રાજ્ય સરકારે ગુજરાતમાં મગફળીના કુલ ઉત્પાદનના 25% લેખે 6.5 લાખ મેટ્રિક ટન મગફળીની 90 દિવસમાં ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે જે મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 90 દિવસમાં 80684 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે એક ચોક્કસ આયોજન કરી નાફેડ અને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે એક માર્ગદર્શક પુસ્તિકા જાહેર કરવામાં આવી છે. જેના નિયમો મુજબ મગફળીની ખરીદી કરવામાં આવે તો 90 દિવસમાં નક્કી કરેલો લક્ષ્યાંક સિદ્ધ થાય એમાં કોઈ શંકા નથી. પણ આ માર્ગદર્શક પુસ્તિકાના નિયમો પુસ્તિકામાં જ દબાઈ ને રહી ગયા વાસ્તવિકતામાં નિયમોની 10 થી 15% કામગીરી થાય છે.
માર્ગદર્શક પુસ્તિકામાં દર્શાવ્યા મુજબ દરેક મોટા કેન્દ્ર પર 10 વજન કાંટા, 10 ગ્રેડર(ગુણવત્તા ચકાસનાર), 10 તોલાય માટે વ્યક્તિ હોવા જોઈએ પ્રત્યેક નાના કેન્દ્રો પર 5 – 5 ની ટિમ હોવી જોઈએ પરંતુ તેની સામે એક કે બે ગ્રેડર થી કામ ચલાવવામાં આવે છે. જેના કારણે જે ખરીદી થવી જોઈએ તેની 10 થી 15 % જ ખરીદી થાય છે ને જો આજ ગતિએ ચાલ્યું તો નક્કી કરેલો જથ્થો ખરીદવામાં 90 દિવસના બદલે 900 દિવસ થાય તો પણ નવાઈ નહિ!
15 નવેમ્બર 2018 થી મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં આવી છે જિલ્લામાંથી 90 દિવસમાં 80684 ટન મગફળી ખરીદી કરવી હોય તો રોજના લગભગ 900 ટન મગફળીની ખરીદી થવી જોઈએ તેની સામે અત્યારે લગભગ 150 થી 200 ટન રોજની ખરીદી થાય છે. અંદાજે જે 700 ટન જેટલી મગફળી રોજની ખરીદી કર્યા વગર મુલતવી રહી જાય છે. એ ખેડૂતોને સીધેસીધું નુકશાન છે. અને એના માટે નિયમોનું ઉલ્લંઘન કરનાર કર્મચારીઓ/અધિકારીઓ જવાબદાર છે, તેમના આયોજનના અભાવનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. જ્યારે રાજ્ય સરકારે ચોકસ નિયમો બનાવ્યા છે. તો તેનું પાલન શા માટે કરવામાં નથી આવતું અને જો પાલન ન થતું હોય તો કાયદાનો ભંગ કરનાર કર્મચારી/અધિકારી સામે કાયદાકીય પગલાં શા માટે લેવામાં નથી આવતા? માર્ગદર્શક પુસ્તિકામાં કેટલીયે વાર એવું લખાયું છે કે ખેડૂતો હેરાન ન થાય તેની તકેદારી રાખવી અને તેની સામે વાસ્તવિકતા એ છે કે માત્ર ખેડૂતો જ હેરાન થાય છે. માર્ગદર્શક પુસ્તિકામાં આખરી નિર્ણય લેવાની, નિર્ણયોમાં સુધારા વધારા કરવાની આખરી સત્તા કલેકટરને આપવામાં આવી છે. હવે પછીના બાકી દિવસોમાં 76000 ટન જેટલો મગફળીનો જથ્થો ટેકાના ભાવે ખરીદવાનો બાકી છે. તે મુજબ એક ચોકસ આયોજન કરવામાં આવે રોજના 200 ખેડૂતોને બોલાવવા પડે તો બોલાવી તે મુજબ જરૂરી સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે ઓનલાઈન કરેલું હોય તેવા એકપણ ખેડૂતની મગફળી બાકી રહી ન જાય તેવી સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને તે મુજબ નક્કી થયેલું આયોજન દિવસ 8 માં જાહેર માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવે જેથી જિલ્લાના ખેડૂતો માહિતગાર થાય, ટેકાની ખરીદીની યોજના પરથી ખેડૂતો વિશ્વાસ ગુમાવી બેઠા છે. જેથી તેઓ અત્યારે સસ્તા ભાવે ખુલા બજારમાં મગફળી વેચવા મજબુર થઈ રહ્યા છે. તે ખેડૂતોને ફરીથી વિશ્વાસ સંપાદન થાય અને ખેડૂતોને ખરા અર્થમાં ટેકો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. વિના વિલંબે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને તેમનો હક્ક આપવામાં આવે તેવી ખેડૂત સંગઠનના પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતુ.