લદ્દાખ સરહદ પર ગલવાન ઘાટીમાં થયેલી લોહિયાળ ઝડપમાં ચીની સેનાએ ભારતીય સેનાના 10 જવાનોને બંધક બનાવી લીધા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, ચીને બે મેજર સહિત 10 ભારતીય જવાનોને બંધક બનાવી લીધા હતા, જેમને ત્રણ દિવસની વાતચીત બાદ છોડાવી લેવામાં આવ્યા છે. જોકે, સેના તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું. સેનાએ ગુરુવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આ કાર્યવાહીમાં કોઈ ભારતીય સૈનિક ગૂમ નથી થયો.
જોકે, સેના તરફથી એ નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું કે કોઈ જવાનને બંધક બનાવવામાં આવ્યો હતો કે નહીં, પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર, ચીની સેનાએ બે મેજર સહિત 10 જવાનોને બંધક બનાવ્યા હતા, જેમને ત્રણ દિવસ બાદ છોડાવી લેવામાં આવ્યા છે.
આ પહેલા જુલાઈ, 1962માં ચીની સેનાએ ભારતીય સૈનિકોને બંધક બનાવ્યા હતા. ગલવાન ઘાટીમાં યુદ્ધ દરમિયાન આશરે 30 ભારતીય જવાન શહીદ થયા હતા અને ડઝનો જવાનોને ચીની સેનાએ બંધક બનાવી લીધા હતા. જેમને બાદમાં છોડાવી લેવામાં આવ્યા હતા.
સૈન્ય સુત્રોએ કહ્યું કે, ચીની સેના દ્વારા સોમવાર રાત્રે કરવામાં આવેલા હુમલામાં ભારતીય સેનાના 76 જવાન ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 18 ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયા, જ્યારે 58ને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. લેહની એક હોસ્પિટલમાં 18 જવાનોની સારવાર ચાલી રહી છે, જ્યારે 58 જવાનોને અન્ય વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભારતીય અને ચીની સેનાના અધિકારીઓની વચ્ચે ગુરુવારે સતત ત્રીજા દિવસે મેજર જનરલ સ્તરની વાતચીત થઈ, જેમાં સૈનિકોની વચ્ચે થયેલી લોહિયાળ ઝડપની સાથોસાથ ગલવાન ઘાટીની આસપાસના ક્ષેત્રોમાં સામાન્ય સ્થિતિ જાળવી રાખવા પર વાતચીત થઈ.
ભારત અને ચીનની સેના 5 મેથી આમને-સામને છે. 5 મેના રોજ ભારત અને ચીનની સેના વચ્ચે પૈંગોંગ ત્સોમાં ઝડપ થઈ હતી. ગતિરોધ શરૂ થયા બાદ ભારતીય સેનાએ નિર્ણય કર્યો છે કે, પૈંગોંગ ત્સો, ગલવાન ઘાટી, ડેમચોક અને દૌલત બેગ ઓલ્ડીના તમામ વિવાદિત ક્ષેત્રોમાંથી ચીની સૈનિકોને પાછળ ધકેલવા માટે સેના તરફતી પગલાં લેવામાં આવશે. તેને માટે બંને દેશોની વચ્ચે ઘણા દોરની વાતચીત પણ થઈ, જેમાં કોઈ પરિણામ ના આવ્યું.
15 જૂનની રાત્રે ભારતીય સેનાની એક ટુકડી ગલવાન ઘાટીના પેટ્રોલિંગ પોઈન્ટ-14 પર ચીની સેના સાથે વાત કરવા ગઈ હતી. આ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા ચીની સૈનિકોએ ભારતીય સેનાની ટુકડી પર હુમલો કરી દીધો. આ લોહિયાળ સંઘર્ષમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઈ ગયા, જ્યારે ચીનને પણ ભારે નુકસાન થયું હતું.