આરોગ્ય શિક્ષણમાં અમિત શાહ અને અમિત ચાવડા સામ સામે

અમદાવાદ, 29 ફેબ્રુઆરી 2024
પ્રશ્નોત્તરી કાળમાં આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજ અને ખાનગી કોલેજ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીએ રાજ્યની આરોગ્યની વરવી વાસ્તવિકતા જાહેર થઇ હતી. તેમણે બાદમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દાવાને આડકરતી રીતે પડકારીને ખુલ્લા પાડ્યા હતા.

ગુજરાતમાં ફક્ત 6 સરકારી મેડીકલ કોલેજો છે, જે ભાજપના શાસન પહેલાં 1995 પહેલા શરુ થયેલી છે. 30 વર્ષથી ભાજપનું શાસન છે, 10 વર્ષથી ડબલ એન્જીનની સરકાર છે, તેમ છતાં ગુજરાતમાં એકપણ સરકારી મેડીકલ કોલેજ આ 30 વર્ષના ભાજપના શાસનમાં ખુલી નથી.

બાકી તમામ સોસાયટી અને ખાનગી સંસ્થાઓ સંચાલિત કોલેજો છે. કુલ બેઠકો જે સ્નાતક કક્ષાની છે એ 7050 છે, એમાંથી સરકારી મેડીકલ કોલેજોમાં સ્નાતકની બેઠકો ફક્ત 1400 છે. ફક્ત 19% બેઠકો સરકારી મેડીકલ કોલેજોમાં છે અને 80% બેઠકો સોસાયટી અને ખાનગી સંચાલિત મેડીકલ કોલેજો છે.

સરકારી મેડીકલ કોલેજોમાં ફી, સ્નાતક અભ્યાસક્રમ માટે વર્ષની રૂ. 25 હજાર છે, એટલે કે કોંગ્રેસના શાસનમાં મેડીકલ કોલેજો ખુલી એમાં ડોક્ટર બનવું હોય, એમ.બી.બી.એસ સરળતાથી થઈ શકાય છે.

અનુદાનથી GMRES સોસાયટીના નામથી મેડીકલ કોલેજો ખોલી એમાં ફીનું ધોરણ 3 લાખ 30 હજાર સરકારી ક્વોટાની સીટો માટે છે. મેનેજમેન્ટ કવોટાની સીટો માટે 10 લાખ રૂપિયા છે.

આમ કોંગ્રેસના વખતમાં 25 હજાર રૂપિયા વર્ષે અને ભાજપની સરકારમાં મેડીકલ કોલેજોમાં સ્નાતક થવા માટે સરકારી કવોટામાં 3 લાખ 30 હજાર પ્રતિ વર્ષ ફી ભરવી પડતી રહી છે.

ખાનગી મેડીકલ કોલેજોમાં પ્રવેશ લેવા માટે દર વર્ષે 15 લાખ રૂપિયાની ફી ભરવી પડે છે. આટલી ઉંચી ફી હોય તો ક્યાંથી કોઈ ગરીબ વ્યક્તિ તેના બાળકને ભણાવી શકે.

બીજી બાજુ સરકારે કચ્છમાં ભુજ, બનાસકાંઠામાં પાલનપુર અને દાહોદની સરકારી હોસ્પિટલ જે વર્ષોથી હતી. એની મોટી જમીનો, મિલકતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતા. તે ખાનગી કંપનીઓને આપી દેવાયા છે અને ત્યાં રૂ. 3થી 15 લાખ ફી લેવાય છે. સરકારની અબજો રૂપિયાના મકિનો અને જમીનો તેમના કબજામાં આવી ગઈ છે.

ભાજપના 30 વર્ષના શાસનમાં એકપણ સરકારી મેડીકલ કોલેજ ખુલી નથી. તેની પોલી ખુલી ગઈ હતી. ગુજરાતના બાળકો સસ્તી ફીમાં ડોક્ટર થઇ શકતા નથી એટલા માટે જ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડોક્ટરની ઘટ છે અને લોકો સારવારથી વંચિત રહે છે. મેડીકલ કોલેજ, હાયર એજયુકેશનના નામે સરકારે ખાનગી સંસ્થાઓને લુંટવાનો પરવાનો આપ્યો હોય એવું આ જવાબમાંથી સ્પષ્ટ ફલીત થાય છે. તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

27 ફેબ્રુઆરી 2024માં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કલોકમાં ધાર્મિક સંસ્થાની મેડિકલ કોલેજના ઉદઘાટન વખતે જણાવ્યું હતું કે, આજથી બે-અઢી દાયકા પહેલાં ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો અને 1100 બેઠકો હતી. આજે 40 મેડિકલ કોલેજ અને 7 હજાર મેડિકલ બેઠકો છે.

આ ઉપરાંત 4 જિલ્લાઓમાં બ્રાઉન ફિલ્ડ અને 2 જિલ્લામાં ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરાઈ છે. 5 વર્ષમાં 10 જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન છે. તેના પરિણામે 1500 બેઠકો વધશે. જેના પરિણામે છેક અંતરિયાળ ગામો સુધી ડોક્ટરો સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, 387 મેડિકલ કોલેજથી વધારી 706 કોલેજ પીએમ મોદીએ કરી છે, 51 હજાર સીટોથી 1.07 લાખ મેડિકલ સીટો વધારવાનું કામ પીએમ મોદીએ કર્યું છે. તેથી 2047માં ભારત આવવા વિઝા લેવાની લાઇન લાગશે.

તેનો જવાબ અમિત ચાવડાએ વિધાનસભાની વિગતોનો આધાર લઈને આપ્યો હતો. આમ અમિત ચાવડા હવે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સામે આવી ગયા છે.