નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના પ્રમાણે, ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ જનારા લોકોની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. વર્ષ 2018માં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા 2971 લોકોને ગેરકાયદેસર સરહદ પાર કરવાના આરોપમાં ધરપકડ કરી હતી, જ્યારે વર્ષ 2017માં આ આંકડો માત્ર 1800 હતો. આ રીતે ગેરકાયદેસર સરહદ પાર કરનારા લોકોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે.
NCRBના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2018માં 2971 લોકોની બાંગ્લાદેશ જતા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 1532 પુરૂષ, 749 મહિલાઓ અને 690 બાળકો સામેલ હતા. બીજી તરફ બાંગ્લાદેશથી ભારત આવનારા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2017માં આ આંકડો 1180 હતો, જ્યારે 2018માં આ આંકડો 1118 પર પહોંચી ગયો.
એવું કહેવાય છે કે, સરહદ પાર કરનારા લોકોની સંખ્યામાં આ વધારો અસમમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)ની બીજી યાદી જાહેર થયા બાદ થયો છે. NRCની બીજી ડ્રાફ્ટ કોપી 30 જુલાઈ 2018માં આવી હતી. જેમાં 40 લાખ લોકોને બહાર રાખવામાં આવ્યા હતા. જ્યારે NRCની અંતિમ યાદીમાં અંદાજે 20 લાખ લોકોને બહાર રાખવામાં આવ્યા છે. કહેવાય છે કે, ભારતથી બહાર ખદેડી મૂકવામાં આવશે, તેવા ડરના કારણે ગેરકાયદેસર વસતા લોકો સરહદ પાર કરીને જઈ રહ્યાં છે.