206 વર્ષ જૂની અમરેલી ખાતે આવેલ એક વખતની જુની સબજેલની ઊંચી દીવાલો અને સાત જેટલા કોઠા ધરાવતી આ જુની જેલનું બિલ્ડીંગ અતિ જર્જરીત થઈ જતાં આ સબજેલને અત્રેનાં ઓપન જેલની બાજુમાં જિલ્લા જેલ બનાવી ત્યાં તમામ કેદીઓને ફેરવવામાં આવેલ છે. અને જુની જેલનાં બિલ્ડીંગને તોડી પાડી ત્યાં જિલ્લા હોમગાર્ડ કચેરી, એસઓજી, જિલ્લા ટ્રાફીક પોલીસ વિગેરે પોલીસની કચેરીઓ માટે બિલ્ડીંગ બનાવાશે.
અમરેલી ખાતે આવેલ જુની સબજેલનું ઐતિહાસિક બિલ્ડીંગ આજથી ર06 વર્ષ અગાઉ રૂા. 30 હજારનાં ખર્ચે બનાવવામાં આવેલ હતું. આ જેલમાં અમરેલી જિલ્લાનાં કાચા કામનાં કેદીઓને રાખવામાં આવતા હતા.
આ જુની સબજેલની ર0 ફૂટ કરતાં પણ ઉંચી દિવાલો હતી. આ દિવાલની ઉપર લોખંડનું વાયર ફેન્સીંગ કરી તેમાં પણ ઈલેકટ્રીક શોક પસાર કરવામાં આવતો હતો. જેથી આ જુની સબજેલમાંથી કોઈ કાચા કામનો કેદી ભાગી શકે નહી.
વર્ષો અગાઉ અમરેલી ખાતે માત્ર એક જ સબજેલ હતી જેના કારણે સમગ્ર જિલ્લામાં બનતી કોઈ પણ ઘટનાનાં કાચા કામનાંકેદીઓને માત્ર આ જુની જેલમાં રાખવામાં આવતાં.
છેલ્લા ઘણા વર્ષ સુધી તો જેલમાં કેદીઓની મર્યાદાની સંખ્યા કરતા વધારે કેદીઓને સમાવવામાં આવતા હતા. જેને લઈ જેલ સ્ટાફનાં અધિકારીઓ તથા કર્મચારીઓને ભારે મુશ્કેલી અનુભવવી પડતી હતી. જયારે આ જેલમાં રહેલા કાચા કામનાં કેદીઓ પણ ભારે અગવડતા ભોગવતાં હતા. જેને લઈ અનેક રજુઆતો બાદ નવી જિલ્લા જેઈલ બનાવવામાં આવી હતી.
થોડા વર્ષ અગાઉ આટલી ઉંચી દિવાલો હોવા છતાં આ જેલનાં કાચા કામનાં કેટલાંક કેદીઓ ચાદર અને ગોદડાનાં દોરડા બનાવી જેલની દિવાલો ઠેકી ભાગી ગયા હતા. આમ છતાં પણ પોલીસે આ નાશી છુટેલા કાચા કામનાં કેદીઓને ઝડપી લઈ ફરી જેલમાં પુરી દીધા હતા અને ગણતરીનાં દિવસોમાં તમામ કેદીઓને જુની સબજેલમાંથી નવી જેલમાં ફેરવી નાખી તાત્કાલીક નવી જેલનાં બિલ્ડીંગને કાર્યરત કરી દેવામાં આવેલ.
ખુંખાર આરોપી પણ આ જુની જેલમાં પ્રવેશતા જ થરથર કાંપે તેવું આ અતિ ઐતિહાસિક બિલ્ડીંગ આજે અતિ જર્જરીત થઈ જવા પામેલ છે. પહેલાં ખુંખાર કેદીઓ ધ્રુજતા હતા આજે આ બિલ્ડીંગ જર્જરીત થઈ જવાનાં કારણે ધ્રુજે છે.
આ ઐતિહાસિક અને ર06 વર્ષ જુના બિલ્ડીંગને ઘ્વંશ કરવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે