ર-કચ્છની પાણીની અછત દૂર કરતી યોજનાનું લોકાર્પણ કરતા મોદીએ જણાવ્યું હતું કે પૂર્વજોએ આપણા માટે પાણી બચાવ્યું આપણે બાળકો માટે પાણી બચાવવાનું છે. વડાપ્રધાન બન્યા બાદ 2016માં ગુજરાતમાં મોદીની આ પહેલી જાહેર સભા હતી. ‘સૌની’ યોજના દેશ માટે ગૌરવરૂપ ઘટના છે. સૌરાષ્ટ્રમાં નર્મદા યોજનાના કારણે છેલ્લાં વર્ષોમાં કપાસના પાકમાં 370 ટકા અને મગફળીના પાકમાં 600 ટકા સુધીની વૃદ્ધિ થઈ છે. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રનો ખેડૂત સિઝનમાં 3 પાક લેતો થઈ જશે.

અટલ બિહારી વાજપેયીની દેશની નદીઓ જોડવાની યોજના પણ આઅમલમાં મૂકાશે અને વરસાદનું પાણી દરિયામાં વહી ન જાય તે માટે કેન્દ્ર સરકાર અને જે રાજ્યમાં ભાજપની સરકાર છે ત્યાં કોઈ કસર નહીં છોડે.

વડાપ્રધાન મોદીએ ‘નર્મદે, સર્વદે’ના ઘોષ સાથે ભાષણની શરૂઆત કરી હતી.
સૌની યોજના જમીનમાંથી સોનું પેદા કરશે. સૌની યોજના જમીનમાંથી સોનું પેદા કરવાની તાકત ધરાવે છે.

ફેબ્રુઆરી 2014માં કામ શરૂ થયું. સૌરાષ્ટ્ર ઉંધી રકાબી જેવું છે. જસદણ અને ચોટીલા ઉપર અને બાકીનું સૌરાષ્ટ્ર નીચેની બાજુએ છે. પાણીને ઉપર ચડાવવું તે ટેક્નિકલ અને એન્જિનિયરિંગની આ સિદ્ધિ દરેક ગુજરાતી તથા પાણીનું મહત્વ સમજતા તમામ દેશવાસીઓએ ગર્વ કરવા જેવી છે.

એક નદી કેટલું પરિવર્તન લાવી શકે, તે આપણને નર્મદા મૈયાએ શીખવ્યું છે.
પાંચ સાત વર્ષ આપણે પાણી પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
115 ડેમ સૌરાષ્ટ્રની કાયાપલટ કરી નાખશે
જમીન એટલી જ છે, ખેડૂતો એ છે. છતાં ઉત્પાદન વધ્યું છે. કારણ કે પાણી અહીં પહોંચ્યું છે.
કલ્પના કરો કે 115 ડેમમાં પાણી ભરાઈ જશે એટલે સૌરાષ્ટ્રની કાયાપલટ થઈ જશે અને દ્રશ્ય બદલાઈ જશે.

યોજના શું છે
સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઇ યોજના (સૌની યોજના : 2013-14)

નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય નહેર અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોચાડવા કુલ 1126 કિ.મી. લંબાઇની ચાર પાઇપ લાઇન લીન્ક ધ્વારા સૌરાષ્ટ્રના 11 જીલ્લાના 115 જળાશયો સુધી પહોંચાડવાનું હતું. જેમાં 10 લાખ 22 હજાર એકર ખેતરોમાં સિંચાઇ થવાની હતી.

લીન્ક- 1
મોરબી જિલ્લાના મચ્છુ- 2 થી જામનગર જિલ્લાની સાની સુધીની લીન્ક છે. જેમાં 1200 કયુસેકસ પાણી લઈ જલાની ક્ષમતા છે. આ પાઈપલાઈન રાજકોટ , મોરબી , દેવભુમિ દ્વારકા અને જામનગર જિલ્લાના 30 જળાશયોમાં પાણી પહોચાડવાનું હતું. જેમાં 2 લાખ 2 હજાર એકર વિસ્તારમાં સિંચાઇ થવાની હતી.

લીન્ક- 2
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો- 2 ડેમથી અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધીની લીન્ક છે. જેમાં 1050 કયુસેકસ પાણીની ક્ષમતા ધરાવે છે. લીંક ધ્વારા ભાવનગર , બોટાદ અને અમરેલી જિલ્લાના 17 જળાશયોમાં પાણી પહોચાડવાનું હતું. જેમાં 2 લાખ 75 હજાર એકર ખેતરોમાં સિંચાઇ થવાની હતી.

લીન્ક- 3
સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમથી રાજકોટ જિલ્લાના વેણુ- 1 સુધીની લીન્ક પાઈપલાઈન છે. જે 1200 કયુસેકસ પાણી લઈ જવાની ક્ષમતા ધરાવે છે. પાઈપ ધ્વારા રાજકોટ , જામનગર , પોરબંદર ,દેવ ભુમિ દ્વારકા , મોરબી અને સુરેન્દ્રનગરના 28 જળાશયોમાં પાણી પહોચાડવાનું હતું. જેમાં 2 લાખ એકર ખેતરોમાં સિંચાઇ થવાની હતી.

લીન્ક- 4
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો 2 બંધથી જૂનાગઢ જિલ્લાના હીરણ 2 સિંચાઇ યોજના સુધીની લીન્ક છે.

1200 કયુસેકસ પામી વહન ક્ષમતા ધરાવતી પાઈપ છે. જેના ધ્વારા રાજકોટ , સુરેંદ્રનગર , જુનાગઢ , ગીર સોમનાથ , પોરબંદર , બોટાદ અને અમરેલી જિલ્લાના 40 તળાવોમાં પાણી પહોચાડવાનું હતું. જેનાથી 3 લાખ 50 હજાર એકર ખેતરોમાં સિંચાઇ થવાની હતી.

કુદરત રૂઠી
રાજયમાં 185 નદી આવેલી છે. 55,608 દસ લાખ ઘન મીટર છે. જેમાંથી 38100 દસ લાખ ઘન મીટર ભૂપૃષ્ઠ જળ છે. ભારતના પાણીનો માત્ર 2% થાય છે. ગુજરાતના કુલ પાણીમાંથી ગુજરાત પ્રદેશમાં 89 ટકા પાણી, સૌરાષ્‍ટ્રમાં 9 ટકા અને કચ્‍છમાં 2 ટકા પાણી છે.

રાજયની ભૂગર્ભ જળસંપત્તિ 17,508 દસ લાખ ઘન મીટર છે. 80 ટકા પાણી ખેતરોમાં વપરાય છે.

સૌની યોજના સાવ નિષ્ફળ
https://allgujaratnews.in/gj/%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80/