તળાવ બનાવીને પાણીથી ભર્યુ

– મિત્તલ પટેલ

વાલા બા બહુ હોંશિયાર ખેડુત. કાંકરેજ તાલુકાના અધગામમાં એ રહે. પોતાના ગામનું તળાવ ઊંડુ થાય એમાં સરપંચ ને ગામના અન્ય સાથે એ ખુબ મથે. એમના ગામનું તળાવ જેમ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનની મદદથી અમે ખોદાવ્યું. પણ વરસાદ પડ્યો જ નહીં.
જો કે સરકારે આ ગામનું તળાવ નર્મદાની પાઈપથી ભરાવ્યું. ને અમને તળાવ ઊંડા કર્યાનું લેખે લાગ્યા જેવું લાગ્યું.

ગામમાં બોરવેલ ઘણા ને ખેડુતો ભુગર્ભમાંથી પાણી ઉલેચી ખેતી કરે. એટલે પાણીના તળ 800 થી 1000 ફૂટ ઊંડા પહોંચ્યા. પણ તળાવ ભરાવવાનું જ્યારથી શરૃ થયું ત્યારથી ભુગર્ભમાંથી પાણી ઉલેચાવાનું પ્રમાણ ઘટ્યું.

વાલાબાએ તળાવમાં પાંચ હોર્સ પાવરની એક મોટર મુકીને પોતાના ફેઈલ ગયેલા બોરવેલના કાણામાં પાણી ઉતારવાનું કર્યું. છેલ્લા ઘણા વખતથી થતી આ પ્રક્રિયાના લીધે તેમને 500 ફુટે પાણી મળવાનું શરૃ થયું.
આ થઈ વાત વોટર રીચાર્જની. દરેક ખેડુત આવી સમજણ રાખે તો કેટલું મોટું કામ થાય એટલે જ વાલાબા માટે વિશેષ માન થયું.

આદરણીય રશ્મીનભાઈ જેમણે અમને પાણીના કામો કરવા પ્રેર્યા એ હંમેશાં કહે ક્યાંય પણ પુર આવે અને પુરનું બધુ જ પાણી જમીનમાં ઉતારવામાં આવે તો પાણીના તળ કેટલા ઊંચા આવી જાય.. આ માટે બસ સુદ્રઢ આયોજનની જરૃર છે.

ખેર અધગામનું તળાવ નર્મદાના પાણીની ભરાયું. જોઈને રાજી થયા. છીછરુ તળાવ અમે ખોદાવ્યું એટલે તળાવમાં પાણી વધુ વખત ટકશે ને ખેડુતોને ફાયદો પણ થશે. સાથે પાણી જમીનમાં ઉતરવાનું પણ ખરુ.

આભાર જેમ એન્ડ જેવલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન, આદરણીય રશ્મીનભાઈનો… આપની મદદ અને માર્ગદર્શન ના મળ્યું હોત તો આ કામો થવા મુશ્કેલ હતા.
તળાવ ખોદકામ વખતે ને તળાવ ભરાયા પછી ગામલોકોએ કરેલી વાતો વિડીયોો બનાવ્યો છે