3500 કરોડની મગફળીમાં રેતી હોવાથી સરકાર આંદોલન કરવા દેતી નથી, કોંગ્રેસ

મગફળી કાંડની ન્યાયિક તપાસ માટે ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરવાની મંજૂરી નહીં આપીને ભાજપ સરકાર સત્યને છૂપાવવાના અને ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો કરી રહી  હોવાનો આરોપ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ મૂક્યો છે. તેમણે એવું જણાવ્યું હતું કે, સરકાર દૂધે ધોયેલી હોય તો ન્યાયિક તપાસની માગણીથી કેમ ભાગે છે ?

માટી-ધુળ-ઢેફા-રેતી જ નિકળે છે

વિરોધપક્ષના નેતાએ કોંગ્રેસના ધારાસભ્ય, કાર્યકરો સાથે શુક્રવારે પેઢલામાં પ્રતિક ઉપવાસ-ધરણાં શરૂ કર્યા, 4 ઓગસ્ટ 2018 શનિવારે ગોંડલમાં મગફળી કૌભાંડ સામે ધરણાં કરશે. ભાજપના નેતાના ખેતરમાં આસપાસના ખેડૂતોની ખરીદેલી મઘફળી પેઢલા ગામે મોટી ધણેજ સેવા સહકારી મંડળી મારફત સંગ્રહાયેલી મગફળી વેપારીઓએ લેવાની ના પાડતા આ કોથળાઓની તપાસ દરમ્યાન તેમાંથી મોટા પ્રમાણમાં માટી-ધૂળ-ઢેફા-રેતી મળી છે, તેવી જ રીતે ટેકાના ભાવે ખરીદાયેલ રૂ.૩૫૦૦ કરોડની મગફળી કે જે ગોડાઉનોમાં સંગ્રહીત છે તે તમામ મગફળીના કોથળાઓમાં માટી-ધૂળ-ઢેફા-રેતી ભરેલા છે, જેથી તે તમામ કોથળાઓ સરકારી તંત્ર, વિપક્ષ, ખેડૂત સમાજના પ્રતિનિધિઓ અને મીડીયાના મિત્રોની હાજરીમાં ઊંધા ઠાલવીને મગફળીની ગુણવત્તા ચકાસવા અને ઉચ્ચ ન્યાયપાલિકાના નામદાર ન્યાયાધીશોની અધ્યક્ષતામાં સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા ૨ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ મુખ્ય પ્રધાનને પત્ર લખીને ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા આ મગફળી કાંડની તપાસની માંગણી નહીં સ્વીકારાય તો ગાંધીચિંધ્યા માર્ગે વિવિધ જગ્યાએ ધરણાં-ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી વિરોધપક્ષના નેતાએ આપી હતી.

ઉપવાસ આંદોલન શરૂં
વિરોધપક્ષના નેતાના પત્ર બાદ પણ રાજય સરકાર તરફથી તપાસની માગણીનો સ્વીકાર નહીં થવાથી રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા મુકામે વિરોધપક્ષના નેતા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો- આગેવાનો, પ્રજાજનો સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે તેમજ આવતીકાલ તા. ૪-૮-૨૦૧૮, શનિવારના રોજ રામરાજ્ય ગોડાઉન, ઉમરાળા રોડ, મુ.તા. ગોંડલ, જિ. રાજકોટ ખાતે મગફળી કાંડની ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા તપાસ કરવાની માંગણી સાથે ગાંધીચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ-ધરણાં કરશે. વિરોધપક્ષના નેતાએ સરકારના આ વલણને ભ્રષ્ટાચાર છાવરવાનું પગલું ગણાવી આંદોલન કરવા માટે મંજૂરી ન આપવાના તંત્રના વલણ સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

ખરીદી કરવાનું કામ સોંપવામાં શંકાસ્પદ બાબતો

આંદોલન કરવાની મંજૂરી નહીં આપીને ભાજપ સરકાર સત્યને છૂપાવવાના અને ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો કરી રહી છે.  ગુજકોટ સંસ્થાને ૫.૩૦ લાખ ટન મગફળી ખરીદવાનું કામ સોંપવામાં આવેલું . બનાસ-સાબર ડેરી સહિત ગુજપ્રો સંસ્થા દ્વારા ૮૭ હજાર ટન મગફળી ખરીદીનું કામ થયેલ. માલિકના બદલે વચેટીયાઓ પાસેથી સરકાર દ્વારા ગોડાઉન ભાડે રખાયા હતા. સરકારી મગફળીને મિલોમાં પીલીને સરકારના મળતિયાઓ માલામાલ થયા ત્યારબાદ નબળી ગુણવત્તાની મગફળી અને માટીના ઢેફાથી ભરાયેલ ગોડાઉનોમાં આગ લગાડીને મગફળી ખરીદીમાં ગેરરીતિના પુરાવાઓનો નાશ કરવામાં આવેલો. આ ગોડાઉનોમાં વીજળીના કનેકશન ન હોવા છતાં ગાંધીધામ, ગોંડલ, રાજકોટ યાર્ડ, જામનગર (હાપા) અને રાજકોટ (શાપર)ના ગોડાઉનોમાં આગ લાગવાની રીત એકસરખી હતી, જે બાબત શંકા ઉપજાવે છે. અગાઉ પણ ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ બન્યા બાદ પણ સરકારે આ ગોડાઉનોમાં સીસીટીવી કેમેરા રાખવાની સાવચેતી લીધી નહોતી, જે પણ શંકાસ્પદ છે.

ધાનાણીએ સરકાર સમક્ષ ઉપસ્થિત કરેલા 20 પ્રશ્નો આજદિન સુધી નિરુત્તર રહ્યા છે :
1- ટેકાના ભાવે ખરીદીમાં પણ વ્હાલા દવલાની નિતી અને ભેદભાવ કેમ રખાયો

2- પ્રતિ મણે રૂ.૫૦નો શું કામે ધરવો પડ્યો કટકી નો પ્રસાદ કોને ચઢલો
3- મગફળીના નાણાં ચૂકવવામાં વિલંબથી બેંકલોનની ચુકવણીમાં ખેડૂતોને પજેલો છે.

3- ૩૩ લાખ ટનના ઉત્પાદન સામે માત્ર ૭.૩૧લાખ ટન મગફળી ખરીદીને સામાન્ય ખેડુતોને શું કામે કર્યો અન્યાય કરાયો ?
4- ઓછા કર્મચારીઓ હોવા છતાં ગુજકોટને શું કામે આપીયુ અને ૫.૩૦ લાખ ટનની જંગી મગફળી ખરીદીનું કામ ?
5- અનુભવી સ્ટાફ અને પુરતાં પ્રમાણમાં ગોદામ છતાંયે ગુજકોમાસોલને ૧.૧૪ લાખ ટન ખરીદી કેમ

6- પુર અસરગ્રસ્ત વિસ્તારો માંથી બનાસ-સાબર ડેરી સહિત ગુજપ્રો સંસ્થા દ્વારા કંઈ રીતે થયું ૮૭ હજાર ટન મગફળીની ખરીદીનું કામ ?

7- મૂળ માલિકનાં બદલે વચેટિયાઓ પાસેથી શું કામે ઉંચા દરે ભાડે રખાયા ખાનગી ગોદામ ?
8- ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન ની કચેરીમાં કેમ લાગી ગઈ આગ ?
9- ગુજકોટ દ્વારા જ ભાડે રખાયેલા ખાનગી ગોદામોમાં પહેલા ગાંઘીધામ, ગોંડલ, હાપા, અને રાજકોટ પછી સાપર માં
ઈરાદાપૂર્વક શું કામે લગાડાઈ રહી છે આગ ?
10- ભાજપ સમૅથિત સહકારી મંડળીઓ દ્વારા રૂ.૩૫૦૦ કરોડની મગફળી ખરીદવામાં થયું રાજ્ય વ્યાપી કૌભાંડ ?
11- મગફળીને બારોબાર ખાનગી મિલોમાં પિલી અને સરકારી મળતિયાઓ તેલ વેચીનેં થયાં માલામાલ ?
12- નબળી ગુણવત્તાની મગફળી અને માટીના ઢેફાંથી કંઇ-કંઇ સંસ્થાઓ દ્વારા ભરાયાં હતાં સળગાવેલા સરકારી ગોદામ ?
13- મગફળીકાંડની સરકારને જાણ છતાંયે શું કામે નથી રાખ્યા સીસીટીવી કે પછી ઈરાદાપૂર્વક રહ્યો સુરક્ષાનો અભાવ ?
14- સળગેલા ખાનગી ગોદામોમાં નથી વિજળીના કનેક્શન છતાંયે શું કામે છે સળગાવવાની રીત સમાન ?
15- સરકારની મીઠી નજર તળેજ સરકારી ગોદામોમાં રૂ.૧૦૦ કરોડની મગફળીનો મુદ્દામાલ સળગીને કેમ થઈ ગયો ખાખ ?
16- સરકારી તંત્રને મૌખિક અને લેખિત રજૂઆત પછીયે શું કામે તપાસણીના ખાલી થઈ રહ્યા છે નાટક ?
17- મગફળીકાંડના કૌભાંડમાં ક્યારે ખુલશે મોટા માથાઓના નામ ?
18- મગફળી કાંડના સત્યને છુપાવવા બદલ શું કામે મળી રહ્યા છે મલાઈદાર પદોનાં ખિતાબ ?
19- સરકારી ગોદામોમાં ખડકાયેલા ખાલી કોથળાને ઠાલવીને શું કામે નથી થતો મગફળીની ગુણવત્તાનો અભ્યાસ ?
20 નામદાર સુપ્રીમના સિટીગ જજ મારફતે મગફળી કાંડની તટસ્થ તપાસથી શું કામે ડરે છે દુધે ધોયેલી ભાજપની સરકાર ?