ભારતે ભાષાવાર રાજ્યો રચવાનું ધ્યાનમાં લીધું પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું. વધુમાં તેમાં સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય અને મધ્ય પ્રદેશના નાગપુર વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદના મરાઠાવાડાને ઉમેરવાનું સૂચન કર્યું. મુંબઈ રાજ્યના સૌથી દક્ષિણના વિસ્તારો મૈસુર રાજ્યમાં ઉમેરવામાં આવ્યા. એટલે તેમાં ગુજરાતી ભાષા બોલતા લોકો ઉત્તરમાં અને મરાઠી ભાષા બોલતા લોકો દક્ષિણમાં હતા.
ગુજરાતી અને મરાઠી બંને લોકોએ SRCના સૂચનોનો વિરોધ કર્યો અને અલગ ભાષાવાર રાજ્યોની જલદ માગણી કરી. સ્થિતિ ગૂંચવાડા ભરી બની કારણ કે, બંનેને તેમના રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ અને પંચરંગી એવા મુંબઈ (તે વખતે બોમ્બે)નો સમાવેશ પોતાના રાજ્યમાં કરવો હતો. જવાહરલાલ નહેરુએ આ પરિસ્થિતિ નીવારવા માટે ત્રણ રાજ્યોની રચના કરવાનું સૂચન કર્યું: મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત શહેર – મુંબઈ રાજ્ય.
મોરારજી દેસાઈ
મુંબઈ અને અન્ય મરાઠી બોલતા જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્ય માટેની માગણી સાથે વિરોધ ફાટી નીકળ્યો જે પછીથી સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન તરીકે ઓળખાયો. ત્યારના મુંબઈના મુખ્યમંત્રી તેના વિરોધમાં હતા. ૮ ઓગસ્ટ ૧૯૫૬ ના દિવસે જ્યારે અમદાવાદમાં કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલ કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં અલગ રાજ્યની માગણી લઇને ગયા ત્યારે મોરારજી દેસાઈએ તેમને સાંભળ્યા નહી અને પોલીસની કાર્યવાહીને કારણે પાંચથી આઠ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. તેને કારણે સમગ્ર ગુજરાતમાં દેખાવોની શરૂઆત થઇ. ઇન્દુલાલ યાજ્ઞિક નિવૃત્તિમાંથી બહાર આવ્યા યાઅને આંદોલનને દિશા આપવા માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. ઇન્દુલાલ યાજ્ઞિક અને દિનકર મહેતા જેવા ઘણાં આંદોલનકારીઓની ધરપકડ થઇ અને તેમને અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે રાખવામાં આવ્યા અને પછીથી સાડા ત્રણ મહિના સુધી સાબરમતી જેલમાં બંધ રાખવામાં આવ્યા. દેખાવો ગુજરાતના ઘણાં ભાગોમાં પ્રસર્યા અને મોરારજી દેસાઈ અઠવાડિયાના ઉપવાસ પર ઉતરી ગયા. લોકો તેમને સમર્થન આપવા માટે આગળ ન આવ્યા અને સ્વંયભૂ સંચારબંધીનો અમલ કર્યો જેને જનતા સંચારબંધી કહેવાઇ. નહેરુએ સૂચવ્યા પ્રમાણે ૩ રાજ્યોની ઘોષણા કરતાં થોડા સમય જ પહેલાં ૧૮૦ જેટલા સંસદસભ્યોએ દ્રિભાષી મુંબઈ રાજ્ય જાળવી રાખવાનું સૂચન કર્યું હતું. મુંબઈ અને ડાંગની સમસ્યાઓ મંત્રણાઓ દ્વારા ઉકેલી શકાઇ. ગાંધીવાદી ચળવળકાર ઘેલુભાઈ નાયકે ડાંગને ગુજરાતમાં સમાવી લેવાની ભારે તરફેણ કરી હતી. છેવટે મુંબઈ મહારાષ્ટ્રને જ્યારે ડાંગ ગુજરાતના ફાળે ગયું.
આ આંદોલનમાં ભાગ લેનારા મહત્વના વ્યક્તિઓ નીચે પ્રમાણે હતા:
ઇન્દુલાલ યાજ્ઞિક, આંદોલનના નેતા
સનત મહેતા
દિનકર મહેતા
વિદ્યાગૌરી નિલકંઠ
શારદા મહેતા
અશોક ભટ્ટ
બુદ્ધિબેન ધ્રુવ
રવિશંકર મહારાજ
બ્રહ્મકુમાર ભટ્ટ
પ્રબોધ રાવલ
હરિહર ખંભોળિયા
દિનકર અમીન
રમણિકલાલ મણિયાર
રણજીતરાય શાસ્ત્રી
માર્કંડ શાસ્ત્રી