જેની આતુરાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થતાની સાથે જ તેની જબરદસ્ત કોમેડી અને રોમાંચક દ્રશ્યોથી પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યું હતું. હાલમાં પણ અક્ષય કુમારના ટ્રાન્સજેન્ડર પાત્રની ખૂબ ચર્ચા થાય છે. પરંતુ આ ફિલ્મના રિલીઝના થોડા દિવસ અગાઉ જ મેકર્સે મોટો નિર્ણય લીધો છે. રિલીઝના માત્ર 10 દિવસ પહેલા જ ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું છે.
ફિલ્મનું શિર્ષક બદલવાનો નિર્ણય
રાઘવ લોરેન્સ દિગ્દર્શિત ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ માટે ગઈ હતી અને સ્ક્રીનિંગ બાદ નિર્માતાઓએ સીબીએફસી સાથે તેની ચર્ચા કરી હતી. પ્રેક્ષકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને અને તેનો આદર રાખીને ફિલ્મના નિર્માતાઓ શબીના ખાન, તુષાર કપૂર અને અક્ષય કુમારે હવે તેમની ફિલ્મનું શિર્ષક બદલવાનો નિર્ણય લીધો છે. અક્ષય કુમાર અને કિયારા અડવાણી અભિનીત હોરર-કોમેડી ફિલ્મનું નામ હવે ‘લક્ષ્મી’ છે.
હોટસ્ટાર વીઆઈપી પર રિલીઝ
તુષાર એન્ટરટેઈનમેન્ટ હાઉસ અને શબીના એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત ડિઝની પ્લસ હોટસ્ટાર પર ‘અ કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા રજૂ કરાયેલી રાઘવ લોરેન્સ દ્વારા દિગ્દર્શિત ‘લક્ષ્મી’ આ દિવાળી નવમી નવેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી પર રિલીઝ હશે.