ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 જૂલાઈ મંગળવારથી 16 દિવસ માટે શરૂ થઈ રહ્યું છે, ભાજપના વિજય રૂપણીની સરકાર દ્વારા પ્રજા કલ્યાણનાં 7 વિધેયકો લાવવામાં આવશે. જોકે, પ્રજાની વચ્ચે આ વિધેયકો રજૂ કરાયા નથી. પ્રજાના અભિપ્રાય માટે જાહેરમાં વિધેયકો લોકશાહી માટે રજૂ કરવા અત્યંત જરૂરી છે.
વિધેયકો રજૂ થશે
રક્તપિતના દર્દીઓને દિવ્યાંગ નહીં ગણી ભિક્ષાવૃતિ પ્રતિબંધ મૂકતું વિધેયક,
સિંચાઈના પાણી ચોરીના કિસ્સામાં પાણીચોર સામે કડક સજાની જોગવાઈ કરતું વિધેયક,
ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકતું વિધેયક,
લઘુતમ વેતન અને મજૂર કલ્યાણની જોગવાઈ સાથેનું વિધેયક,
ફાયર સેફટી માટે બાંધકામના નિયમોમાં સુધારા કરતું વિધેયક
3 વિધેયકો આવી ગયા
ગુજરાત વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલે જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં વિધાનસભા સચિવાલય પાસે ત્રણ જેટલા વિધેયકનો બિઝનેસ આવ્યો છે.
અંદાજપત્ર રજૂ થશે
બીજી જુલાઈના રોજ પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ દ્વારા ગુજરાતનાં વર્ષ 2019-20 ના રૂ.2 લાખ કરોડના અંદાજપત્રને રજૂ કરવામાં આવશે.
3000 પ્રશ્નો
વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મહિલા પરના દમન, ફાયર સેફ્ટી સહિતના મુદ્દાઓ અંગે સત્તાધારી પક્ષ ભાજપને ગૃહમાં ઘેરવાની વ્યૂરચના તૈયાર કરીને પ્રજા પાસેથી 3000 પ્રશ્નો મંગાવીને લેખિતમાં પૂછવામાં આવ્યા છે. આ ઉપરાંત જાહેર જનતા પાસેથી કોંગ્રેસ પક્ષે તેમના પ્રશ્નો અને સૂચનો મંગાવ્યા હતા. જેમાંથી ત્રણ હજાર પ્રશ્નોને ગૃહમાં સ્ટાર પ્રશ્નો તરીકે પ્રશ્નોતરીમાં પૂછ્યા છે.
કૃષિ પાકવીમા મુદ્દે, સુરતની તક્ષશિલાની ઘટનાને ફાયર સેફટીના મુદ્દે, ભાજપના ધારાસભ્ય દ્વારા મહિલાને જાહેરમાં મારપીટ કરવાના મુદ્દા અંગે, રાજ્ય સરકારની પોલિસી પેરાલિસિસ મુદ્દે, શિક્ષણ, બેરોજગારી, ખેડૂતોના મુદ્દાઓ અંગે, સફાઈ કામદારોની સુરક્ષા સહિતના મામલે સરકારને સકંજામાં લેવાનો પ્રયાસ કરાશે.
વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ હતું કે, રાજયમાં ચૂંટણીઓ પૂરી થઈ છે, પરંતુ સમસ્યાઓ તો યથાવત છે. ખેડૂતોના પાકવીમાના પ્રશ્નો હોય કે ફાયર સેફટીના પ્રશ્નો હોય. મંદી, મોંઘવારી, સરકારની પોલિસી પેરાલિસિસની સ્થિતિ, ભાજપના ધારાસભ્ય દ્વારા સાથે મહિલા જાહેરમાં કરાયેલું દમન અને અત્યાચાર, ભ્રષ્ટાચાર, શિક્ષણ, આરોગ્ય સહિતના અનેક મુદ્દાઓ ઠેરના ઠેર છે. આ તમામ મુદ્દાઓને કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવશે.