ગુજરાતનાં ગૌરવ સમાન અને રાજ્યની શાન ગણાતાં એશિયાટિક સિંહોનાં માથે મોટી ઘાત બેઠી હોય એવું લાગે છે. છેલ્લાં 16 દિવસમાં કુલ 21 સિંહોનાં મોત થયાં હોવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા સબ સલામતનો રાગ આલાપવામાં આવી રહ્યો છે. એક બાજુ એક પછી એક સિંહોનાં મોત થઈ રહ્યાં છે ત્યારે વન વિભાગની ટીમ દ્વારા માત્ર તપાસનું એક ડિંડક કરીને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. હકીકતમાં આ સિંહોનાં મોત માટે ભેદી વાઈરસ જ જવાબદાર છે તેમ છતાં પણ રાજ્યનું વન વિભાગ હજુ તે માનવા તૈયાર નથી.
દરમિયાનમાં વન વિભાગ દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ગિર(પુર્વ) વિસ્તારમાં આવેલ દલખાણિયા રેન્જ અને જશાધાર રેન્જમાં 12મીથી 19મી સપ્ટેમ્બરનાં સમયગાળા દરમ્યાન કુલ 11 સિંહોનાં મૃત્યુ નિપજ્યાં હતા, જે પૈકી સાત સિંહોનું મૃત શરીર જંગલમાંથી મળ્યાં હતાં, જ્યારે ચાર સિંહોનું સારવાર દરમ્યાન મૃત્યુ થયાં હતાં. આ સિંહોનાં પોસ્ટ મોર્ટમ રીપોર્ટ મુજબ સિંહોનાં મૃત્યુના કારણોમાં ઈન્ફાઇટીંગથી થતી ઈજા રેસપીરેટરી અને હિપેટીક ફેલ્યોર વગેરે પ્રમુખ કારણો દર્શાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, તે વિસ્તારમાં રહેઠાણ ધરાવતા અન્ય તમામ સિંહોનું આરોગ્ય ચકાસવાનાં હેતુસર તે વિસ્તારનાં સિંહોને રેસ્ક્યુ કરી જશાધાર રેસ્કયુ સેન્ટર ઉપર લાવી તેમની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. તમામ સિંહોનાં જુદા-જૂદા સેમ્પલો લઇ તેને નેશનલ ઇન્સ્ટીટ્યુટ વાયરોલોજી (એન.આઇવી) પૂના, વેટરનરી કોલેજ જૂનાગઢ તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જૂનાગઢને મોકલવામાં આવ્યાં છે. જેથી આ સિંહોનાં મૃત્યુ સાથે સંકળાયેલ તમામ બાબતોનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરી સિંહોનાં લાંબાગાળાનાં સંરક્ષણ માટે ત્વરીત પગલા લઇ શકાય.
સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે 24મી સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમ્યાન ૫૫૦ કર્મચારીઓની 140 જેટલી ટીમોએ આશરે 3000 ચોરસ કીલોમિટર વિસ્તારમાં ઈજાગ્રીસ્ત અને બિમાર સિંહોને શોધવા સિંહોનું સ્ક્રીનીંગ કર્યું છે. છેલ્લી સિંહોની વસ્તીગણતરીને ધ્યાને લેતા સિંહોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આશરે 600 જેટલા સિંહોનું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાંથી માત્ર 9 બિમાર સિંહ જોવા મળ્યાં છે, જે પૈકી 4ને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી છે. અને પાંચને રેસક્યુ સેન્ટર પર સારવાર માટે લાવવામાં આવ્યાં છે. દરમિયાનમાં ગીરમાં અન્ય કોઇ સ્થળે આવી બાબત નોંધાઈ નહિ હોવાનું મુખ્ય વન સંરક્ષક વન્યપ્રાણી વર્તુળ ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.
દરમિયાનમાં 20મીથી 30મી સપ્ટેમ્બર સુધી દલખાણિયા રેન્જનાં વનવિસ્તારમાંથી રેસ્ક્યુ કરીને લાવેલાં કુલ 10 સિંહોનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. ઈજા પામલાં રેસ્ક્યુ કરેલ તમામ સિંહોનાં લોહીના નમુના અને મૃત્યુ પામેલાં સિંહોનાં ટીસ્યુનાં નમુના નેશનલ ઈન્સટીટ્યુટ ઓફ વાયરોલોજી(એન.આઇ.વી.) પૂના તરફથી મળેલાં અહેવાલ મુજબ ચાર સિંહોનાં શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું છે. જ્યારે ૬ કેસોમાં વેટરનરી કોલેજ જૂનાગઢ તરફથી મળેલ અહેવાલ પ્રમાણે T I C K Sથી ફેલાતા કેટલાક પ્રોટોઝોઆ ઇન્ફે્કશન જોવા મળેલ છે. આ તમામ ઈન્ફેક્શન સરસીયા (ઋણીયો) વિસ્તારનાં સિંહો પૂરતું મર્યાદિત જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
વન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના પગલા રૂપે સરસીયા નજીક આવેલાં સેમરડી વિસ્તારમાં કાયમી નિવાસ કરતા તમામ સિંહોને રેસ્કયુ કરીને જામવાળા રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવવામાં આવ્યાં છે. તેમજ તેમને આઇસોલેટ કરવા( એકાંતમાં રાખવા), ઈન્સ્યુલેટ કરવા(બિમારીથી રક્ષણ આપવા) તેમજ તેમના ઉપર આવી કોઇ બિમારીની અસર થઈ છે કે કેમ તેનું અવલોકન કરવા તેમજ જરૂર જણાય તે કિસ્સામાં સારવાર કરવાનાં હેતુસર રેસ્ક્યુ સેન્ટરમાં અવલોકન હેઠળ રાખવામાં આવ્યાં છે. સેમડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલાં 31 સિંહોમાં પ્રથમ દ્રષ્ટીએ બીમારીનું કોઇ પ્રમાણ જોવા મળ્યું નથી અને તમામ સિંહો હાલમાં સ્વસ્થ હોવાનું કહેવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા નિષ્ણાતોની સેવા મળી રહે તે હેતુથી ઈન્ડિયન વેટરનરી રિચર્સ ઈન્સટીટ્યુટ (IVRI) બરેલી ઉત્તર પ્રદેશનાં ત્રણ નિષ્ણાતો, દિલ્હી ઝૂનાં પાંચ નિષ્ણાંતો અને લાયન સફારી ઈટાવા ઉત્તર પ્રદેશનાં બે નીષ્ણાતોની સેવાઓ પણ સિંહની સારવાર માટે લેવામાં આવી રહી હોવાનું અખબારી યાદીમાં જણાવ્યું છે. આ તમામ ટીમોનાં નિષ્ણાતો સિંહોનું અવલોકન અને સકાચણી રિપોર્ટ અને દસ્તાવેજોનું અવલોકન તેમજ લોહીનો નમુનો કીડની અને લીવર ફંક્શન વગેરેનું પરીક્ષણ કર્યા બાદ આપવામાં આવેલી સલાહ મુજબ આગળનાં તમામ પગલાઓ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ભરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સાવચેતીનાં પગલારૂપે અમેરિકાથી પણ અમુક દવાઓ (VACCINE) મંગાવવામાં આવી રહી છે જેથી આગોતરા સાવચેતીના પગલાઓ સત્વરે ભરી શકાય.