અમદાવાદમાં દબાણ – ચંડોળા બાદ રામવાડી ઈસનપુરના મકાનો તોડાયા

અમદાવાદ, 27 નવેમ્બર 2025

AMC-પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ચંડોળા તળાવમાં 12500, રખિયાલમાં 450, મકરબામાં 292, અન્ય રીતે 2 હજાર મકાનો કે ઝૂંપડા તોડાયા હતા. આમ કુલ હમાણાંના સમયમાં 17 હજાર મકાનો અને ઝુંપડા તોડી પડાયા હતા. અજીત મીલ ચાર રસ્તા પાસે એસ.પી. ઓફિસ પાછળ 400 છાપરાં અને કાચા મકાનો તોડાયા હતા.

ઈસનપુર વિસ્તારમાં વસતા નાગરિકો ડિમોલિશન બાદ વિસ્થાપિત થયા છે. અમદાવાદના ઇસનપુર તળાવ પાસે 24 નવેમ્બર 2024ના રોજ બાંધકામ તોડી પડાયા હતા. 5000થી વધારે લોકો બેઘર થયા હતા.
ડિમોલિશન કામગીરી હાથ દરમિયાન એક જ દિવસમાં હજારો મકાનો તોડી નાખવામાં આવ્યા, જેમાં 5000 થી વધારે લોકો બેઘર થયા હતા. સમય આપ્યા વગર મકાનો તોડી પાડવામાં આવ્યા . ઘરવખરી સહિતનો સામાન કાટમાળમાં દબાઈ ગયો છે. હાલ આ પરિવારોની હાલત કફોડી છે, અને ડિમોલિશન બાદ વિસ્થાપિત થયેલા લોકો રઝળી પડ્યા છે.

ઇસનપુર તળાવ અંદાજિત 96 હજાર મીટરમાં ફેલાયેલું છે, જેમાં 30 ટકા ભાગમાં દબાણ હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પહેલા આ ઘર માલિકોને 3 નોટિસ મોકલવામાં આવી હતી. દિવાળીને કારણે ડિમોલિશન મોડું થયું. ચાર ભાગમાં કામગીરી કરવામાં આવી છે. 925 રહેણાંક મકાન તોડવામાં આવ્યા. 167 ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ હતા.

અમદાવાદ શહેરમાં 115 તળાવ છે. જેમાં ચંડોળા અને કાંકરિયા તળાવ પછી ઇસનપુર તળાવ શહેરના ત્રીજા નંબરનું સૌથી મોટું તળાવ છે.

ઇન્દિરા ગાંધીના સમયે આ જગ્યા ફાળવવામાં આવી હતી. પહેલા આ ખેતર હતું. ચાર પેઢીના પુરાવા હતા. 40 થી 50 માલધારી પરિવાર હતા. રામવાડી ઇસનપુર ટેકરાનો ગ્રામ પંચાયતે તલાવડીનો વિકાસ કર્યો હતો. ગ્રામ પંચાયતને વેરો ભરવા માટેની 11 રૂપિયા 12 રૂપિયાની પહોંચ હતી.

95 હજાર 640 ચો.મી. વિસ્તાર ખુલ્લો થયો, ઘર આપ્યા વિના માત્ર ફોર્મ ભરાવ્યાં; બેઘર થઈ જતાં મહિલાઓ રડી રહ્યા હતા. આંખોમાં આંસુ હતા.

આફત
રોડ પર ખાટલા નાખીને રહેવા લાગ્યા હતા. યુવાન છોકરીઓ રોડ પર ઊંઘે. ઘણા વિધવા બહેનો છે. મજૂરી કરને રહેવાનો વર્ગ મોટી હતો. ઘણા લોકો 80 વર્ષથી રામવાડીમાં રહેતા હતા. હવે કોઈ સહારો નથી. ખાવા માટે પણ કશું નથી, બે દિવસથી જમ્યા વગર હતા. ઠંડીમાં ઓઢવા માટે ધાબળા કે કપડાં નથી. સામાન કાટમાળમાં દટાઈ ગયો. ભાડાના મકાન રાખવા પૈસા નથી. વિદ્યાર્થિઓના યુનિફોર્મ અને બેગ કાટમાળમાં દટાઈ ગયા. સામાન કાઢવા જેવી હાલત નથી, બધો સામાન કાટમાળમાં દટાઈ ગયો છે. બાળકોનું ભણતર બગડ્યું હતું.

કાયદો
10 રહીશો હાઇકોર્ટમાં ગયા હતા. ડિમોલિશનની નોટિસ સામે અરજી કરનાર અરજદાર પાયલબે હતા, વડી અદાલતે બાંધકામો તોડી પાડવા માટે આદેશ આપ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, તેની મુદત ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં આપવામાં આવી હતી. તે પહેલા જ આટલું મોટું ડિમોલિશન કરવામાં આવ્યું. એક અઠવાડિયા માટે રાહત માંગી, તેમ છતાં બુલડોઝર ચલાવવામાં આવ્યું. છ માસ પહેલા દબાણની ફરતે આવેલા 167 કોમર્શિયલ બાંધકામો તોડી પડાયા હતા. જ્યારે રહેણાંક મકાનો તોડવા માટે જે-તે વખતે કાર્યવાહી કરાઈ ન હતી. જોકે, મ્યુનિ. દ્વારા ચોમાસા પહેલા રહેણાંક મકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી.
દિવાળી પહેલા કાર્યવાહી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 20 નવેમ્બરે ડિમોલિશન કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિકો દ્વારા મ્યુનિ. સમક્ષ મકાનમાં રહેલા માલસામાન સહિતની સામગ્રી ખસેડવા માટે ચાર દિવસનો સમય માંગ્યો હતો. જેથી 20 નવેમ્બરના રોજ પણ ડિમોલિશન કરાયું ન હતું.
3 વર્ષ પહેલાં દબાણો દૂર કરવાનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

1250 કર્મચારીઓ
કોર્પોરેશનના વિવિધ વિભાગના 700 કર્મચારીઓ અને અધિકારીઓ હતા. એક ડીસીપી, એક એસીપી ઉપરાંત 12 પીઆઈ અને 33 પીએસઆઈ સાથે 500 પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો. 12 હિટાચી, 8 જે.સી.બી., 12 ડમ્પર ઉપરાંત 12 દબાણની ગાડીઓ સહિતની મશીનરી હતા.  વીજ જોડાણ ટોરેન્ટ પાવરના કર્મચારીઓ, ફાયર વિભાગ તથા મેડિકલ વાન હતી. મ્યુનિ. અને પોલીસ વિભાગના મળી 1250 જેટલો સ્ટાફ

તો બીજી તરફ લોકો પણ કહી રહ્યા છે કે, પહેલા બીજા મકાન આપવા વાયદો કર્યો હતો અને અમને હવે AMCએ રોડ પર લાવી દીધા છે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇસનપુર તળાવનું બ્યુટી ફિક્શન કરવા માટે તળાવમાં 60 વર્ષથી વસવાટ કરતા 1000 પરિવારને હટાવવામાં આવ્યા તેમના આવાસો તોડવાની કામગીરી કરવામાં આવી હતી. ઘણા તો 1948 પહેલાથી રહેતા હતા. પાયલબેન મરાઠી 70 વર્ષથી રામવાડીમાં રહેતા હતા. પાંચ પેઢીથી અહીંયા 5 રૂપિયાનો ઘર વેરો ભરીને રહેતા હતા.

એસ્ટેટ સમિતિના અધ્યક્ષ પ્રિતેશ મહેતા હતા. રાજકીય પાંખને કોઈ ખબર ન હોવાનું કહેવામાં આવ્યું હતું. ડે. મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલ હતા. સવારે 6 વાગે અહીંયા ડિમોલેશન કરવા માટે કોર્પોરેશનના કર્મચારીઓ અને પોલીસનો કાફલો આવી ગયો હતા.

દબાણ દૂર કરતા પહેલા નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવાના હતા. તેના માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મકાન તો 2 વર્ષ પછી મળશે ત્યાં સુધી ક્યાં રહેશે. ગરીબોને રોડ પર લાવી દીધા. 21 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

તળાવ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામા આવશે.સ્ટ્રોમ વોટર લાઈન મારફતે તળાવને વરસાદી પાણીથી કરવામાં આવશે.જેને લઈ આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ થશે અને વરસાદી પાણી તળાવમાં નાખવામાં આવશે. તળાવમાં મનપા દ્વારા જ ડ્રેનેજ લાઈનો નાખવામાં આવી છે.

10 વર્ષ પહેલા તળાવની જગ્યામાં પુરાણ કરી કેટલીક દુકાનો તોડવા એ સમયે કલેકટર કચેરી તરફથી નોટિસ પણ આપવામા આવી હતી. પરંતુ એ સમયના  ઈસનપુર વોર્ડના એક કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખની દુકાનોને પણ તોડવાની નોટિસ તંત્ર તરફથી આપવામા આવી હતી. જે અટકાવી હતી.

વિકાસ નહીં
અમદાવાદ શહેરમાં 40 વર્ષ પહેલા ઈસનપુરને ભેળવી દેવાયું હતું.
1986-87થી આજ સુધી થયેલી શહેર ચૂંટણીમાં ભાજપાનું એકચક્રી શાસન છે. ઈસનપુરને મીની “રાયપુર-ખાડીયા” કહેવામાં આવે છે. કોંગ્રેસ નિષ્ક્રિયતાનો લાભ પણ ભાજપને મળી રહ્યો છે. ભાજપનો ગઢ હોવા છતાં આ વિસ્તારમાં પ્રજાલક્ષી કામો થતા નથી. વિકાસને બાર ગાઉનું છેટુ રહ્યું છે. પરંતુ કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવવામાં પણ નિષ્ફળ રહી છે.
ટી.પી.સ્કીમો મંજૂર થવામાં વિલંબ થયો. રાજકીય બિલ્ડરો અહીં વધારે છે.
પ્રજાકીય કામો માટે રિઝર્વ પ્લોટ રહ્યા નથી. તમામ સરકારી જમીન પર કોમર્શિયલ પ્રકારના બાંધકામ થઇ ગયા છે. જેને તોડવા માટે 10 વર્ષ અગાઉ કલેકટર ક્ચેરી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. વહેવાર બાદ નિર્ણય પડતો મૂકાયો હતો.
સરકારી જમીન પર થયેલ દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા છે. 132 ફીટ રીંગ રોડ પરના એક માત્ર કીંમતી ખુલ્લા પ્લોટ પર ઓપન ટુ સ્કાય પાર્કીંગ બનાવવાની ફરજ પડી હતી.
ઈસનપુર તળાવ વિકાસ માટે 25 વર્ષથી જાહેરાતો થતી રહી.
ઈસનપુર હાઈવે પર જનમાર્ગના ફ્લાય ઓવર નીચે દબાણ થયા.
10 વર્ષ દરમ્યાન ઉડીને આંખે વળગે તેવા કોઈ કામ થયા નથી.
ગ્રામ પંચાયત સમયના જૂના નળ-બંબાની જગ્યા પર સીનીયર સીટીઝન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. બાગ બગીચા, જીમ્નેશીયમ કે પુસ્તકાલય નથી.
ઈસનપુર વોર્ડમાં 2020થી 2015ની ટર્મ સિવાય દરેક ટર્મમાં બ્રહ્મસમાજના ઉમેદવાર ચૂંટણી જંગ જીત્યા છે. દક્ષેષ મહેતા, રમાબેન જોષી, લોવિંદ ઠાકોર, પુલકિત વ્યાસ ભાજપના રહ્યાં છે. 1 લાખ મતદારો છે.
ચંડોળા તળાવ
ચંડોળા તળાવ પાસે ડિમોલિશનની કામગીરી અગાઉ હાથ ધરવામાં આવી હતી. 29 એપ્રિલ 2025થી શરૂ થયેલી આ કામગીરી પહેલાં આ વિસ્તારમાંથી 800થી વધુ જેટલા શંકાસ્પદ (ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી)ની અટકાયત કરવામાં આવી હતી.બે ફેઝમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરના ઉપયોગથી દબાણ સાફ કરવામાં આવ્યા હતા. જેમાં ઘરો સિવાય અનેક ગેરકાયદે ધાર્મિક માળખાને પણ તોડી પાડવામાં આવ્યા હતા. ફેઝ-1માં 4,000 કાચા-પાકા બાંધકામ દૂર કરી 1.50 લાખ સ્કેવર મીટર જમીન ખાલી કરાવાઈ હતી. તો 20 મે, 2025એ ફેઝ-2માં 8,500 કાચા-પાકા બાંધકામ દૂર કરી કુલ 2.50 લાખ સ્કવેર મીટર જમીન ખાલી કરાવાઈ હતી. 12500 બાંધકામો ચંડોળામાં દૂર કરાયા હતા.

નરોડા-મૂઠિયા તળાવ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને નરોડા મૂઠિયા તળાવની ફરતેના દબાણો પણ દૂર કર્યા હતા. તળાવ આપવા માટે કલેક્ટરે 2021માં ઓર્ડર કર્યો હતો. 9 એપ્રિલ, 2025ના રોજ મ્યુનિ. દ્વારા તેનો કબજો લેવાયો હતો. આ તળાવમાં આવેલા રહેણાક તેમજ કોમર્શિયલ 85 કાચા-પાકા બાંધકામો દૂર કરવા મ્યુનિ.એ સોમવારે કાર્યવાહી કરી હતી.

અમદાવાદ ગ્રામ્ય
2 વર્ષ પહેલાં એપ્રિલથી જૂન માસમાં અમદાવાદ ગ્રામ્યની 15 મામલતદાર કચેરી વિસ્તારના અને શહેર મળીને 393 સરકારી જમીન પર દબાણ હતા. જેમાં 111 જમીનોના પ્લોટ પરથી દબાણો દૂર કરાયા હતા.
દબાણની માહિતીનું પત્રક દર ત્રણ મહિને સરકારી પોર્ટલ પર આપવામાં આવે છે.
શાહપુરમાં દબાણો તોડોયા હતા.

ધાર્મિક દબાણો
11-9-24થી 20-11-24માં બે મહિના  રાજ્યમાંથી 261 ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા હતા. જે પૈકી 236 જિલ્લા અને 25 કોર્પોરેશન વિસ્તારમાંથી દૂર કરાયા જેમાં 56 ધાર્મિક દબાણો રિલોકેટ અને 25 નિયમિત કરાયા હતા.

અમદાવાદ
જુલાઈ 2024 સુધીમાં અમદાવાદમાં માર્ગો ઉપર નડતરરુપ 1386 ધાર્મિક દબાણ દૂર કરવા અમદાવાદ શહેરની સરકારે નોટિસ આપી 7 દિવસમાં દૂર કરવા કહ્યું હતું.
6 જુલાઈ સુધીમાં 149 ધાર્મિક સ્થાનો ગૃહવિભાગના એપ્રિલ 2024માં કરવામાં આવેલા ઠરાવ મુજબ દૂર કરવામાં આવ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ધાર્મિક સ્થાનના દબાણ મામલે તંત્ર તરફથી કરવામાં આવેલી કાર્યવાહી અંગે પ્રોગ્રેસ રીપોર્ટ પણ રજૂ કરવાના હતા.
વિરાટનગર રોડ પર આવેલું ભાથીજી મહારાજ મંદિર, ઈન્ડિયા કોલોની પાસે આવેલું શનિદેવ તથા પાતળીયા હનુમાનજી મંદિર, બોમ્બે કંડકટર રોડનું હનુમાનજી મંદિર, રામોલનું ખોડીયાર મંદિર તેમજ સરદારનગરમાં આવલા સાંઈબાબા મંદિરનો સમાવેશ થાય છે.

ઝોન મુજબ ધાર્મિક સ્થાનો
ઝોન – ધાર્મિક સ્થાન – દૂર કરાયા
ઉત્તર – 212 – 20
પૂર્વ – 147 – 31
દક્ષિણ – 203 – 35
મધ્ય – 489 – 25
પશ્ચિમ – 235 – 23
ઉ.પ. – 57 – 9
દ.પ. – 28 – 6
હાઈવે – 15 – 0