500 કરોડનું જમીન કૌભાંડમાં એક વર્ષ પછી પણ કોઈ પગલાં નહીં

29 ઓક્ટોબર 2017ના રોજ એક વર્ષ પેહલાં અમદાવાદમાં સનાથલ ગામમાં બિલ્ડર્સને ચોક્કસ રાહતો આપીને વર્ષ 2013-14માં ભાજપ સરકાર પર ઓછામાં ઓછું 500 કરોડનું જમીન કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકારની નીતિઓને ટાર્ગેટ કરતાં મોઢવાડિયાએ બિલ્ડરને ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ જમીન કપાતમાં કેટલીક રાહતો આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે સરકાર પર બિલ્ડરને એફએસઆઈમાં પણ રાહત આપી હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને એક વર્ષ થયું છતાં તેમાં સરકાર દ્વારા  કોઈ પગલાં લેવાયા નથી. કૌભાંડને 4 વર્ષ ઉપર થયું છે તેમ છતાં વિજય રૂપાણી કે નરેન્દ્ર મોદી દ્વારા કોઈ પગલાં લેવાયા નથી.

મોઢવાડિયાએ ખુલ્લો આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપની અનેક ઉચ્ચ સંસ્થાઓ પણ આ જમીન કૌભાંડમાં સંડોવાયેલી છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(ઓડા)ના પૂર્વ સીઈઓએ રાજ્ય સરકારને એક પત્ર લખીને આવી ગેરરીતિઓ થતી હોવાનું જણાવ્યું હતું. તેમને આ મામલે સરકારને કડક પગલાં ભરવા સુચવ્યું હતું. મોઢવાડિયાએ કહ્યું હતું આ પત્ર પછી ઔડાના પૂર્વ સીઈઓની તાત્કાલિક બદલી કરી નાંખવામાં આવી હતી.

મોઢવાડિયાએ કહ્યું હતું કે આ મામલે અમે એક તટસ્થ અને ન્યાયિક તપાસ થાય તે માટે હાઈકોર્ટના નિવૃત જજના વડપણ હેઠળની કમિટી રચવામાં આવે તેવી માંગ કરીએ છીએ. આ મામલે સંપૂર્ણ સત્ય બહાર આવે તેવી માંગણી કરીએ છીએ.