2018 વર્ષની વિદાય – ખેડૂતોનો બુલેટ ટ્રેન સામે જંગ

2018નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં જો કોઈ પોતાના હક્ક માટે સૌથી વધું કોઈ લડ્યું હોય તો તે બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીન આંચકી લેવામાં આવી રહી છે તે ખેડૂતો લડ્યા છે. આ એક વર્ષમાં ખેડૂતોનો જંગ કેવો રહ્યો તે વિદાય થતાં વર્ષ માટે યાદગાર બની રહ્યો છે. 196 ગામના 5000 ખેડૂતોએ તાલુકા અને જિલ્લા પ્રમાણે જંગ ખેલ્યો છે. કોઈ સ્થળે એકી સાથે તેનો વિરોધ તમામ ખેડૂતોએ કર્યો નથી. આ આંદોલનની આ ખૂબી રહી છે.

સરકારે વડી અદાલતમાં કહ્યું બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીન લેવામાં કૂલ રકમના 50 ટકા વધુ અપાશે જ્યારે મહેસૂલ પ્રધાને તે જ દિવસે જાહેર કર્યું કે જમીનના 4 ગણા ભાવ આપવામાં આવશે. આમ સરકાર ખેડૂતો માટે જાહેરમાં અને કાનૂની દાવા માટે અલગ ધોરણ અપનાવી રહી છે. જે બતાવે છે કે, સરકાર કંઈક છૂપાવી રહી છે અને ખેડૂતોને છેતરી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં જમીન સંપાદનને લઈને વિરોધ કરી રહ્યાં છે. સરકાર અને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને આ પ્રોજેક્ટ હેઠળ જમીન આપનાર ખેડૂતને કુલ રકમ ઉપરાંત વધુ 50 ટકા રકમ ચુકવવામાં આવશે તેમ જણાવ્યું છે. અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનને લઈને ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી જમીન આપવા સામે વિરોધ કરી રહ્યાં છે. સંપાદીત જમીનનું યોગ્ય વળતર નહીં મળતું હોવાના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી.

સરકારે ગુજરાત વડી અદાલતમાં કહ્યું હતું કે, ખેડૂતોને 50 ટકા વધુ વળતર જમીનનું ચુકવવામાં આવશે. 2011ની જંત્રી પ્રમાણે નહીં બજાર કિંમત ચુકવવામાં આવશે. આવકવેરા વિભાગ દ્વારા આકરણી કરવામમાં આવશે. જ્યારે મહેસૂલ પ્રધાન કહે છે કે, 508 કિલોમીટરના માર્ગમા આવતા 196 ગામની જમીન સંપાદન કરવામાં ગામમાં 4 ગણા અને શહેરની જમીનના 2 ગણા ભાવ આપવાનું સરકારે નક્કી કર્યું છે.

જો આમ જ સરકારનો દાવો સાચો હોય તો ખએડૂતો રાજ્યભરમાં વિરોધ કેમ કરી રહ્યાં છે. તે એક સવાલ છે. રાજ્ય સરકાર આ અંગે જાહેરનામું બહાર પાડવાની હતી જે હજુ સુધી બહાર પાડી શકી નથી.

કેટલી જમીન

બુલેટ ટ્રેનના 508.17 કિલોમીટરના કોરિડોરમાંથી 155.76 કિલોમીટર લાંબો કોરિડોર મહારાષ્ટ્રમાં પસાર થાય છે. ગુજરાતના 348.04 કિલોમીટર અને દાદરા નગર હવેલા 4.3 કિલોમીટર વિસ્તારમાં રેલવેને જમીન મેળવવાની થાય છે. આ કોર્પોરેશનને ગુજરાતમાં 298 ગામોમાંથી 1434 હેક્ટર અને મહારાષ્ટ્રના 104 ગામોમાંથી 350 હેક્ટર જમીન સંપાદન કરવાની થાય છે.

રૂ.900 કરોડનું વળતર

ખેતીની જમીનનું ખેડૂતો માંગી રહ્યાં છે એવું રૂ. 900 કરોડનું વળતર આપવું ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા તેમાં કાપ મૂકીને માત્ર રૂ. 200 કરોડ આપવાની ગણતરી કરવામાં આવી રહી છે. તેથી ગુજરાત સરકાર અને ખેડૂતો વચ્ચે જમીનની લડાઈ ચાલી રહી છે. જો ટ્રેન માટે રૂ. 1.20 લાખ કરોડ ખર્ચવામાં આવતાં હોય તો જેમની જમીન જઈ રહી છે તેમને રૂ. 900 કરોડ જેવી રકમ કેમ આપવામાં આવતી નથી એવું 5000 હજાર જેટલાં ખેડૂતો પૂછી રહ્યાં છે.

8 જિલ્લાના 196 ગામોની 680થી 800 હેક્ટર જેટલી જમીન સંપાદન કરવા ગુજરાત સરકાર વળતર આપવા માગે છે પણ તે જંત્રી પ્રમાણે છે. ખરેખર તો બજાર કિંમત તો જંત્રીથી સાત ગણી વધારે છે. 185 ગામડાંઓ અને શહેરોની જમીન સંપાદન માટેની બીજા તબક્કાની કાર્યવાહી પૂરી થઈ છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. એક હજાર ખેડૂતોએ તો જમીન નહીં આપવા માટે ગુજરાતની વડી અદલતમાં સોગંદનામું આપતાં જાપાન કંપનીએ કેન્દ્ર સરકારને લોનનો હપતો આપવાનો ઇનકાર કરી દીધો હકતો.  જમીન મેળવી લેવાય પછી જ નાણાં આપવાનું જાપાન સરકારે જાહેર કરતાં રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર ભીંસમાં મૂકાઈ છે. તેથી હવે ખેડૂતોને વધુ વળતર આપવાની જાહેરાત કરે છે. કેવા પ્રકારનું વળતર આપવું તે હજુ જાહેર ન કરીને સરકાર કંઈક છૂપાવવા માગે છે એવું તેના પરથી સ્પષ્ટ થાય છે. આજે અનેક યોજનાઓમાં ખેડૂતોની જમીન ગઈ છે તેમને અનેક કિસ્સામાં વળતર આપવામાં આવ્યું નથી. તેથી ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી.

કોર્ટમાં શોગંદનામાં

ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, વિપુલ પટેલ, મહામંત્રી મહેન્દ્ર કરમરીયા સહિતના આગેવાનોએ બેઠક યોજી હતી. દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં 1,200 જેટલા ખેડૂતોએ જમીન નહીં આપવા સોગંદનામું કરીને હાઇકોર્ટમાં રજૂ કર્યા હતા.

અગાઉ ત્રણ વખત આ રૂટ ઉપર ખેડૂતોની જમીન નેશનલ હાઇવેના કપાતમાં ગઈ છે. હવે વધુ એક વખત તેઓ પોતાની જમીન જતી કરવા તૈયાર નથી. ગુજરાતમાં બુલેટ ટ્રેન શરૂ થવાની છે એમાંથી 3,800 ખેડૂતોએ વાંધા રજૂ કર્યા છે. આજુબાજુ જે અનામત જમીન રાખવાની છે તે મોટા પ્રમાણમાં જઈ રહી છે. આ રિઝર્વ જમીન અંગે ખેડૂતોને કોઈ માહિતી આપવામાં આવી નથી. કેટલી જમીન જઈ રહી છે એ પણ ખેડૂતોને જણાવવામાં આવ્યું નથી. સરકાર શું ભાવે એમની જમીન લઈ લેવા માંગે છે એ પણ જાહેર કરવામાં આવ્યું નથી.

કાયદાનો ભંગ અને જંગ

1- પેસા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે આદિવાસી વિસ્તારમાં પેસા કાયદો લાગુ નહીં કરવા માટે જાહેરનામું બહાર પાડી દીધું અને પેસા કાયદો અધ્ધર કરી દીધો. પેસા દાયદો એ બંધારણીય કાયદો છે અને તે રાજ્ય સરકાર દૂર કરી શકે નહીં.

2- ગ્રામ પંચાયતોની મંજૂરી લેવામાં આવી નથી.

3- જંગલ જમીન અધિકાર કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આદિવાસી વિસ્તારોમાં જે જમીન હોય અને તે ખેડતા હોય તો તે સમૂહની જમીન ગણાય છે. એટલે કે જમીનના માલિકી હક્ક સામૂહિક છે. તે માટે સામૂહિક કે વ્યક્તિગત રીતે દાવાઓનો નિકાલ રેલ કંપનીએ કર્યો નથી કે ગુજરાતના જિલ્લા કલેક્ટર દ્વારા પણ કરાયો નથી. સમૂહની જમીનનું વળતર કઈ રીતે આપવામાં આવશે તે અંગે ગુજરાત અને મહારાષ્ટ્રની સરકાર મૌન છે. તેમને તો આદિવાસી નથી જોઈતા શ્રીમંતોની બુલેટ ટ્રેન જોઈએ છે.

4 – જંગલ નીતિનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે નક્કી કરેલી જંગલ નીતિનો સરેઆમ ભંગ બુલેટટ્રેનમાં થઈ રહ્યો છે. અગાઉ સરકારે જ્યાં જંગલની જમીનો હસ્તગત કરી છે તેનું વળતર આપવાનું નક્કી કરેલું છે તે પણ સરકાર પાસે જમા છે. જેમાં સમગ્ર ભારતમાં ફંડનો હિસાબ રૂ.50,000 કરોડ જેટલો છે. તે વાપરવા માટે નવો કાયદો બનાવ્યો તેમાં પણ અગાઉના કાયદાઓનો ભંગ થાય છે.

5– કેન્દ્ર અને રાજ્ય સરકારે બનાવેલાં પર્યાવરણના કાયદાઓનું સરેઆમ ઉલંઘન થઈ રહ્યું છે.

6- પ્રદૂષણ નિયંત્રણના કાયદાનો ભંગ થઈ રહ્યો છે.

કામ શરૂ વળતર નહીં

જાપાનથી પ્રથમ કંસાઈમેન્ટ મુંબઈથી વડોદરા સ્ટેશને આવી પહોંચ્યું છે. આ કંસાઈમેન્ટમાં 20 સ્લીપર સ્લૈબ ટ્રેક છે, જેનું વજન 250 છે.

ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પર 15 ઓગસ્ટ, 2022 સુધીમાં આ પ્રોજેકટ પૂરો કરવો મુશ્કેલ છે. આ અંગે મળતી માહિતી મુજબ, આ યોજનાના એક નાના ભાગને ગુજરાતમાં સુરત થી બિલીમોરા વચ્ચેના રૂટને ચાલુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. જમીન સંપાદનના સિવાય અન્ય પ્રક્રિયામાં સમય લાગવાના કારણે આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ના થવાની આશંકા છે.

બુલેટ ટ્રેન પરિયોજના માટે વડોદરા સ્ટેશનની ડિઝાઈન બનીને તૈયાર છે. વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7ને તોડીને ખસેડવામાં આવશે. વડોદરામાં 17 કિલો મીટર રુટ પર સાઉન્ડ બૈરિયર્સ લગાવવામાં આવશે, જેનાથી બુલેટ ટ્રેનનો અવાજ ટ્રેકની આગળ નહી જાય.

આણંદના ગામોનો વિરોધ

1 મે 2018માં સરકારે જાહેર કર્યું હતું કે, અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ માટે પ્રાથમિક જાહેરનામું  બહાર પડી બંને બાજુએ 8.75 મીટર જમીન સંપાદન કરાઈ રહી છે. જમીન-મકાન ગૂમાવનાર અસરગ્રસ્તને વળતર ચૂકવાશે પણ તે અંગે હજુ કંઈ કર્યું નથી. જાપાનની કંપનીઓ મુંબઇ-અમદાવાદ વચ્ચે રેલવે ટ્રેકની આસપાસની જમીનોનો સોઇલ ટેસ્ટ તેમજ જમીન સંપાદન કરવા માપણી હાથ ધરી છે. આણંદ જિલ્લામાં 11 ગામોની 52 હેકટર જમીન સંપાદન કરવાનું નક્કી થતાં જ આણંદમાં ટાઉનહોલ ખાતે NHRCL, વડોદરાના ચીફ પ્રોજેકટ મેનેજર, જાપાન ઇન્ટરનેશનલ કો-ઓ. એજન્સી સાથે બેઠક કરી હતી. જેમાં રાજુપુરા, વાસદ, આંકલાવડી, અડાસ, રામનગર, મોગર, વઘાસી, ચિખોદરા, ગામડી, સામરખા અને બોરીયાવીનો સમાવેશ થાય છે.

જેમાં ખેડૂતોએ માંગણી કરી હતી કે, જંત્રી પ્રમાણે જમીનની કિંમત નકકી કરવામાં આવે, જમીન જાય છે તેમના કુટુંબને રોજગારી આપવી, વળતરના બદલે રોયલ્ટી આપવી, નક્કી કરેલી જમીન કરતાં વધું જમીન ન લેવામાં આવે. કલ્કેટરે કંઈ ન કરતાં 18  ઓક્ટોબર 2017માં આણંદના 10 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અગાઉ એક્સપ્રેસ હાઈવે વખતે પણ ખેડૂતોની જમીન ગઈ હતી. તેમને પણ વળતર આપવામાં આવ્યું નથી.

બળજબરી

વલસાડ અને નવસારી જિલ્લામાં ખેડૂતોના ખેતરમાં ગેરકાયદે ઘુસીને બુલેટ ટ્રેનના માર્ગ બતાવતાં ખાંભા નાંખવામાં આવી રહ્યાં છે. વિસ્થાપિતોનો આંકડો ઊંચો છે છતાં તે સરકાર છુપાવી રહી છે. વલસાડ જિલ્લાના જ 1,695 કુટુંબોને આ યોજનાથી અસર થવાની છે. જો એટલે કે 8,000 લોકો માત્ર વલસાડમાં અસર થઈ રહ્યા છે. ગુજરાતના માર્ગ પર 80,400 વૃક્ષો કાપવા પડશે. નવસારી અને વલસાડની શ્રેષ્ઠ જાતની આ ફુલ કેરી અને લાડવા ચીકુના બગીચામાં પાકે છે.

કાયદો જ બદલી નાંખ્યો

જમીન સંપાદન, પુનઃવસન અને સ્થાપન કાયદો 2013 હઠળ કેન્દ્ર સરકારે યોગ્ય વળતર અને પારદર્શક રીતે જમીન સંપાદન કરવાની હોય છે. રાજ્ય સરકાર કોઈ પણ પ્રોજેક્ટ માટે જ્યારે જમીન મેળવે તે પહેલાં પ્રોજેક્ટની સામાજિક અસર અંગે અભ્યાસ અને મૂલ્યાંકન કરવું પડે છે. જે અસરગ્રસ્ત હોય તેના ઓછામાં ઓછા 70%ની સંમતિ જે તે પ્રોજેક્ટ માટે મેળવવાની જરૂર છે. ગુજરાત સરકારે આ કાયદામાં 2016માં કરેલા સુધારામાં, સામાજિક માળખાકીય સુવિધાઓ અને ઔદ્યોગિક કોરિડોરથી સંબંધિત, ચોક્કસ પ્રકારના પ્રોજેક્ટો માટે સંમતિ અને ફરજિયાત સામાજિક અસરની આકારણી પરની કલમો દૂર કરી છે. આમ લોકોના અધિકાર હતા તે ગુજરાત સરકારે છીનવી લીધા છે. જેનો પહેલો મોટો અમલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જુલમી રીતે થઈ રહ્યો છે.

નોટિસ આપી

તમામ જિલ્લાઓમાં યોજનાની અસર અંગે નોટિસ આપવામાં આવી હતી. નિયમ પ્રમાણે અખબારોમાં તેની જાહેરખબર પ્રકાશિત થઈ હતી. જમીનની સરવે નંબરની વિગતો આપવામાં આવી હતી. આ કાયદા હેઠળ, સત્તાવાર નોટિસ, બે સ્થાનિક અખબારો અને પંચાયતો અથવા મ્યુનિસિપાલિટીની કચેરીઓમાં પ્રકાશિત થઈ જાય તે પછી, જમીન-માલિકોને તેમના પ્લોટ્સના સંપાદન માટે કોઈ વાંધો આપવા માટે ઓછામાં ઓછા 60 દિવસ આપવામાં આવે છે. જોકે, વલસાડના પ્લોટ-માલિકો એવો દાવો કરે છે કે વાંધો ફાઇલ કરવા માટે તેમને ફક્ત 20 દિવસ કે તેથી ઓછો સમય આપવામાં આવ્યો છે. વાપી તાલુકામાં નોટિસ ઇશ્યુ કરવાની સત્તાવાર તારીખ અને 8 ઑગસ્ટ હતી. જેનો આખરી વાંધો રજૂ કરાવાની તારીખ 8 મે આપવામાં આવી હતી. પરંતુ 2 જુલાઇના રોજ નોટિસ તલાટી (મહેસૂલ અધિકારી) સુધી પહોંચી અને તે સમયે તલાટીએ કેટલાક ઝેરોક્ષ નકલો આપી હતી. એક સમયની પંચાયત કે જે હવે દક્ષિણ વલસાડમાં વાપી શહેર બની ગયું છે અને તે મ્યુનિસિપલીટી જાહેર થઈ છે. તેના એક ડૂંગરા નામના પરાના રહેવાસીઓ એવો દાવો કરે છે કે ઓછામાં ઓછા 500 પરિવારો આ શહેરમાં તેમના ઘરો ગુમાવશે. જો કોર્પોરેશન ડુંગરાના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં બુલેટ ટ્રેનનું વાપી સ્ટેશનનું નિર્માણ કરવા આગ્રહ કરે છે.

ખોટું અર્થઘટન

ઉત્તર વલસાડના ગમોમાં નોટિસ પત્રમાં વિસંગતતાઓ જોવા મળે છે. આ પત્ર એપ્રિલ 19નો છે પરંતુ વાંધા રજૂ કરવાનો સમય 9 જૂન આપવામાં આવ્યો છે. જે પૂરા 60 દિવસ થતો નથી. ગામ લોકોને સમયસર જાણ કરવામાં આવી નથી કે તેમની જમીન જઈ રહી છે તે માટે સરકાર શું કરવા માંગે છે. કેટલાકને છેલ્લી તારીખથી માત્ર બે દિવસ પહેલાં નોટિસની નકલો મળી હતી. તેથી ઘણાં લોકો પોતાના વાંધા પણ રજૂ કરી શક્યા નથી. ગ્રામવાસીઓને મોકલવામાં આવેલી સૂચનાઓ જમીન ખરીદવાની ઇરાદો વ્યક્ત કરવા વિશે ન હતા. તેમણે 60-દિવસનો સમય આપાવામાં આવ્યો નથી. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના દ્વારા નોટિસોએ માત્ર એટલું જ કહ્યું હતું કે જમીનોના સર્વેક્ષણ કરવામાં આવશે. કારણ કે અત્યાર સુધીમાં ઉપગ્રહ દ્વારા માત્ર સર્વેક્ષણો જ કર્યા છે. જમીન સંપાદન કરતાં પહેલા જાહેર સ્થળે જાહેર બેઠકો બે થી ત્રણ બોલાવવીને તેમાં સંપૂર્ણ પારદર્શક રીતે વિગતો જાહેર કરવાની હોય છે. પણ તેમ થયું નથી.

વલસાડ જિલ્લા કલેક્ટરની ઓફિસમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સ્થિતિ અંગે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનનો આંતરિક અહેવાલ પડેલો છે. અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રોજેક્ટ સત્તાવાળાઓએ અનેક વખત ખેડૂતો સાથે ચર્ચા કરી છે. પણ ખેડૂતો તેનો ઈન્કાર કરે છે. નવેમ્બરમાં વાપી બ્લોક કચેરીમાં, કોર્પોરેશનના પ્રતિનિધિઓ અને બ્લોકમાંથી પાંચ કે છ અન્ય લોકો સાથે તાલુકાએ બેઠક યોજી હતી. પરંતુ તે જાહેર સભા ન હતી. ખેડૂતોને સભામાં કોઈ પ્રશ્ન પૂછવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જમીન સંપાદન કાયદા 2013નો ભંગ કરીને ખેડૂતોની જમીન 2011ની જંત્રી પ્રમાણે વળતર આપીને સંપાદિત થઈ રહી છે. મૂળ કાયદામાં પુનઃવસન અને પુનઃસ્થાપનની જે શરતો હતી તે ગુજરાત સરકારે ઉડાડી દીધી છે. કાયદા પ્રમાણે આ પ્રકારના પ્રોજેક્ટના આવવાથી સમાજ ઉપર કેવી અસર થશે, તેને લાભ થશે કે ગેરલાભ, તે શરત પણ સરકારે કાઢી નાખીને કોઈ સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવામાં આવ્યું નથી.

ખેતરોમાં ઘુસ્યા

ક્યારેય ખેડૂતના ખેતરમાં ખાંભા નાંખવા માટે પરવાનગી લીધી નથી. ખાંભા નાંખી દીધા બાદ અધિકારીઓ કહે છે કે હવે આ જમીન પર તમારો કોઈ હક્ક નથી. ઘણાં ખેતરોમાં તો તેઓ રાતના આવે છે અને ત્યાં ટ્રેનની પથ રેખાના ખાંભા નાંખી જાય છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. જમીન સંપાદન શરૂ કરવાની રાજ્ય સરકારની શંકાસ્પદ પદ્ધતિઓના જવાબમાં, વલસાડ અને નવસારીના જમીન-માલિકો હવે તેમની જમીનો આપવા તૈયાર નથી. તે માટે વિરોધ કરે છે. 15 જૂનથી, વલસાડના ખેડૂતોએ વઘાલ્ધારા ગામમાં ઓછામાં બે મોટા વિરોધ કર્યા હતા, જમીન માપવા માટે સરવે હાથ ધરવા માટે રાષ્ટ્રીય હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનની ટીમો આવી હતી તેમને ગામ છોડી દેવાની ફરજ પડી હતી. રાજ્ય કક્ષાએ ગુજરાત ખેડુત સમાજએ અમદાવાદથી ડુંગરા સુધીના 22 જૂન, 192 ગામોમાં ચાર દિવસની ખેડૂત રેલીનું આયોજન કર્યું હતું.

ભારત પાસે આવું એન્જીન છે

બુલેટ ટ્રેનને ભદ્ર વર્ગ (એલીટ ક્લાસ) માટે જ છે. જેમાં સમાન્ય માણસો કે ખેડૂતો બેસી શકવાના નથી. ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે કહ્યું કે, ભારતીય રેલવેના એન્જિનિયર્સે એન્જિન વિકસાવ્યું છે, જે પ્રતિ કલાક 225 કિલોમીટરની ઝડપથી દોડી શકે છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચેના હાલના રેલવે ટ્રેકના આધુનિકીકરણ માટે માત્ર રૂ.25 કરોડનું રોકાણ કરવામાં આવે તો હાલના જ ટ્રેક પર 150 થી 200 કિલોમિટરની ઝડપથી ટ્રેન દોડાવી શકાય તેમ છે. તેથી 1.20 લાખ કરોડ ખર્ચીને ભારતને દેવાદાર બનાવવાની શું જરૂર છે.

જમીન આપી

પાદરા તાલુકાના ચાણસ્માનાં વતની 33 વર્ષથી જર્મનીમાં રહેતા સવિતાબેનને વડોદરા જિલ્લામાં સૌથી પહેલુ વળતર આપવામાં આવ્યું છે. 71 એકર જમીન છે જેમાંથી તેમણે 11.94 એકર જમીન આપી હતી તે માટે તેમને કુલ 8.44 કરોડની કિંમતની વળતર ચૂકવવામાં આવ્યું હતું.

નવી નોકરી

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લીમિટેડ શરૂઆતમાં (NHSRC)3500 નવી નોકરીઓ માટે ઈન્ટરવ્યુ ગોઠવશે. આ ભરતી માટે પાયલોટ, મેનેટેન્સ સ્ટાફ અને સિગ્નલ સ્ટાફ ઉપરાંત અન્ય ટેકનિકલ કામો માટે 13000 લોકોની ભરતી કરવામાં આવશે. બુલેટ ટ્રેનની ટ્રેનિંગ આપવા માટે ફેબ્રુઆરી 2019 સુધીમાં વડોદરામાં ટ્રેનિંગ સેન્ટર તૈયાર કરી દેવામાં આવશે, જેમાં 200 મીટરનો ટ્રેક મેડ ઈન જાપાનના સ્લેબમાંથી તૈયાર કરવામાં આવશે.

ટેન્ડર બહાર પડશે

2019ના જાન્યુઆરી મહિનામાં આ પ્રોજેક્ટ માટે 20થી વધુ ટેન્ડરો ઇસ્યુ કરે તેમ મનાય છે. રેલવે મંત્રાલયના આ કોર્પોરેશન દ્વારા કોચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિગ્નલિંગ, ટેકનોલોજી સહિત અન્ય ચીજવસ્તુઓ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડરોની કુલ રકમ 88 હજાર કરોડ નિયત કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં એક બ્રિજ બનાવવા માટે એક ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યું હતું. કુલ 508 કિલોમીટર લંબાઇના કોરિડોકમાં 60 જેટલા બ્રિજ બનાવવામાં આવશે. જાપાન ઇન્વેસ્ટમેન્ટ કો-ઓપરેશન એજન્સી બુલેટ ટ્રેનમાં 81 ટકાનું રોકાણ કરવાની છે. આ રોકાણ સામે તેનો વ્યાજદર 0.1 ટકા રાખવામાં આવેલો છે. આ ટ્રેનમાં 20 ટકા પાર્ટ્સ જાપાનના વપરાશે. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ એ મુંબઇનું બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન રહેશે. આ રેલવે સ્ટેશન ત્રણ માળ સુધી અંડરગ્રાઉન્ડ હશે.

ભાડું કેટલું

બંને શહેરો વચ્ચેનું અંદર 508 કિલોમીટર છે. જાપાનમાં ટોકિયો અને ઓસાકા વચ્ચે આશરે આટલું જ અંતર (550 કિલોમીટર) કાપવા માટે બુલેટ ટ્રેન ‘સિકનસેન’નું ભાડું 8,500 રૂપિયા છે. રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હાએ લોકસભામાં આપેલા લેખિત જવાબમાં કહ્યું હતું કે, બુલેટ ટ્રેનના પ્રથમ શ્રેણીમા વધુમાં વધુ ડિઝાઈન ગતિ કિલોમીટર પ્રતિ કલાકના હશે અને સંચાલન ગતિ 320 કિલોમીટર પ્રતિ કલાકના હશે.

બુલેટ ટ્રેનના બંને શહેરો વચ્ચેનું અંતર પસાર કરવા માટે બે કલાક સાત મિનિટ લાગશે. અને આ બંને શહેરો વચ્ચેના સ્ટેશનોએ ઉભા રહેવાના સમય સાથે 2 કલાક અને 58 મિનિટ થશે. માર્ગમાં કુલ 12 સ્ટેશનોની યોજના છે. ભારત સરકાર જાપાન પાસેથી 18 બુલેટ ટ્રેનો ખરીદવાની તૈયારી કરી રહી છે. આ ડીલ 7000 કરોડ રૂપિયાની થઈ શકે છે. આ ડીલ અંતર્ગત ટેક્નોલોજી ટ્રાન્સફર પણ કરવામાં આવશે, જેથી ભારતમાં બુલેટ ટ્રેન બનાવી શકાય. બુલેટ ટ્રેન જાપાનમાં બનશે. આ પ્રોજેક્ટમાં જાપાન સરકારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. બુલેટ ટ્રેન 2022ના અંતે શરૂ થશે. દરેક ટ્રેનમાં 10 ડબા હશે અને ટ્રેન કલાક દીઠ 350 કિલોમીટરની ઝડપે દોડશે.’ મુંબઈ-અમદાવાદ રૂટનો ઉપયોગ 18,000 પેસેન્જર્સ કરશે.