23 પૈકી 21 સિંહોને કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ હોવાનું જાહેર

ગીર પૂર્વની દલખાણિયા રેન્જમાં ટપોટપ 23 સિંહોનાં મોત મામલે રાજ્ય સરકારનાં વન વિભાગની બેજવાબદારી બહાર આવી છે. જે 23 સિંહોનાં મોત નિપજ્યાં હતાં તે માટે વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા અગાઉ એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, માત્ર 4 સિંહોને જ કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ હતાં. પરંતુ પૂના સ્થિત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં મોકલેલાં સેમ્પલ બાદ આઈસીએમઆરનાં ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે 23 સિંહમાંથી 21 સિંહના વિવિધ નમૂનાઓ ચકાસ્યા બાદ આ સિંહોને સીડીવી હોવાનો ખુલાસો કર્યો છે. આઈસીએમઆરની વેબસાઈટ ઉપર મૂકવામાં અહેવાલ બાબતે સંલગ્ન અધિકારીનો સંપર્ક સાધતાં તેમણે એવો લૂલો બચાવ કર્યો હતો કે, આ અંગેનો અહેવાલ હજુ અમને મળ્યો નથી.
દલખાણિયા રેન્જમાં મૃત્યુ પામેલાં સિંહોનો મામલો હજુ ઠંડો પડવાનું નામ નથી લેતો. આઈસીએમઆર દ્વારા જાહેર કરાયેલા અહેવાલ બાદ પ્રાણી પ્રેમીઓમાં રાજ્ય સરકાર અને વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. પ્રાણીવિદ્દ મનીષ વૈદ્યએ જણાવ્યું કે, રાજ્ય સરકારનું વન વિભાગ સિંહોની કાળજી રાખવામાં નિષ્ફળ રહી છે. અને જેનાં કારણે જ ગુજરાતનું ગૌરવ સમાન ગીરનાં 23 સિંહોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત તેમણે આરોપ મૂક્યો હતો કે, વન વિભાગનાં કેટલાંક અધિકારીઓ ગેરકાયદેસર રીતે લાયન શો યોજતા હોય છે અને સાથે સાથે તેમને જે લાયન શો યોજવામાં આવે છે તેમાં આ પ્રકારનાં ખતરનાક વાયરસ ધરાવતાં મારણ આપવામાં આવતું હોવાની પણ અનેકવાર રજૂઆત કરી છે. પરંતુ વન વિભાગ અને રાજ્ય સરકાર આ મામલે ઉદાસીન રહી છે.
 ચાર દિવસથી આ અહેવાલ આઈસીએમઆરની સત્તાવાર વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યો છે, પણ અમને આવો કોઈ રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી.
તો બીજી બાજુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના વાયરોલોજી વિભાગ પૂના દ્વારા 23 સિંહના મોતનું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં 21 સિંહ સીડીવી એટલે કે કેનાઇન ડિસ્ટેમ્પર નામનો વાયરસ જોવા મળ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
એક બાજુ રાજ્ય સરકાર સિંહના મોત બાદ કરવામાં આવેલી કાર્યવાહીને પૂરતી ગણાવવામાં આવી રહી છે ત્યારે આઈસીએમઆરનો આ રિપોર્ટ આગામી દિવસોમાં સિંહ પ્રેમીઓની ચિંતામાં વધારો કરે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 23 સિંહોનાં મોત બાદ રાજ્ય સરકારે અમેરિકાથી ખાસ રસી મંગાવીને ગીરનાં સિંહોને તેમ જ આ વિસ્તારનાં અન્ય પ્રાણીઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારનો આઈસીએમઆરની વેબસાઈટ પર રિપોર્ટ જાહેર કરાયા બાદ રાજ્ય સરકાર કેવાં પગલાં લે છે તે જોવું રહ્યું.