શાકભાજી અને ફળોના જુદા-જુદા રંગો કુદરતે આપેલા છે તેનો ઉપયોગ ખેડૂતો માર્કેટીંગ તરીકે કરી શકે છે. ગ્રાહકોને આરોગ્ય માટે રંગ કઈ રીતે મદદ રૂપ થાય છે તે જાણી લેવાંમાં આવે તો મોલ અને એપીએમસીમાં માલ વેચવામાં સરળતા રહે છે. આપણા જીવનમાં રંગોનું મહત્વ ઘણું વધારે છે. દરેક રંગનો પોતાનો મિજાજ અને વિશિષ્ટતા છે. કલર-થેરપી નામની થેરપી પણ પ્રસિદ્ધ છે, જેમાં જુદા-જુદા રંગોની મદદથી વ્યક્તિની શારીરિક અને માનસિક તકલીફ દૂર થાય છે. એના દ્વારા જાણી શકાય કે રંગોનું મહત્વ દેખાવ પૂરતું જ સીમિત નથી, એનો આરોગ્ય સાથે પણ સીધો સંબંધ છે.
જિગીષા જૈન
કોઈ પણ મોટા શેફને રસોઈ કરતા જોઈએ ત્યારે એક મહત્વની વાત એ છે કે તે શેફ ફક્ત ખોરાકના સ્વાદ પાછળ જ નહીં, એની સજાવટ પાછળ પણ ધ્યાન આપતા હોય છે. કોઈ પણ વાનગીને કલરફુલ અને આકર્ષક દેખાવ આપવો તેમના માટે મહત્વપૂર્ણ હોય છે, કારણ કે એને જોઈને વ્યક્તિ એને ખાવા માટે આકષાર્ય, પરંતુ શું આ સજાવટ અને કલર્સ ફક્ત આકર્ષણ પૂરતા સીમિત છે કે એની પાછળ બીજું પણ કોઈ રહસ્ય છે?
મોટા ભાગના ડાયેટિશ્યન ડાયટમાં વરાઇટી અને બને તેટલા વધુ કલરફુલ ખાદ્ય પદાર્થોને ઉમેરવાની સલાહ આપે છે. અલગ-અલગ કલરનાં ફળો કે શાકભાજીને પોતાના ડાયટમાં સામેલ કરવાની આ સલાહ પાછળનું કારણ એ છે કે અલગ-અલગ રંગનાં શાકભાજી અને ફળો જુદા-જુદા હેલ્થ બેનિફિટ્સ ધરાવે છે. ડાયેટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ યોગિતા ગોરડિયા પાસેથી જાણીએ કયા રંગથી શું ફાયદા થાય છે.
લાગ રંગ
લાલ રંગનાં ફળોમાં સફરજન, દાડમ, ચેરી, તરબૂચ અને શાકભાજીમાં ટમેટાં, બીટ અને લાલ રંગનાં બેલ પેપર્સ ગણાય. લાલ રંગનાં ફળો અને શાકભાજીમાં લાયકોપેન અને એન્થોસ્યાનિન નામનાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ એટલે કે શરીરનો ઝેરી કચરો દૂર કરનારાં તત્વો હોય છે. સ્ટ્રૉબેરી, રાસબેરી, ચેરી અને લાલ ગ્રેપ્સમાં એન્થોસ્યાનિન હોય છે, જ્યારે ટમેટાં અને તરબૂચમાં લાયકોપેન જોવા મળે છે. આ બન્ને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ કૅન્સરના રિસ્કને ઘટાડે છે. વળી, શરીરના કોષોને બળ પૂરું પાડે છે અને સ્કિનને અલ્ટ્રાવાયલેટ રેડિયેશનથી બચાવે છે. સાથે-સાથે બ્લડપ્રેશરના પેશન્ટ માટે એ ઘણું ફાયદાકારક છે.
ઑરેન્જ અને પીળો રંગ
આ કૅટેગરીમાં ફળોમાં કેરી, નારંગી, મોસંબી, પપૈયા, પીચ, પાઇનૅપલ અને શાકભાજીમાં યલો બેલ પેપર્સ, ગાજર, કોળું અને શક્કરિયું વગેરેનો સમાવેશ થાય છે. ઑરેન્જ કે પીળા રંગના શાકભાજીમાં એના રંગ માટે જવાબદાર કૅરેટિનોઇડ પિગમેન્ટ હોય છે. એમાંથી ભરપૂર માત્રામાં વિટામિન ખ્ મળે છે જે આંખોની હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત સ્કિન અને વાળ માટે પણ એ ઉપયોગી છે એટલું જ નહીં, એમાંથી વિટામિન ઘ્ પણ ભરપૂર માત્રામાં મળે છે. એ ઇમ્યુનિટી એટલે કે પ્રતિકાર-શક્તિ બિલ્ટ કરવામાં ને ઍલર્જીને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
લીલો રંગ
લીલા રંગનાં ફળોમાં ગ્રીન ઍપલ, પેર, જામફળ અને શાકભાજીમાં લગભગ બધી જ ભાજી જેમ કે મેથી, પાલક, મૂળો, તાંદળજો તેમ જ બ્રૉકલી, ફણસી, ચોળા, ગુવાર, વટાણા, વાલોળ, કોબીજ અને દૂધીનો સમાવેશ થાય છે. જેવી રીતે ઝાડનાં પાંદડાં લીલાં હોય તેની પાછળ ક્લોરોફિલ નામના પિગમેન્ટ જવાબદાર છે એ જ રીતે શાકભાજી અને ફળોના લીલા રંગ પાછળ પણ ક્લોરોફિલ જ જવાબદાર હોય છે, જે લિવર અને કિડની માટે ખૂબ ઉપયોગી છે. પાલક, ચોળા, કૅપ્સિકમ, વટાણામાં બ્યુટેન નામનું એક એન્ઝાઇમ પણ રહેલું છે, જેમાંથી શરીરને વિટામિન ખ્ મળે છે. એ આંખોની હેલ્થ માટે ઉપયોગી છે અને બ્રૉકલી, કોબીજ, કાકડી, લેટિસમાં ઇન્ડોલ નામનું એન્ઝાઇમ હોય છે જે કૅન્સરના રિસ્કને ઘટાડે છે.
અનેક ફાયદા
ડાયેટિશ્યનની સલાહ મુજબ તમારા ખોરાકમાં બને તેટલા વધુ રંગનો ઉપયોગ તમારા મીલને ઇન્ટરેસ્ટિંગ તો બનાવે જ છે, સાથે-સાથે સંપૂર્ણ પોષણ મેળવવામાં પણ મદદરૂપ થાય છે. જ્યારે વ્યક્તિ એક જ રંગનો ખોરાક ખાય તો તેને એક જ પ્રકારનો ફાયદો મળે અને બીજા ફાયદાઓથી તે વંચિત રહી જાય. આથી ખોરાક બને ત્યાં સુધી મલ્ટિ-કલરમાં ખાવો જોઈએ.
મલ્ટિ-કલર ખોરાકની સાઇકોલૉજિકલ ઇફેક્ટ પણ ઘણી વધારે છે. મેન્સ્ટ્રુઅલ સાઇકલ દરમ્યાન સ્ત્રીને મૂડ-સ્વિંગ આવતા હોય કે તે ઓવર-સ્ટ્રેસ્ડ હોય ત્યારે અથવા દુખી, ઉદાસ કે ડિપ્રેસ હોય ત્યારે મલ્ટિ-કલર્ડ ખોરાક, અલગ-અલગ કલર કૉમ્બિનેશન કરીને બનાવેલું મીલ દવાનું કામ કરતું હોય છે.
મલ્ટિ-કલર્ડ રેસિપીમાં વેજિટેબલ પુલાવ, વેજિટેબલ ઉપમા, સ્પ્રાઉટ્સ ભેળ, જુદા-જુદાં સૅલડ અને સૂપ અને ફ્રૂટ-પ્લેટ જેવી જુદી-જુદી વસ્તુઓ બનાવી શકાય છે. એમાં એક જ ડિશમાં ભાત-ભાતના રંગોનો સમાવેશ થઈ શકે.
પર્પલ, બ્લ્યુ કે ડાર્ક પિન્ક રંગ
આ કૅટેગરીનાં ફળોમાં તાજાં અંજીર, પ્લમ, કાળી દ્રાક્ષ, બ્લૅક બેરીઝ અને શાકભાજીમાં પર્પલ કૅબેજ, રીંગણા વગેરે ગણી શકાય. પર્પલ કે ડાર્ક પિન્ક રંગનાં ફળો કે શાકભાજીમાં એન્થોસ્યાનિન રંગનું પિગમેન્ટ હોય છે, જે એના આ રંગ માટે જવાબદાર હોય છે. એ હાર્ટ પેશન્ટ્ન્સ માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે એટલું જ નહીં, મેમરી વધારવા માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત એ કૅન્સરના રિસ્કને ઘટાડે છે.
સફેદ રંગ
સફેદ રંગનાં ફળોમાં કેળાં અને શાકભાજીમાં ફ્લાવર, લસણ, ડુંગળી, બટાટા, આદુ વગેરે ગણી શકાય. સફેદ રંગનાં ફળો અને શાકભાજીમાં એન્થોઝેન્થીન નામના પિગમેન્ટ હોય છે, એ એના સફેદ રંગ માટે જવાબદાર ગણાય છે. એ કૉલેસ્ટરોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. બ્લડ-પ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે, જેથી હાર્ટ-પેશન્ટ્સ માટે ખૂબ જ ફાયદેમંદ છે. એ કૅન્સર જેવા રોગ સામે રક્ષણ આપવાનું પણ કામ કરે છે.