ACBએ મોડાસાના લાંચીયા PSI કે.ડી.બ્રહ્મભટ્ટની ધરપકડ કરી

મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી. બ્રહ્મભટ્ટ વર્ષ-૨૦૧૮માં માલપુર પોલીસે સ્ટેશનમાં ફરજબજાવતા હતા, ત્યારે દુષ્કર્મના કેસમાં આરોપીને ફાયદો થાય તે રીતે કાગળ કરી આપવા જે તે સમયે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી ૨ લાખ ૨૫ હજાર રૂપિયા અગાઉ લીધા હોવા છતાં દુષ્કર્મના આરોપીને બાકીના રૂપિયા માટે દબાણ કરતા ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા ૭ જુલાઈએ મોડાસા સહયોગ ચોકડી નજીક ગાંધીનગર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદી પાસેથી પીએસઆઈ કે.ડી. બ્રહ્મભટ્ટ ૨૦ હજાર રૂપિયાની લાંચ લીધી હતી. એસીબીની ટ્રેપની ગંધ આવી જતા લાંચના ૨૦ હજાર રૂપિયા લઈ રફુચક્કર થઈ જતા નાસતા ફરતા પીએસઆઈને ઝડપી લેવા એસીબીની ટીમે સંભવિત સ્થળોએ રેડ પાડવાની સાથે રાજ્યના તમામ પોલીસ મથકોમાં જાણ કરવામાં આવી હતી.

મોડાસા ટાઉન લાંચીયો પીએસઆઈ કે.ડી. બ્રહ્મભટ્ટ ૪ દિવસ ભૂગર્ભમાં રહ્યા પછી શનિવારે રાત્રે સામેથી ગાંધીનગર એસીબી ઓફિસમાં હાજર થઈ જતા ગાંધીનગર એસીબી ટીમના તપાસ અધિકારી આર.એન પટેલ અને તેમની ટીમે પીએસઆઈને રવિવારે ગાંધીનગરથી લઈ આવી મોડાસા સેસન્સ કોર્ટના જજ આગળ રજુ કરતા પીએસઆઈ  કે.ડી. બ્રહ્મભટ્ટના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. ગાંધીનગર એસીબીની ટીમે પાંચ દિવસના રિમાન્ડ મંજુર થતા આગળની કાર્યવાહી હાથધરી હતી.

જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ફોન ઉપાડવાનું ટાળ્યું        

મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી. બ્રહ્મભટ્ટના નામે મોબાઈલની દુકાનમાં તોડ કરવા ગયેલા વહીવટદારનો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલ વિડીયો અંગે પણ જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલને તપાસ સોંપી હતી. કુલડીમાં ગોળ ભાગ્યો હતો. તેના થોડા દિવસ પછી પીએસઆઈ બ્રહ્મભટ્ટ લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ફસાયા હતા. આ ઘટનાને ૬ દિવસ થયા તેમ છતાં સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની અને સસ્પેન્ડ કરવા કોઈ મુહર્તની રાહ જોઈ રહ્યા હોય તેવી માહિતી પોલીસસુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થતા આ અંગે જીલ્લા પોલીસવડા મયુર પાટીલનો ટેલિફોનિક સંપર્ક સાધતા ફોન ઉપાડવાનું મુનાસીબ માન્યું ન હતું. પોલીસબેડામાં ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ અને કર્મચારીઓને એસપી મયુર પાટીલના ચાર હાથ હોવાનું પ્રામાણિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે.