રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ 25-7-2018ના સવારે 8 વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 20 બંધો હાઇએલર્ટ, 9 જળાશયો એલર્ટ તેમજ 11 જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું કંકાવટી, પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી, માલણ અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, હિરણ-૧ અને હીરણ-૨, જૂનાગઢનું મધુવંતિ અને અંબાજળ, પોરબંદરનું અમીરપુર, તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી એમ કુલ 20 જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. કુલ 9 જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય 11 બંધ માટે ચેતવણી આપવામાં આવી છે. નર્મદા બંધમાં 1,33,435 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની 40 ટકા છે. કુલ ૨૦૪ બંધોમાં હાલમાં કુલ સંગ્રહ 3,31,931 એમ.સી.એફ.ટી. છે જે કુલ સંગ્રહ શક્તિના 37.27 ટકા છે.
35 તાલુકાઓમાં વરસાદ, ડભોઈમાં ત્રણ ઈંચથી વધુ
રાજયમાં વરસી રહેલા વરસાદે વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં 35 તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં 80મી.મી. એટલે કે ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે 25-7-2018ને સવારે 7 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સંખેડા તાલુકામાં 58મી.મી., નીઝરરમાં 52મી.મી., નાંદોદ 48મી.મી. અને ભરૂચ 47મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં બે ઈંચ અને ગરૂડેશ્વર, કુંકરમુંડા, જેતપુર-પાવી, સાગબારા, નેત્રંગ, ડેડીયાપાડા, તીલકવાડા, અંકલેશ્વર, વાલીયા, સુબીર, બોડેલી, નસવાડી અને વઘઈ મળી કુલ 13 તાલુકાઓમાં એક ઈંચ અને અન્ય નવ તાલુકાઓમાં અડધો ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.89 ટકા જેટલો નોંધાયો છે.