આમ આદમી પક્ષ હવે, ગુજરાતમાં ખાસ આદમી પક્ષ બની ગયો

Aam Aadmi Party has now become Khas Aadmi Party in Gujarat, गुजरात कि आम आदमी पार्टी अब खास आदमी कि पार्टी बन गयी है

લોક-જંગ

ગુજરાતમાં લોકભાની બેઠકો જીતવા કેજરીવાલે પક્ષના નેતાઓના વર્તન અને સંગઠન સુધારવા પડે તેમ છે, જેટલાં નેતા એટલાં વિખવાદ આમ આદમી પક્ષમાં છે.

દિલીપ પટેલ

અમદાવાદ, 8 સપ્ટેમ્બર 2023

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં 42 લાખ મત મેળવનારા આમ આદમી પક્ષમાં જેટલાં મત મળ્યા એટલાં મતભેદો ઊભા થઈ રહ્યાં છે. એટલા મત લોકસભાની ચૂંટણીમાં મળશે કે કેમ તે સવાલો ઉભા થઈ રહ્યાં છે.  વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને 70 રાજકીય પક્ષોના 1,621 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જેમાં આમ આદમી પક્ષના કેટલાંક ઉમેદાવરોએ તો ઉમેદવારી પરત ખેંચી હતી. ત્યારથી વિખવાદ હતા. પક્ષ પ્રમુખને હાંકી કઢાયા બાદ વિખવાદ વકરી ગયા છે. આજે વિખવાદો ચરમસીમા પર છે.

પહેલાં તો મુખ્ય પ્રધાન તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર કરાયું ત્યારથી મોટા વિવાદો શરૂ થયા હતા. જેમાં ઈન્દ્રનીલ રાજગુરુ એક હતા. તેઓ પક્ષ છોડીને કોંગ્રેસ સાથે જોડાઈ ગયા હતા. આવા વિખવાદો આજ સુધી ચાલુ છે. લોકસભાની 2024ની ચૂંઠણીમાં પણ આ મુદ્દો રહેવાનો છે. કારણ કે ભારતના બંધારણમાં મુખ્ય પ્રધાન નક્કી કરવાનો અધિકાર કોઈ પક્ષે નથી. તે નક્કી ન કરી કરવાનો અધિકાર ચૂંટાયેલા ધારાસભ્યોને છે.

વિધાનસભાની ચૂંટણી પછી પક્ષ પ્રમુખ ગોપાલ ઈટાલીયાને ગડગડીયું પકડાવી દેવામાં આવ્યું હતું. તેમને પ્રદેશ પ્રમુખ પદેથી હાંકી કાઢીને હારેલા ઉમેદવાર ઈસુદાન ગઢવીને દિલ્હીના આદેશથી બેસાડી દેવાયા હતા. ગોપાલને ગુજરાત નિકાલ કરીને મહારાષ્ટ્રમાં ફેંકી દેવામાં આવ્યા છે. ત્યારથી તેઓ નારાજ છે. ભાજપ અને કોંગ્રેસમાં જેટલાં જૂથ છે તેનાથી વધારે આમ આદમી પક્ષના રૂંવાડે રૂવાંડે ફાંટા છે. માથાના વાળ જેટલાં વાડા છે. આટલા તો કોંગ્રેસમાં પણ નથી.

ઈસુદાન ગઢવી આજે પણ મુખ્ય પ્રધાન બની ગયા હોય એવા વહેમમાં ફરી રહ્યાં છે. કાર્યકરોના તેઓ ફોન પણ ઉપાડતાં નથી. રોજના 500 ફોન આવે તો તેના અંગત મદદનીશ ઉપાડે છે. મોટાભાગે તો મદદનીશ ફોન ઉપાડતાં પણ નથી. લોકો ગઢવીથી પરેશાન છે, તેથી રાજીનામાં આપીને કોંગ્રેસ તરફ પ્રવાહ શરૂ થયો છે. હવે અનેક લોકો રાજીનામાં આપવાના છે. લોકસભાની ચૂંટણી જેમ નજીક આવશે તેમ રાજીનામા આપવાની ગતિ વધવાની છે.

ઈસુદાન પાસેથી આમ આદમી પક્ષ જવાબ અને હિસાબ માંગી રહ્યો છે. તેથી ગઢવીએ આખા રાજ્યમાં હોદ્દેદારો બનાવી દેવાની દુકાન ખોલી છે. રોજ 500થી 600 હોદ્દા આપવામાં આવી રહ્યાં છે. જે હોદ્દો માંગે તેને અપાય છે. જૂના જોગીઓને કઢાય છે.

16 સપ્ટેમ્બર 2023માં કાર્યક્રમ થઈ રહ્યો છે. 2 લાખ કાર્યકરો ભેગા કરવા માટે  હોદ્દાની લહાણી થઈ રહી છે. હવે 52 હજાર બુથ પર નિયુક્તી કરવામાં આવશે. યાદી આપવામાં આવે છે, તેમને હોદ્દા આપી દેવામાં આવે છે.

500થી વધારે લોકો રાજીનામાં આપી દેવાની તૈયારી કરી રહ્યાં છે. વિધાનસભામાં 40 હજારથી વધારે મતો મેળવનારા પણ હવે પક્ષ છોડી દેવાની તૈયારીમાં છે.  તે પણ ઈસુદાનના કારણે. કારણ કે, ઈસુદાનના મગજ અને દીલમાં અહંકાર ભરેલો છે. તે નિકળતો નથી. તેઓ ટીવી શો ચલાવતાં હોય એમ પક્ષ ચલાવી રહ્યાં છે. તેમને મુખ્ય પ્રધાનનો ચહેરો જાહેર કર્યા પછી તેનો નશો હજુ ઉતરતો નથી. આ નશો પક્ષને લોકસભાની ચૂંટણી સુધીમાં ડૂબાડી દેશે.

ગુજરાતના લોકો કોંગ્રેસને નહીં પણ આમ આદમી પક્ષને ઈચ્છે છે પણ ઈસુદાન ગઢવી પક્ષને ઈચ્છતા હોય એવું લાગતું નથી.

વિધાનસભામાં ટિકિટો વેંચી એવું હવે લોકસભાની ચૂંટણીમાં પણ થશે.

પક્ષમાં નેતાગીરી નહીં પણ દાદાગીરી ચાલે છે. અરવિંદ કેઝરીવાલને હવે ગુજરાતમાં કોઈ રસ હોય એવું લાગતું નથી. નહીંતર આવું તો સાવ ન ચલાવી લે. દિલ્હી નથી જાણતાં આવું નથી. દિલ્હી જઈને લોકોએ ફરિયાદો કરી છે.

2022માં 50 બેઠકો મળે તેમ હતી ત્યાં 6 બેઠકોથી સંતોષ માની લેવાયો છે. લોકસભામાં 13 બેઠકો જીતવા માટે શેખચલ્લીના સ્વપ્ન જોવામાં આવી રહ્યાં છે.

ઈસુદાન ગઢવીએ હમણાં જ એક અપરિપક્વ નિવેદન કર્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સાથે રહીને લોકસભાની ચૂંટણી લડવામાં આવશે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા તેનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે રહીને ચૂંટણી લડવા માટે કોઈ તૈયાર ન હતું, આમ આદમી પક્ષે 40 ટકા ટિકિટો માંગી હતી. હવે લોસભામાં 50 ટકા બેઠકો કોંગ્રેસ પાસેથી માંગવાની ફિકારમાં આમ આદમી પક્ષ છે. આમ રાજકારણ રમાય?

વિધાનસભા હાર્યાં ત્યારે 4 નેતાઓએ સાથે મળીને સમીક્ષા કરી લીધી હતી. રાજ્ય કક્ષાની કાર્યકારીણી બોલાવવામાં આવતી નથી. હારના કારણો જાણ્યા હોત તો હારેલા નેતાને પક્ષ પ્રમુખ બનાવ્યા ન હોત. 10 – 12 વર્ષ જૂના જેટલાં લોકો હતા, તે નારાજ છે. કિશોર દેસાઈ જેવા ગાંધીવાદી અને આમ આદમી પક્ષમાં પોતાનું પેન્શન અને પીએફ આપી દેનારા નેતાએ આખરે કંટાળીને રાજીનામું આપી દેવું પડ્યું હતું. તેમનું વારંવાર અપમાન કરવામાં આવતું હતું. અગાઉ આમ આદમી પક્ષના 5 પ્રમુખોને જે રીતે અપમાનિત કરીને હાંકી કાઢવામાં આવ્યા હતા. એવું જ કિશોર કાકા અને ગોપાલ ઈટાલીયા સાથે થયું છે. આ બધું જ લોકસભાની ચૂંટણીમાં નડવાનું છે. કિશોર દેસાઈને કહી દેવામાં આવતું હતું કે તમને ખબર ન પડે, એવું કહીને તેમને હડધૂત કરવામાં આવતાં હતા. બે મહીના પહેલાં તેમણે રાજીનામું આપી દીધું હતું. 13

પક્ષના માલિકો હોય એ રીતે ગઢવી અને તેની સાથેના બીજા 4 નેતાઓ વર્તી રહ્યાં છે. કોઈને સાંભળવાનું નહીં. કોઈની સાથે વાત ન કરવાની તુમાખી નેતાઓના મગજમાં ભરાઈ ગઈ છે.

ગુજરાતના લોકો હવે ભાજપ અને કોંગ્રેસથી કંટાળેલા છે. ગુજરાતના લોકો લોકસભામાં ભાજપ સિવાયના સાંસદોને મોકલવા માંગે છે. પણ આમ આદમી પક્ષ તે સમજવા તૈયાર નથી.

ગુજરાતના પ્રભારી રહેલાં ગુલાબસિંહ, મનોજ પનારા, સંદીપ પાઠક, ગોપાલ ઈટાલિયા અને ગઢવીની પક્ષપાત કરવામાં ભૂંડી ભૂમિકા છે. ચંડાળ ચોકડી પક્ષનું ધનોતપનોત કાઢી રહી છે.

7 સંગઠન મંત્રીનો પાયો હતો. હાલ 7 કાર્યકારી અધ્યક્ષ છે. જેમાં રામભાઈ ધડુક, અજીત લોખીલ, નીમીષાબેન ખુંટ, હસમુખભાઈ પટેલ, રમેશ નાભાણી સાથે સારો વ્યવહાર ન હોવાથી તેઓ પરેશાન છે. મોરચાના હોદ્દાદારો ખુશ નથી. બધા રાહ જોઈને બેઠા છે. મોટાભાગના લોકો પક્ષ છોડવાની તૈયારી છે.

મહામંત્રી મનોજ શોરઠીયા પોતે કાર્યકરો અને હોદ્દેદારોને અમાન કરીને અપશબ્દો બોલીને કામ કરાવે છે. અપમાનિત કરે છે. કાર્યકરો કંપનીના કર્મચારી હોય તે રીતે તેને ધમકાવે છે. પગારદાર કર્માચારી હોય એમ કર્યકરો સાથે વર્તન કરે છે. મહામંત્રી જો આવું કરતાં હોય તો પછી કાર્યકરો કોની પાસે આશા લઈને જાય. આ રીતે સંગઠન ન ચાલે. કાર્યકરો ઈમાનદાર છે. ઘરના ખર્ચે કામ કરનારા હતા. તેઓ હવે થાકી ગયા છે. કેઝરીવાલ જો પ્રદેશ પ્રમુખની વહેલી તકે ચૂંટણી નહીં કરે તો લોકસભાની ચૂંટણીમાં પક્ષની પરેશાની વધવાની છે. વિધાનસભાની ચૂંટણીમાં કાર્યકરોને પક્ષે એક રૂપિયો પણ ખર્ચનો આપ્યો નથી. કાર્યકરોએ પોતાની મૂડી ખર્ચીને પક્ષને ઊભો રાખ્યો છે. તે પક્ષ પ્રમુખ સમજવા તૈયાર નથી.

ગુજરાતના લોકો આમ આદમી પક્ષને ઈચ્છે છે. તેઓ ભાજપ અને કોંગ્રેસને હાંકી કાઢવા માંગે છે. આ તક સમજવા આમ આદમી પક્ષના નેતા તૈયાર નથી. તુમાખી અને અહંમ ભરેલા છે.

7 કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. આ અધ્યક્ષોમાંથી કેટલાક તો બીજા પક્ષોના નેતાઓ સાથે સંકળાયેલા છે. ચૂંટણી હાર્યા તેઓ પક્ષ છોડીને જતાં ન રહે તેતી અમુક રાજ્યના સહપ્રભારી બનાવાયા છે. તેમાંથી કેટલાંક તો સામેના પક્ષ સાથે સુંવાળા સંબંધો રાખે છે. આ બધા જ પક્ષને ડૂબાડી રહ્યાં છે.

પ્રમુખ પદેથી હઠાવતાં ગોપાલ ઈટાલીયા મનોજ પનારા અને ઈસુદાનથી નારાજ છે. અંદરો અંદર ખટરાગ છે. સુરતના ઘણાં કોર્પોરેટરો નારાજ છે. તેઓ શરમના માર્યા પક્ષ સાથે ટકી રહ્યાં છે. જિલ્લા પ્રમુખોના ફોન ઈસુદાન ગઢવી ઉપાડતા નથી. તો પછી સામાન્ય માણસોના ફોન કેમ ઉપાડે. તો પછી સંગઠન કઈ રીતે ચાલશે? અરવિંદ કેઝરીવાલે આ મુદ્દો વિચારવા જેવો છે.

આમ આદમી પક્ષમાં હોદ્દેદારો નિયુક્ત કરવા કે પક્ષ પ્રમુખની ચૂંટણી ક્યારેય કરવામાં આવી નથી. લોકશાહી વિરોધની કાર્યવાહી થાય છે.

નારાજ થઈને ઉત્તર ગુજરાતના મજબૂત નેતા ભેમાભાઈ ચૌધરીએ ઈસુદાનના કારણે રાજીનામું આપીને પક્ષ છોડી દેવો પડ્યો છે. આવા બીજા બે ડઝન હોદ્દાદારોએ પક્ષ છોડી દીધો છે.

અરવિંદ કેઝરીવાલે ગુજરાતમાં આવીને પક્ષને ઠીકઠાક કરવો પડે તેમ છે. વિધાનસભાની ચૂંટણી પતી પછી ભલે કેજરીવાલ ગુજરાતમાં ન આવ્યા હોય પણ હવે સમય થઈ ગયો છે કે ભાજપને હરાવવો હોય અને કોંગ્રેસને કાઢવી હોય તો કેજરીવાલે ગુજરાત આવવું પડશે. સંગઠન દિલ્હી બેસીને નહીં ચાલી શકે. ગુજરાતની ધરતી પર આવવું પડશે. નહીંતર હાર નક્કી છે.