કોરોના મામલે અમેરિકાએ સ્વીકાર્યુ કે મહામારી કાબૂમાં નથી

વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મિડોસે આશ્વર્યજનક નિવેદન આપતા કહ્યું હતું કે અમે કોરોનાને કાબૂમાં લઈ શકતા નથી. વ્હાઈટ હાઉસમાંથી આવેલા આ નિવેદનની વિપક્ષના નેતાઓએ ભારે ઝાટકણી કાઢી હતી. ડેમોક્રેટિક પાર્ટીના ઉપપ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસે એ મુદ્દે સરકારને ઝાટકી હતી.

વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મિડોસે વિચિત્ર નિવેદન આપ્યું હતું. માર્કે કહ્યું હતું કે અમે કોરોનાની મહામારી ઉપર કાબૂ મેળવી શકતા નથી. વેક્સિન અને ઉપચાર પદ્ધતિ ઉપર કામ થઈ રહ્યું છે. એ આવશે પછી મહામારી કાબૂમાં આવશે. વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફના આ નિવેદનની વિપક્ષના નેતાઓએ ઝાટકણી કાઢી હતી.

ટ્રમ્પના સ્વાસ્થ્ય સલાહકારે પણ એવું નિવેદન અગાઉ આપ્યું હતું કે માસ્ક પહેરવાથી કોઈ જ ફાયદો થતો નથી. બીજી તરફ ઉપપ્રમુખ માઈક પેન્સના સ્ટાફના પાંચને કોરોના પોઝિટિવ આવ્યો હોવા છતાં ગાઈડલાઈનની અવગણના કરીને માઈક પેન્સ ક્વોરન્ટાઈન થવાને બદલે પ્રચારમાં વ્યસ્ત કર્યા હતા.

એ બે મુદ્દે ડેમોક્રેટિક પાર્ટીના ઉપપ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસે સરકારને ઘેરી હતી. કમલા હેરિસે કહ્યું હતું કે માઈક પેન્સ ગાઈડલાઈનને અવગણીને પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. મારા સ્ટાફને જ્યારે કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યારે મેં પ્રચાર અને સભાઓ રદ્ કરીને ગાઈડલાઈનનું પાલન કર્યું હતું.

કમલા હેરિસે ઉમેર્યું હતું કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન કોરોનાને કાબૂમાં લેવામાં શરૂઆતથી જ નિષ્ફળ રહ્યું છે. ચીફ ઓફ સ્ટાફે એ બાબત જાહેરમાં હવે છેક સ્વીકારી છે. ઉપપ્રમુખપદના ઉમેદવારે કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પ અને ઉપપ્રમુખ માઈક પેન્સ હાર ભાળી ગયા છે. એટલે જ ગમે તેમ કરીને જીતવા માટે મથામણ કરી રહ્યા છે.