23 સિંહોનાં મોતની માર્ગદર્શિકા વડી અદાલતે જાહેર કરી હાઈકોર્ટે જારી કરી

ગીરનાં જંગલોમાં છેલ્લાં એક મહિના દરમિયાન 23 સિંહોનાં થયેલાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટે આજે નિર્દેશિકા જાહેર કરી છે. જેમાં રાજ્ય સરકારને ત્રણ મુદ્દાઓ પર ધ્યાન આપવાનો નિર્દેશ કરાયો છે, જેમાં ઈલેક્ટ્રિક ફેન્સિંગ, ખુલ્લાં કૂવાઓ અને વાઈરસ ઈન્ફેક્શન જેવા મામલે સરકારે ગંભીરતાપૂર્વક પગલાં લઈને તેનો ઉકેલ લાવવાનું કહેવામાં આવ્યું છે. આ મામલે દર પંદર દિવસે સ્થાનિક જિલ્લા કલેક્ટરે પ્રોગ્રેસ રિપોર્ટ સોંપવાનો પણ નિર્દેશ કર્યો છે. સાથે સાથે રાજ્ય સરકારને પણ 15મી જાન્યુઆરી 2019 સુધીમાં વિસ્તૃત રિપોર્ટ સોંપવાનો નિર્ણય કર્યો છે.
ગીરની પૂર્વમાં આવેલી દલખાણિયા રેન્જમાં સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતનાં ગૌરવ સમાન સાવજોનાં થયેલાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. આ સિંહોનાં મોત મામલે થયેલી અરજી સંદર્ભે બુધવારે ગુજરાત હાઈકોર્ટે એક નિર્દેશિકા જારી કરી છે. જેમાં સિંહોનાં અકાળે થઈ રહેલાં મોત અંગે હાઈકોર્ટ ગંભીર નોંધ લીધી હતી. ગુજરાત હાઈકોર્ટે ત્રણ મુખ્ય મુદ્દાઓને લઈને એક નિર્દેશિકા પણ જારી કરી હતી. જે અનુસાર સિંહોમાં વાઈરસ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર નિષ્ણાતોનાં મત મુજબ જરૂરી પગલાં લે એવો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. કેમ કે, જે સિંહોનાં મોત થયાં છે તેમાં મુખ્યત્વે કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ જોવા મળ્યો હતો. આ વાઈરસ કેવી રીતે ફેલાયો અને તેનું મુખ્ય કારણ રાજ્ય સરકાર કે વન વિભાગ દ્વારા હજુ સુધી જણાવવામાં આવ્યું નથી. એક પછી એક 23 સિંહોનાં થયેલાં મોત મામલે પણ રાજ્ય સરકારે યોગ્ય પગલાં ન લીધાં હોવાનું હાઈકોર્ટે નોંધ્યું હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત ગીરનાં જંગલોમાં આવેલાં ખેતરોમાં જે ખુલ્લાં કૂવાઓ છે તે મામલે પણ રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક પગલાં લેવાનું સૂચન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેનાં ભાગરૂપે રાજ્ય સરકારે આ વિસ્તારમાં આવેલાં ખુલ્લાં કૂવાઓ મામલે જે તે ખેતર માલિકોને સબસિડી આપવાની જોગવાઈ કરવાનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેતરોમાં ઊભાં પાકને નુકસાન ન થાય તે માટે ખેતર માલિકો દ્વારા ઈલેક્ટ્રિક ફેન્સિંગ પણ કરવામાં આવતી હોય છે જેનાં કારણે ખેતર પર આવી ચડેલાં સિંહનું કરંટ લાગવાથી મોત થાય છે. જે મામલે પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ પૂછ્યાં હતાં અને આ મામલે પણ રાજ્ય સરકારે યોગ્ય ઉકેલ લાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પણ સવાલ કર્યો છે કે, વાઘનાં જતન માટે મોટી રકમ આપવામાં આવે છે જ્યારે એશિયાટિક સિંહોનાં જતન માટે માત્ર રૂપિયા 95 હજાર જ કેમ આપવામાં આવે છે. આ મામલે પણ કેન્દ્ર સરકારને ખુલાસો કરવાં હાઈકોર્ટે જણાવ્યું છે.
ગુજરાત હાઈકોર્ટે જારી કરેલી નિર્દેશિકા બાદ હાઈકોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો છે કે જે ત્રણ મુદ્દાઓ ટાંકવામાં આવ્યાં છે તે મામલે સ્થાનિક જિલ્લા કલેક્ટરે દર પંદર દિવસે પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો રહેશે. ઉપરાંત રાજ્ય સરકારે પણ આ ત્રણ મુદ્દે શું પગલાં લીધાં તે મામલે 15મી જાન્યુઆરી 2019 સુધીમાં એક વિસ્તૃત રિપોર્ટ હાઈકોર્ટને સોંપવાનો પણ નિર્દેશ કરાયો છે. હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી 16મી જાન્યુઆરી 2019 સુધી મુલતવી રાખી છે.
અત્રે નોંધનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં માત્ર ગણતરીનાં દિવસોમાં એક પછી એક એમ કુલ 23 સિંહોનાં થયેલાં મોત મામલે પ્રાણીવિદ્દો સહિત ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકાર અને વન વિભાગની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. અને આ સંદર્ભે થયેલી હાઈકોર્ટમાં એક અરજી કરી હતી જેની સુનાવણીનાં ભાગરૂપે હાઈકોર્ટે ત્રણ મુખ્ય મુદ્દા સાથે એક નિર્દેશિકા જારી કરી રાજ્ય સરકારને એ દિશામાં પગલાં લેવાનો નિર્દેશ કર્યો છે.