29 હજાર પ્રોજેક્ટ પડતા મૂકાયા

વર્ષ 2019ની વાયબ્રન્‍ટમાં ઘણા દેશોએ પાર્ટનર કન્‍ટ્રી તરીકે જોડાવાની મનાઈ કરી દીધી હતી. 2003થી 2017ના 8 વાયબ્રન્‍ટમાં 76,512 એમ.ઓ.યુ. થયા હતા, તે પૈકી 47,594 પ્રોજેક્‍ટ અમલમાં આવ્‍યા અને 28,918 પ્રોજેક્‍ટ ડ્રોપ કરવામાં આવ્‍યા. આ વાયબ્રન્‍ટોમાં રૂ. 107 લાખ 17 હજાર 322 કરોડનું અપેક્ષિતમૂડીરોકાણ હતું, જેની સામે ખરેખર મૂડીરોકાણ માત્ર રૂ. 13 લાખ 45 હજાર 873 કરોડનું થયું. સરકારે જાહેર કરેલ અપેક્ષિત મૂડીરોકાણની સામે રૂ. 93 લાખ 71 હજાર 449 કરોડનું મૂડીરોકાણ આવ્‍યું જ નહીં. રાજ્‍ય સરકાર  નાગરિકોને રોજગારી આપવાની મોટી-મોટી વાતો કરે છે. વર્ષ 2015ના વાયબ્રન્‍ટમાં 29 લાખ લોકોને અને વર્ષ 2017માં 43 લાખ લોકોને રોજગારી આપવાનો સરકારનો લક્ષ્યાંક હતો. આમ, ફક્‍ત 2015 અને 2017ની વાયબ્રન્‍ટમાં જ 72 લાખ લોકોને રોજગારી આપવાનો લક્ષ્યાંક હતો, તેના બદલે વર્ષ 2003થી 2017ની 8 વાયબ્રન્‍ટોમાં કરોડો રૂપિયાના ખર્ચ પછી ફક્‍ત 22 લાખ લોકોને જ રોજગારી પૂરી પાડવામાં આવી છે.

શ્રી શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, વર્ષ 2006થી 2015 સુધીમાં રાજ્‍યમાં માઈક્રો, સ્‍મોલ અને મીડીયમ એન્‍ટરપ્રાઈઝના 3,76,189 એકમો નોંધાયા હતા, જેમાં 28,35,765 લોકોને રોજગારી મળી હતી. તા. 19-4-2017ના રિપોર્ટ મુજબ, રાજ્‍યમાં માઈક્રો એકમો 2,08,364, સ્‍મોલ એકમો 47,324 અને મીડીયમ એકમો 1,705 એકમો એમ કુલ 2,57,393 એકમો નોંધાયેલા હતા, તે પૈકી વર્ષ 2017માં 1,18,796 એકમો બંધ થઈ ગયા હતા. આ બંધ થઈ ગયેલ એકમોમાં લાખોની સંખ્‍યામાં રોજગારી પણ ઘટી ગઈ.

શ્રી પરમારે જણાવ્‍યું હતું કે, રાજ્‍યનો જી.ડી.પી. ગ્રોથ 13.3% છે, જેમાં એગ્રીકલ્‍સર સેક્‍ટર 19% અને ઈન્‍ડસ્‍ટ્રીયલ સેક્‍ટર 45% છે. જી.ડી.પી. પરનો પર કેપીટલ રેન્‍ક જોઈએ તો ગુજરાતનો નંબર દસમો છે. ભારતના હાઈએસ્‍ટ ગ્રોથમાં મહારાષ્‍ટ્ર, દિલ્‍હી, કર્ણાટક, તેલંગાણા, પશ્‍ચિમ બંગાળ બાદ ગુજરાત છઠ્ઠા નંબરે છે. એન.એસ.ડી.પી. પર કેપીટલ રેન્‍ક જોઈએ તો ગુજરાતનો ક્રમાંક 14મો છે. રોજગારીની વાત કરીએ તો વર્ષ 2017-18માં ગુજરાતમાં બેરોજગારીમાં 4.8%નો વધારો થયો છે.