5 હજાર વર્ષ પુરાણા ગ્રંથનું ગુજરાતી અનુવાદ કર્યું

20 વર્ષની વયે બી.એ.વીથ ઈકોનોમિક્સનાં અભ્યાસ દરમ્યાન લગ્ન થઈ જતાં વિદેશ જવાનું થયું, પરંતુ કહે છે ને કે જે મનમાં ઉંડે ઉંડે હોય તે છેવટે તો બહાર આવે જ! ચાર સંતાનોનાં જન્મ અને ઉછેર દરમ્યાન પણ શ્રીમતી વૈદેહી પાર્થિવકુમાર અધ્યારુની જ્ઞાનપિપાસા એક વિદ્યાર્થીથી ઓછી ન હતી. હજુ પણ યથાવત એવી ભણવાની ધગશને કારણે જાણે તેઓ તે તરફ ખેંચાયા કરતા હતા. તેમને જીવનમાં કંઈક ખૂટતું હોય એમ હંમેશા લાગ્યા કરતું હતું. તેઓના આત્મા કંઈક શોધતો હતો. અનેક ભાગવત સપ્તાહનાં શ્રવણ બાદ તેઓને એક વિચાર સ્ફૂર્યો, એક અંતઃપ્રેરણા થઈ કે તેઓને શ્રીમદ્ ભાગવતનો અભ્યાસ કરવો છે. તેઓએ આ સ્ફુરણાને એક ઈશ્વરીય આદેશ માનીને સ્વશ્રી નર્મદાશંકર શાસ્ત્રીજી પાસે શ્રીમદ્ ભાગવતનો અભ્યાસ ચાલુ કર્યો. પરિવાર, બાળકો અને બીજી સામાજિક જવાબદારીઓની વચ્ચે તેઓએ સતત 12 વર્ષ સુધી અભ્યાસ કર્યો, ને સાથે સાથે તેઓ સંસ્કૃતનું ભાષાકીય અને વ્યાકરણનું જ્ઞાન પણ મેળવતા ગયા. અભ્યાસ દરમિયાન તેઓને શ્રીમદ્ ભાગવત પર શ્રીધર મહારાજ દ્વારા આલેખાયેલી ટીકા એટલે કે કોમેન્ટ્રી કે જે બધી જ ઉપલબ્ધ કોમેન્ટ્રીમાં શ્રેષ્ઠ મનાય છે, તેનો ગુજરાતી અનુવાદ કરવાનો વિચાર આવ્યો. તેમને થયું કે જો કઠિન સંસ્કૃત શ્લોકો અને તેનો અર્થનો ગુજરાતી અનુવાદ કરવામાં આવે તો મારું જ્ઞાન દ્રઢ થાય. આમ, સ્વાન્તસુખાય એટલે કે પોતાના આનંદ માટે આ કામ પણ થાય અને મારા જેવાં બીજા અનેક અભ્યાસુઓ માટે સરળતા થઈ જાય. તેઓ સરળતાથી આ ગૂઢ અને ગહન વિષયને સમજી શકે. દરમ્યાન સ્વામીશ્રી વિદિતાત્માનંદજીનાં વેદાંતનાં વર્ગોમાં નિયમિતપણે જતાં વૈદેહીબહેનને સ્વામીજીનાં આ વર્ગોમાં ભણવાથી જાણે આ કાર્ય માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત થયો. ઈશ્વરીયકૃપાથી તેમનો ભેટો પ્રોફેસર શ્રી લક્ષ્મેશભાઈ સાથે થયો કે જેઓને તેમની વિદ્વતા અને જ્ઞાનને કારણે અને સંસ્કૃતનાં ઉંડા અભ્યાસને કારણે વિદ્યાવાચસ્પતિ અને બ્રહ્મર્ષિ એવોર્ડસ પ્રાપ્ત થયા છે. વૈદેહીબહેન રાત-દિવસ અભ્યાસ કરતાં ગયા અને જોષીસાહેબ તેમાંથી ઝીણવટભરી દ્રષ્ટિએ ત્રુટિઓ સુધારતા રહ્યા. થોડા વખતમાં તો વૈદેહીબહેનને એટલી ફાવટ આવી ગઈ કે તેઓ સુધી જ Fair એટલે કે પાકું કામ કરવા લાગ્યા.

એક પછી એક શ્લોક અને સ્કંધ ઉપર કામ થતું ગયું. વૈદેહીબહેનની કલમ ચાલતી રહી. આ દરમ્યાન અનેક વિદ્વાનોને તેઓ પોતાનું કામ બતાવતા રહ્યાં. આ કામ જોઈને પૂજ્ય મોરારીબાપુ, શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય આદ્ય શંકરાચાર્ય (દ્વારકાપીઠ), શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી, મ.મ. શ્રી કે.કા. શાસ્ત્રી, શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી, શ્રી સુરેશ દલાલ, શ્રીપ્રમુખસ્વામી મહારાજ વગેરેએ ઉત્સાહપૂર્વક આ કામને બિરદાવ્યું અને લેખિતમાં આર્શીવચન પણ આપ્યા.
લગભગ અડધું કામ થયું હશે ત્યારે ગીતાપ્રેસ, ગોરખપુર જેવાં આંતરરાષ્ટ્રીય પ્રકાશકે (વૈદેહીબહેનનાં સહાધ્યાયીની મદદથી) તેમના આ કાર્યનું પ્રકાશન કરવાનો નિર્ણય કર્યો. શ્રીમદ ભાગવતનાં 12 સ્કંધના 18000 જેટલાં સંસ્કૃત કઠિન શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર એ એક અદ્ ભૂત અને કઠિન કાર્ય હતું, વૈદેહીબહેનનાં દ્રઢ વિશ્વાસ, મહેનત, ખંત અને અભ્યાસની ઉંડી રુચિએ આ કામને ઈશ્વરીય કૃપા અને સંતોના આર્શીવાદથી સફળ બનાવ્યું આ કાર્યમાં તેમના પરિવારનો સાથ પણ હંમેશા અનન્ય રહ્યો છે.

આ કામ લોકો સુધી પહોંચે તે માટે વૈદેહીબહેને અથાગ મહેનત કરી છે. આ કાર્યને લોકભોગ્ય બનાવવા માટે કઠિન એવા આ 18000 શ્લોકોને શક્ય એટલી સરળ ભાષામાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
ગીતાપ્રેસ દ્વારા આ ભાવાર્થદીપિકા
શ્રીમદ્ ભાગવતમહાપુરાણમ્ શ્રીધરી ટીકા અને અનુવાદને હજાર પાનાનો એક એવા પાંચ ભાગોમાં વહેંચીને ગ્રંથમાળા તૈયાર કરવામાં આવી છે. આ ગ્રંથમાળાનું લોકાર્પણ સ્વામીશ્રી વિદિતાત્માનંદજીનાં વરદ હસ્તે 18 ઓક્ટોબર, 2018નાં રોજ જે.બી. ઓડિટોરિયમ એ.એમ.એ., અમદાવાદ ખાતે થશે, જેમાં શ્રી નરેશ વેદ (ભૂતપૂર્વ કુલપતિ ગુ.યુ.) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ ગ્રંથમાળાને ગુજરાતભરનાં 25 જેટલાં પુસ્તકાલયોને ભેટ આપવામાં આવશે.